ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનની ૨૧મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બધાની નજર સનરાઇઝર્સ હૈદરાબાદની ઓપનિંગ જાડી, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડના પ્રદર્શન પર ગઈ, જે મોટી નિરાશાજનક સાબિત થઈ. રાજસ્થાન રોયલ્સના સ્ટાર ફાસ્ટ બોલર જાફ્રા આર્ચર તરફથી મેચના પહેલા બોલ પર મોટો શોટ લેવાનો પ્રયાસ કરતો અભિષેક શર્મા ડીપ થર્ડ મેન પર કેચ થઈ ગયો અને ખાતું ખોલ્યા વિના પેવેલિયન પાછો ફર્યો. આ સાથે, અભિષેક શર્માએ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.
૨૦૨૬માં અભિષેક શર્માનુ ટી ૨૦ ક્રિકેટમાં ખાસ કરીને ખરાબ ફોર્મ રહ્યું છે, ટી ૨૦ વર્લ્ડ કપ પછી તે પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. અભિષેક હવે ટી ૨૦ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓમાં એક વર્ષમાં સૌથી વધુ ડક આઉટ મેળવનાર ખેલાડી બની ગયો છે, આ રેકોર્ડ તેણે અગાઉ રોહિત શર્મા અને સંજુ સેમસન સાથે શેર કર્યો હતો. હવે અભિષેક આ બંને ખેલાડીઓને પાછળ છોડીને પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. અભિષેક શર્માએ વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં કુલ ૧૮ ટી૨૦ મેચ રમી છે, જેમાં તે ૭ ઇનિંગ્સમાં ખાતું ખોલ્યા વિના પેવેલિયન પાછો ફર્યો હતો. આમાં ચાર ગોલ્ડન ડક પણ શામેલ છે. વર્ષ ૨૦૧૮માં ૩૩ ટી૨૦ મેચ રમનાર રોહિત શર્મા ૬ વખત શૂન્ય રન પર આઉટ થયો હતો, જ્યારે સંજુ સેમસન ૨૦૨૪માં ટી૨૦ ક્રિકેટમાં ૩૨ ઇનિંગ્સમાંથી ૬ ઇનિંગ્સમાં શૂન્ય રન પર આઉટ થયો હતો.
ટી૨૦ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ શૂન્ય રન ધરાવતા ભારતીય ખેલાડીઓઃ
અભિષેક શર્મા – ૭ શૂન્ય (૧૮ ઇનિંગ્સ, ૨૦૨૬)
રોહિત શર્મા – ૬ શૂન્ય (૩૨ ઇનિંગ્સ, ૨૦૧૮)
સંજુ સેમસન – ૬ શૂન્ય (૩૨ ઇનિંગ્સ, ૨૦૨૪)
ગુરકીરત સિંહ માન – ૫ શૂન્ય (૧૯ ઇનિંગ્સ, ૨૦૧૩)
બેટ્સમેન માટે આઈસીસી ટી૨૦ રેન્કિંગમાં નંબર-વન સ્થાન ધરાવતા અભિષેક શર્મા માટે ૨૦૨૬ એક દુઃસ્વપ્ન રહ્યું છે. અભિષેકે આ વર્ષે ૧૮ ટી૨૦ મેચ રમી છે, જેમાં ૨૬.૫૮ ની સરેરાશથી માત્ર ૪૫૨ રન બનાવ્યા છે. તેણે એક પણ સદી ફટકારી નથી, પરંતુ પાંચ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે.














































