બહારનું ખાવાની શોખીનોએ અમદાવાદમાં ચેતીને ખાવાની જરૂર છે. અમદાવાદમાં હવે અસંખ્ય જગ્યાઓએ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચવામાં આવી રહી છે. જેને કારણે આરોગ્ય વિભાગ એકટીવ બન્યું છે. અમદાવાદની પ્રખ્યાત ગણાતી રેસ્ટોરન્ટ અને દુકાનોની ખાણીપીણીના નમૂના પણ ફેઈલ નીકળી રહ્યાં છે. ત્યારે અમદાવાદની પ્રખ્યાત ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે.
અમદાવાદ એએમસી દ્વારા પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત ઘી ગુડ રેસ્ટોરન્ટની ફરિયાદ આવી હતી. જેના બાદ સેવખમણી તથા મીઠી ચટણીનાં નમૂના લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ નમૂના ફેલ નીકળ્યા છે. જેથી આરોગ્ય વિભાગે ઘીગુડ રેસ્ટોરન્ટને સીલ મારીને તેને દંડ ફટકાર્યો છે.
પ્રહલાદનગર ચાર રસ્તા પાસે આવેલી ઘી ગુડ રેસ્ટોરન્ટમાં અખાદ્ય પદાર્થ અને ફૂડ એક્ટનું પાલન થતુ ન હોવાનું સામે આવ્યુ છે. ઉપયોગમાં લેવાતા ખાદ્ય પદાર્થ વાસી જાવા મળ્યા હતા. પાણી પુરી માટે ઉપયોગમાં લેવાતુ પાણી પણ ખરાબ થઇ ગયુ હતુ. જ્યારે સેવ ખમણી, મીઠી ચટણીના સેમ્પલ લેવાયા હતા. રેસ્ટોરન્ટના કિચનમાં સ્વસ્છતાનો અભાવ દેખાયો હતો.
આ ઉપરાંત અન્ય ખાણીપીણી સેન્ટર પર પણ સીલ મારવામાં આવ્યું છે. જેમ કે, મણિનગર જવાહર ચોક પાસે આવેલ જલારામ પરોઠા હાઉસને પણ નોટિસ મોકલાઈ છે. જેના દાળ અને મંચુરીયનના નમૂના ફેલ નીકલ્યા છે. સાથે જ સેફ્ટી માટે પણ નોટિસ મોકલાઈ છે. તો બોડકદેવના અંકલ ડોનાલ્ડ પિત્ઝાને ૧૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો મણિનગરના રીયલ પેપરીકાને ૧૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેના ગાર્લિક પેસ્ટના નમૂના ફેલ નીકળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મણિનગરની ઘી-ગુડ રેસ્ટોરન્ટનું મન્ચુરિયનનું સેમ્પલ ફેલ થયું હતું. મણિનગરની ઘી-ગુડ રેસ્ટોરન્ટનું મન્ચુરિયનનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું હતું.