શહેરના ઘુમા વિસ્તારમાં પ્લોટના બનાવટી દસ્તાવેજા તૈયાર કરીને ૧ કરોડની લોન મેળવવાના ગંભીર કૌભાંડનો ખુલાસો થયો છે. સોસાયટીના ચેરમેનની ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરીને એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ૭૨ વર્ષીય વૃદ્ધાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.સિંધુભવન રોડ વિસ્તારમાં રહેતા ભાનુબેન પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે ઘુમા ગામની શ્રી વ્રજશ્યામ સોસાયટીમાં તેમનો પ્લોટ આવેલો છે. તેમણે ડિસેમ્બર ૨૦૨૦માં આ પ્લોટ અગાઉના માલિક પાસેથી ખરીદ્યો હતો. ૯ માર્ચના રોજ તેમનો દીકરો પ્લોટની મુલાકાતે ગયો ત્યારે ત્યાં હોમ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા લગાવવામાં આવેલી નોટિસ જાવા મળી હતી. આથી શંકા જતાં દસ્તાવેજાની તપાસ કરવામાં આવી, જેમાં મોટું કૌભાંડ બહાર આવ્યું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓએ વર્ષ ૧૯૯૯ના ખોટા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજા પર સોસાયટીના ચેરમેનની નકલી સહી અને સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી દસ્તાવેજા અસલી હોવાનું દર્શાવી શકાય.
પોલીસ ફરિયાદ મુજબ, આ બોગસ દસ્તાવેજાના આધારે નિર્મલ બાલાણીએ મુખ્ય અરજદાર અને ભાવેશ બાલાણીએ સહ-અરજદાર તરીકે અરજી કરીને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ટ‰હોમ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી પ્લોટ ગીરો મૂકી ૧ કરોડની લોન મેળવી હતી. આરોપીઓએ લોનની સંપૂર્ણ રકમનો ઉપયોગ કરી નાખ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર છેતરપિંડીમાં કમલેશ, દીપક, નિર્મલ બાલાણી અને ભાવેશ બાલાણી સહિત ચાર લોકોના નામ સામે આવ્યા છે. વૃદ્ધાને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે કે બનાવટી દસ્તાવેજા કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં.