રાજ્યમાં એક તરફ ખેડૂતોને સમયસર યુરિયા ખાતર નથી મળતું તો બીજી તરફ ખેતીના ઉપયોગ માટેનો યુરિયા ખાતરનો મોટો જથ્થો બારોબાર ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે ધકેલી દેવાનું કૌભાંડ સામે આવતાં હોય છે. થોડા દિવસ પહેલા જ સાબરકાંઠામાં સરકારી સબસીડીવાળું અને કૃષિ વપરાશ માટેનું નીમ કોટેડ યુરિયા ખાતરનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે ફરી પાછો અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા પ્રભુદાસ એસ્ટેટમાં આવેલી રાજસ્વી કેમિકલ કંપનીમાંથી ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસીડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો છે.

પોલીસે કંપની મેનેજરની ધરપકડ કરી છે. કંપનીના માલિકે ઇફકો યુરિયા ખાતર સંગ્રહ કરી રાખ્યું હતું. દાણીલીમડા પોલીસે ૨૭૬ થેલીઓ જપ્ત કરી માલિકને પકડવા તજવીજ હાથ ધરી છે.

દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇને બાતમી મળી હતી કે, પ્રભુદાસ એસ્ટેટમાં આવેલી રાજસ્વી કેમિકલ કંપનીમાં યુરિયા ખાતરનો કેટલોક ગેરકાયદેસર જથ્થો છુપાવ્યો છે. જેના આધારે મોડી રાતે દરોડો પાડતા ખેતીવાડી માટે વાપરવામાં આવતો સબસીડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.

કંપનીમાં હાજર વ્યક્તિની પૂછપરછ કરતા જણાવા મળ્યું હતું કે, યુરિયા ખાતરનો જથ્થો રાખવા બાબતે કોઇ પુરાવો ન હતો. આ યુરિયા ખાતરનો જથ્થો તેમની કંપનીના માલિક પુષ્પરાજ રાજસ્વીના કહેવાથી વપરાશ માટે સંગ્રહ કરી તેને મૂકી રાખ્યો હતો. દાણીલીમડા પોલીસે ઇફકો ખાતરની કુલ ૨૭૬ થેલી યુરિયા ખાતર કિંમત રૂ. ૭૩૫૫૪નું કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

હજુ હમણા થોડા દિવસ પહેલા જ યુરિયા ખાતરની થેલીઓમાં અપૂરતા વજનનો વિવાદ ઊભો થયો હતો. જે માંડ શમ્યો છે. ત્યારે ફરી પાછો સાબરકાંઠામાં સરકારી સબસીડીવાળું અને કૃષિ વપરાશ માટેનું નીમ કોટેડ યુરિયા ખાતરનું કૌભાંડ સામે આવ્યું છે. હિંમતનગરના પિપલોદી ગામ પાસે આવેલા એક ખેતરની ઓરડીઓમાંથી યુરિયા ખાતરની ગેરકાયદેસર મેળવીને સંગ્રહ કરેલ ૬૨૦ બેગો મળી આવી છે. ખેતીવાડી વિભાગે આ સ્થળે છાપો મારીને જથ્થો ઝડપી પાડ્યો છે.