અમદાવાદમાં વાડજ વિસ્તારમાં આવેલ નિર્ણયનગરમાં મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરનાર ૪ આરોપી ઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે રોહિત ઠાકોર, અજય ઠાકોર, વિશાલ ઠાકોર, અને જયેશ ઠાકોર ની ગોતાથી ધરપકડ કરી છે. આરોપીઓ પોલીસના ડરથી શહેર છોડવાની ફિરાકમાં હતા ત્યાં ક્રાઇમ બ્રાન્ચ એ બાતમીના આધારે ધરપકડ કરી છે.
આ ગેંગનો મુખ્ય સૂત્રધાર રોહિત ઠાકોર જાણે કે ગેંગ લીડર હોય તેવા વહેમમાં ફરતો હતો. અને વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરતો હતો. આરોપીઓએ રવિવારે મોડી સાંજે ફરિયાદીને ધમકાવી તેનો મોબાઈલ ફોન અને વીસ હજાર રોકડા પડાવી લીધા હતા. બાદમાં ફરિયાદીમાં બનેવી અને તેના મિત્ર આ વસ્તુ પરત લેવા જતા તેઓને માર માર્યો હતો. બાદમાં કેટલાક મિત્રો ભેગા મળીને લોખંડની પાઇપ, લાકડીઓ અને છરા જેવા હથિયાર સાથે આતંક મચાવીને વીસથી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. જે અંગે વાડજ પોલીસ એ હત્યાના પ્રયાસ સહિતનો ગુનો દાખલ કર્યો છે.
આરોપી રોહિત ઠાકોર અગાઉ વાડજ માં ૨, રાણીપમાં ૧ અને અસલાલીમાં ૧ એમ ચાર મારા મારીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે સાબરમતીના એક ગુનામાં નાસતો ફરે છે. જેને એક વખત પાસા હેઠળ રાજકોટ જેલમાં પણ મોકલી આપવામાં આવ્યો છે.
જ્યારે વિશાલ ઠાકોર પાંચેક વર્ષ પહેલાં રાણીપ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. હાલમાં પોલીસ એ ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમની ગેંગમાં આ ગુના માં અન્ય કોણ કોણ હતું જે અંગે વધુ તપાસ શરૂ કરી છે.