ભારતના યુવા ઓપનર અભિષેક શર્માએ આઇપીએલમાં ઈતિહાસ રચ્યો છે. અભિષેક શર્માએ એક એવું ઐતિહાસિક કારનામું કર્યું છે જે આજ સુધી કોઈ ભારતીય બેટ્સમેન કરી શકયો નથી. શનિવારે રાત્રે પંજાબ કિંગ્સ સામે રમાયેલી આઇપીએલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે માત્ર ૧૮.૩ ઓવરમાં ૨૪૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદએ આ મેચ ૯ બોલ બાકી રહેતા ૮ વિકેટે જીતી લીધી હતી.
અભિષેક શર્માએ આ દરમિયાન માત્ર ૫૫ બોલમાં ૧૪૧ રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ પોતાની ઇનિંગમાં ૧૪ ચોગ્ગા અને ૧૦ સિક્સર ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ ૨૫૬.૩૬ હતો. આ ઈનિંગ દરમિયાન અભિષેક શર્માએ આઇપીએલ ઈતિહાસમાં ઘણા મોટા રેકોર્ડ તોડ્યા હતા. અભિષેક શર્માના ૧૪૧ રન આઇપીએલના ઈતિહાસમાં કોઈપણ ભારતીય બેટ્સમેનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. અભિષેક શર્માનો આ સ્કોર આઇપીએલમાં બનેલા સૌથી વધુ વ્યક્તિગત સ્કોરોની યાદીમાં ત્રીજા નંબરે આવે છે.
આઇપીએલમાં સૌથી મોટા વ્યક્તિગત ઈનિંગ રમવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના શાનદાર બેટ્સમેન ક્રિસ ગેલના નામે નોંધાયેલો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ક્રિસ ગેલે ૨૦૧૩માં પુણે વોરિયર્સ ઇન્ડિયા સામે ૧૭૫ રનની અણનમ ઈનિંગ રમી હતી. આ યાદીમાં બીજું નામ બ્રેન્ડન મેક્કુલમનું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ માટે મેક્કુલમે આઇપીએલ ૨૦૦૮માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૧૫૮ રનની અણનમ ઇનિંગ રમી હતી.
અભિષેક શર્માએ માત્ર ૪૦ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે કોઈ ભારતીય બેટ્સમેનની ત્રીજી સૌથી ફાસ્ટ આઇપીએલ સદી છે. અભિષેક શર્માથી આગળ યુસુફ પઠાણ (૩૭ બોલમાં આઈપીએલ સદી) અને પ્રિયાંશ આર્ય (૩૯ બોલમાં આઈપીએલ સદી)નું નામ આવે છે. અભિષેક શર્માએ પણ સદી ફટકાર્યા બાદ પોતાના અનોખા સેલિબ્રેશનથી એસઆરએચ ચાહકોના દિલ જીતી લીધા હતા. સદી પૂરી કર્યા બાદ અભિષેક શર્માએ પોતાના ખિસ્સામાંથી એક નોટ કાઢી જેના પર લખ્યું હતું, ‘આ ઓરેન્જ આર્મી માટે છે’
આઇપીએલમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર
૧૭૫* – ક્રિસ ગેલ આરસીબી વિ.પીડબ્લ્યુઆઇ ૨૦૧૩
૧૫૮* – બ્રેન્ડન મેક્કુલમ (કેકેઆર) વિ,આરસીબી ૨૦૦૮
૧૪૧ – અભિષેક શર્મા (એસઆરએચ) વિ પીબીકેએસ ૨૦૨૫
૧૪૦* – ક્વીન્ટન ડી કોક (એલએસજી) વિ કેકેઆર ૨૦૨૨
૧૩૩* – એબી ડી વિલિયર્સ (આરસીબી) વિ એમઆઇ ૨૦૧૫
૧૩૨* -કે.એલ રાહુલ (કેએકસઆઇપી) વિ.આરસીબી ૨૦૨૦
ટ્રેવિસ હેડ સાથે ૧૭૧ રનનો રેકોર્ડ ઓપનિંગ પાર્ટનરશિપ
૨૪ વર્ષીય અભિષેક શર્માએ ટ્રેવિસ હેડ (૬૬ રન) સાથે ૧૭૧ રનની રેકોર્ડ ઓપનિંગ ભાગીદારી પણ કરી હતી, જેણે આઇપીએલ ઇતિહાસમાં બીજા સૌથી વધુ રન ચેઝનો પાયો નાખ્યો હતો.આઇપીએલ ૨૦૨૫ની મેગા હરાજી પહેલા રૂ. ૧૪ કરોડમાં રિટેન કરાયેલા અભિષેક શર્માની આ શાનદાર ઇનિંગ એસઆરએચ માટે આનાથી વધુ સારો સમય ન લાવી શકત. અભિષેક શર્માએ એસઆરએચને પંજાબ કિંગ્સને ૮ વિકેટે હરાવવામાં મદદ કરી અને ૯ બોલ બાકી રહીને લક્ષ્યનો પીછો કર્યો.















































