અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક ૮ વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો કેસ નોંધાયો છે. બનાવ અંગે બાળકે પોતાના વાલીને જાણ કરતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમાલપુર વિસ્તારમાં આવેલી એક મસ્જીદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ અર્થે આવ્યો હતો. આ દરમિયાન કેટલાક બાળકો પણ મસ્જીદમાં હાજર હતા. આરોપીએ આ દરમિયાન એક ૮ વર્ષના બાળક સાથે વાતચીત કરી અને લાલચ આપીને તેને મસ્જીદના ધાબે લઈ ગયો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ મસ્જીદના ધાબે લઈ જઈ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ઘટના બાદ આરોપીએ બાળકને ત્યાંથી રવાના કરી દીધો હતો. બાળક નીચે આવ્યો ત્યાર બાદ થોડા સમય પછી આરોપી પણ મસ્જીદના ધાબેથી નીચે આવ્યો હતો. ઘટનાથી ભયભીત બાળકએ સમગ્ર બનાવ અંગે તેના વાલીને જાણ કરી હતી. વાલીએ તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન મસ્જીદમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મળ્યા છે, જેમાં આરોપી બાળકને સાથે લઈ જતો અને બાદમાં પરત આવતો દેખાઈ રહ્યો છે.સીસીટીવી ફૂટેજ અને બાળકના મેડિકલ રિપોર્ટના આધારે પોલીસે આરોપી નૌમાન શેખની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.







































