ધોળકામાં રહેતી પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને પોતાના શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પાંચ દિવસની સારવાર બાદ પરિણીતાનું મોત નીપજ્યું હતું. ધોળકા પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે લગ્ન બાદથી સાસરિયા પરિણીતાને ત્રાસ આપતા હતા. પરિણીતાને ગર્ભ રહ્યો ત્યારે કોઈનું પાપ લઈને આવી છું તેમ કહીને ત્રાસ આપતા હતા. એક દિવસ પરિણીતાએ પિયર જવાનું કહેતા સાસરિયાઓએ મનાઈ કરીને આખી રાત ઝઘડો કરીને તેને જમવાનું પણ આપ્યું નહોતું. ધોળકા પોલીસે ચાર લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મૂળ રાજકોટની ૨૩ વર્ષીય નરગીસના ત્રણ વર્ષ પહેલા ધોળકા ટાંકા મસ્જીદ પાસે રહેતા સાદીક બાવનકા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદથી નરગીસને સાસરિયા ત્રાસ આપતા હતા. જ્યારે નરગીસને ગર્ભ રહ્યો ત્યારે ગર્ભમાં રહેલું બાળક બીજાનું હોવાનું  કહીને સાસરિયા ત્રાસ આપતા હતા. આટલું જ નહીં જ્યારે તે પિયરમાં ગઈ ત્યારે પણ સાસરિયાએ તેને પરત લાવવાની મનાઈ કરીને તેડી ગયા નહોતા.નરગીસે બાળકને જન્મ આપ્યા બાદ પણ તે કોઈનું પાપ હોવાનું કહીને તેને સાસરિયાઓ પરત તેડી ગયા નહોતા. થોડા દિવસ પહેલા જ્યારે નરગીસના પુત્રએ મામાના ઘરે જવાની જીદ કરી ત્યારે નરગીસે તેના પતિને પિયર જવા પૂછ્યું હતું. ત્યારે નરગીસના પતિ સાદિકે પિયર જવાની મનાઈ કરી હતી. આ બાબતે પતિ, સાસુ અને નણંદોએ આખી રાત ઝઘડો કરીને નરગીસને જમવાનું પણ આપ્યું નહોતું. જેથી કંટાળીને ગત તા.૨૯ નવેમ્બરે નરગીસે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે નરગીસને ગંભીર હાલતમાં અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું ગત તા.૩ના રોજ મોત નીપજ્યું હતું. ધોળકા પોલીસને આ મામલે જાણ થતાં પોલીસે નરગીસના પતિ સાદીક, સાસુ મુમતાજબાનુ અને નણંદ સમીરાબાનુ તથા ફરજાનાબાનુ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.