અભ્યાસમાં ધાર્યું પરિણામ ન મળતા અને માનસિક બીમારીથી કંટાળીને આત્મહત્યા કરવા નીકળેલી એક યુવતીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે સમયસર દખલગીરી કરીને બચાવી લીધી હતી. એક જાગૃત નાગરિકની સતર્કતાથી આ યુવતીનો જીવ બચી ગયો હતો. એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ એસ.ટી. બસના ડ્રાઇવર છે અને તેમની બસમાં બેઠેલી એક અજાણી યુવતી પોતે આત્મહત્યા કરવા ઘરેથી નીકળી ગઈ હોવાનું જણાવી રહી છે. આ માહિતી મળતાં જ ૧૮૧ અભિયમ મહિલા હેલ્પલાઈનની ટીમ-કાઉન્સિલર પૂનમ ભુવા, મહિલા જી.આર.ડી. વિલાસબેન અને પાઇલોટ સંજયભાઈ – તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં સુધીમાં ડ્રાઇવરે યુવતીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રીતે બેસાડી રાખી હતી. ૧૮૧ની ટીમે યુવતી સાથે વાતચીત કરી ત્યારે તેણે જણાવ્યું કે, તેણે ઘણા વર્ષો પહેલાં હોમિયોપેથીમાં અભ્યાસ માટે એડમિશન લીધું હતું અને ખૂબ મહેનત કરી હતી, પરંતુ તેને ઇચ્છિત પરિણામ ન મળ્યું. બીજા વર્ષે પણ અથાક મહેનત છતાં નિષ્ફળતા મળતાં તે ખૂબ જ હતાશ થઈ ગઈ હતી.