અમદાવાદના નારોલમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. ગેસ ગળતર થતા ૭ કર્મીઓને નજીકની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર માહિતી મેળવી તપાસ આરંભી હતી, જેમાં કંપની માલિક અને સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
સૂત્રો મુજબ નારોલમાં દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કેમિકલ લીક થતા ૯ વ્યક્તિઓને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ફયુમના કારણે જ ફેકટરીમાં જે માણસો કામ કરતા હતા એ લોકો ગેસની અસર થઈ હતી. જેના કારણે ૯ લોકો બેભાન થઈ ગયા હતા. જેથી તાત્કાલિક સ્ટાફના માણસોએ બેભાન માણસોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પોલીસે આ મામલે ફેકટરી માલિક વિનોદ અગ્રવાલ અને સુપરવાઇઝર મંગળસિંહ રાજપુરોહિત સામે ગંભીર બેદરકારીના કારણે દુર્ઘટના મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
તેઓને મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં બે વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ચાર લોકોની હાલત ખૂબ ગંભીર અવસ્થામાં છે. ડિવિઝનલ ફાયર ઓફિસર અને સ્ટેશન ફાયર ઓફિસર સહિત અસલાલી ફાયર સ્ટેશન ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષિત સાધનો સાથે તાત્કાલિક ધોરણે ગેસ ગળતર બંધ કરાવવામાં આવ્યું હતું. ચાર લોકો હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હોવાનું જાણવા મળ્યું છે.