શહેરના ચાંદખેડા નજીક આવેલા ત્રાગડ ગામમાં મામાના ઘરે રહેતા એક યુવકે વિકૃતિની હદ એટલી વટાવી દીધી હતી કે ખુદ પોલીસ પણ ફરિયાદ નોંધતા ખચકાતી હતી. યુવક ઘરમાં એકલો હતો ત્યારે તેણે પાલતું બકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. જાગૃત નાગરિકે યુવકનો વીડિયો ઉતારી લીધા બાદ એક જીવદયા ટ્રસ્ટને મોકલી આપતા અંતે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો હતો.
નરોડા વિસ્તારમાં આવેલા પુષ્પમ ટેનામેન્ટમાં રહેતા અને સંવેદના બર્ડ એન્ડ એનિમલ હેલ્પલાઇન નામનથી ટ્રસ્ટ ધરાવતા વિજલ પટેલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં વિશાલ (રહે, હુડકો વાસ, સાબરમતી) વિરૂદ્ધ પ્રાણી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાની ફરિયાદ કરી છે. ગઇકાલે વિજલ નોકરી પર હતો ત્યારે તેના મોબાઇલ પર એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, ત્રાગડ વિસ્તારમાં વહેલી સવારે એક શખ્સ બકરા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો. જેનો મે વીડિયો લીધો છે. નાગરિકે વિજલને વીડિયો મોકલ્યો હતો. જેમાં શખ્સ બકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. નાગરિકે ૪ મિનિટ અને ૪૧ સેકન્ડનો વીડિયો ઉતાર્યો હતો. જેના આધારે વિજલે ગુનો દાખલ કર્યો છે.
વિજલ અને તેમની ટીમ તાત્કાલિક ત્રાગડ પહોંચી ગઇ હતી. જ્યાં તેમને શખ્સનું નામ વિશાલ જાણવા મળ્યુ હતું. વિશાલ તેના મામાના ઘરે રહે છે અને ગઇકાલે મામા ઘરે હાજર નહીં હોવાથી તેણે એકલતાનો લાભ લઇને બકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. બકરો વિશાલના મામાનો છે, જેને ગઇકાલે વિજલ અને તેમની ટીમ પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી. પોલીસે વિશાલ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, આ પ્રકારની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે અને લોકો આ હદ સુધી પણ જઈ શકે તે એક ચિંતાનો વિષય છે.