અમદાવાદના વ્યસ્ત પાલડી વિસ્તારમાં એક મહિલા જ્યારે ચાલતી ઓટો-રિક્ષામાં મુસાફરી કરી રહી હતી ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે માણસોએ તેના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હતી. આ ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા પર સવાલ ઉભા કર્યા છે.પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર મુજબ, પીડિતા ચાર રસ્તાથી મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ જઈ રહી હતી.બપોરે લગભગ ૧ઃ૪૫ વાગ્યે, જ્યારે તેની ઓટો-રિક્ષા ધીમે ધીમે આગળ વધી રહી હતી, ત્યારે બે અજાણ્યા ટુ-વ્હીલર પર આવેલા માણસો રિક્ષા પાસે આવીને રોકાયા.બંને પુરુષોએ હેલ્મેટ પહેર્યું હતું, તેમના ચહેરા છુપાવ્યા હતા.એક માણસ મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો, જ્યારે બીજાએ ઝડપથી રિક્ષામાંથી મહિલાની બેગ છીનવી લીધી. લૂંટ પછી, બંને આરોપીઓ તેમની મોટરસાઇકલ પર ઝડપથી ભાગી ગયા અને મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ ભાગી ગયા. આ સમગ્ર ઘટના માત્ર ૧૦-૧૫ સેકન્ડમાં બની, રિક્ષા ચાલક કે રાહદારીઓને કાઈ કરવાનો સમય મળ્યો નહીં.આ પહેલા અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આર્યમાન બંગલોઝ સોસાયટીમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના બની હતી. જેમાં ત્રણ અજાણ્યા શખસોએ રાત્રિના અંધારામાં ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીને છરીની અણીએ બંધક બનાવી રૂ. ૨૧.૯૧ લાખની લૂંટ ચલાવીહતી.લૂંટારાઓએ જીવથી મારી નાખવાની ધમકી આપતા દંપતીને એકબીજાના માથે હાથ મુકાવી સોગંદ ખવડાવી હતી કે તેઓ આ બનાવની જાણ કોઈને કરશે નહીં.









































