શહેરના જૂના વાડજમાં એક મહિલાની ઘાતકી હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે. ઓડ વણઝારાના ટેકરા ખાતે રહેતી મહિલા રાત્રે ઘરમાં સૂતી હતી. બે શખ્સોએ મહિલાના મકાનની મેઈન સ્વીચ બંધ કરીને અંધારામાં ઘરમાં ઘૂસ્યા હતા. બાદમાં મહિલાને બહાર લઈ જઈને હથિયારોથી હુમલો કરીને હત્યા કરી નાખી હતી. માતાને બચાવવા પડેલા પુત્ર પર પણ આરોપીઓએ હથિયારથી હુમલો કર્યો હતો. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી હત્યા પાછળનું કારણ અને આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.

જૂના વાડજમાં ઓડ વણઝારાના ટેકરા ખાતે રહેતા ૨૭ વર્ષીય આશીષકુમાર ઓડ આઈટી કંપનીમાં સોફ્ટવેર ડેવલપર છે. ગત શનિવારે તે મિત્રોને ચાંદખેડા મળીને રાત્રે ઘરે આવ્યા હતા. ઘર નજીક માતાજીના ભજન ચાલતા હોવાથી તે સીધા ઘરમાં જઈને સૂઈ ગયા હતા. પરંતુ રાત્રે બે વાગ્યે લાઈટો જતી રહેતા આશીષકુમાર જાગી ગયા હતા.

ઘરની બહાર આવીને જોયું તો તેમની ૫૦ વર્ષીય માતા ફુલીબેન ઘરની સામેની ગલીમાં બેઠા બેઠા રડતા હતા. ફુલીબેન પાસે બે શખ્સો ઊભા હતા અને તેમાંના એક શખ્સે ફુલીબેન પર હથિયારથી હુમલો કર્યો હતો. જેથી આશીષકુમારે બંને શખ્સોનો પ્રતિકાર કરતા તેમની પર પણ છરી વડે હુમલો કરતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. આશીષકુમારે બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવે તે પહેલા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે લોકોએ માતા-પુત્રને સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ફુલીબેનને મૃત જાહેર કર્યા હતા. આ મામલે વાડજ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા પાછળનું કારણ અને આરોપીઓ શોધવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આસપાસના સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.