અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રદ્દ થયેલી જૂની ૮૯ લાખની ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦૦ રૂપિયાના દરની કુલ ૪૩૫૦ નોટો જેની કિંમત રૂ. ૪૩ લાખ ૫૦ હજાર છે. જ્યારે ૫૦૦ ના દરની ૯૧૦૦ નોટો જેની કિંમત રૂ. ૪૫ લાખ ૫૦ હજાર જેટલી થાય છે. પોલીસે કુલ ૧૩૪૫૦ જેટલી રદ્દ થયેલી નોટો ઝડપી પાડી છે. જેની કુલ કિંમત આશરે ૮૯ લાખ રૂપિયા થાય છે. નોટબંધી વખતે રદ્દ થયેલી જૂની નોટો આટલા મોટા પ્રમાણમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
મળતી માહિતી મુજબ નરોડા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક શંકાસ્પદ કારમાં પ્રતિબંધિત ચલણી નોટોની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસ ગેલેક્સી ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. કાર ત્યાંથી પસાર થતા પોલીસે કારને આંતરી હતી. તેમજ કારની તપાસ હાથ ધરતા કારમાંથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટોના બંડલ સંતાડેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા રોકડ રકમ તેમજ કારને જપ્ત કરવામાં આવી છે. તેમજ કારમાં સવાર બે લોકોની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં તેઓ આ પૈસા ક્યાં થી લાવ્યા અને ક્યાં પહોંચાડવાના હતા તેની તપાસ હાલ ચાલી રહી છે. વર્ષો બાદ પણ આટલી મોટી રકમની જૂની નોટો સાચવવા પાછળનું કારણ શું. તેમજ આમાં કોણ કોણ સંડોવાયેલા છે. તે તરફ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે.








































