તમિલ ફિલ્મ અભિનેતા અને તમિલગા વેટ્ટી કઝગમ પાર્ટીના વડા, થલાપતિ વિજયને ૨૦૨૬ ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેમને ગઠબંધન અંગે અંતિમ નિર્ણય લેવાની સત્તા પણ આપવામાં આવી છે.મહાબલીપુરમની એક ખાનગી હોટલમાં યોજાયેલી ટીવીકેની ખાસ સામાન્ય સભાની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો. વિજય પોતાના ટ્રેડમાર્ક સફેદ શર્ટ અને થોડી દાઢીવાળા દેખાવમાં બેઠકમાં પહોંચ્યા હતા.બેઠક દરમિયાન કુલ ૧૨ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં તમિલનાડુમાં મહિલાઓની સલામતી, શ્રીલંકાના નૌકાદળ દ્વારા ભારતીય માછીમારોની વારંવાર ધરપકડ અને મતદાર યાદીના ખાસ સુધારણા પ્રક્રિયા જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.ટીવીકેની સામાન્ય સભાના ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે વિજય એક એવા નેતા છે જેને જીવનના તમામ ક્ષેત્રોના લોકો પ્રેમ કરે છે. પાર્ટી તેમના નેતૃત્વમાં ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણી લડશે. તેમને ગઠબંધન સંબંધિત તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી છે. કરુર રેલીમાં થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા ૪૧ લોકોને શ્રદ્ધાંજલિ આપીને બેઠકની શરૂઆત થઈ. સભ્યોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનું મૌન પાળ્યું. ટીવીકેના કાર્યક્રમો દરમિયાન વિજય અને જનતા માટે પૂરતું પોલીસ રક્ષણ આપવાની પણ માંગણી કરવામાં આવી.વિજયે બેઠકમાં જણાવ્યું હતું કે વર્તમાન રાજકીય વાતાવરણ પાર્ટીના પક્ષમાં છે, તેથી આગામી ચૂંટણીઓ અંગે વ્યૂહાત્મક નિર્ણયો યોગ્ય સમયે લેવામાં આવશે. નોંધનીય છે કે ટીવીકે પહેલાથી જ જાહેરાત કરી ચૂક્્યું છે કે તે ૨૦૨૬ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પોતાના દમ પર લડશે. વિજયે તાજેતરના મહિનાઓમાં રાજ્યની શાસક ડીએમકે સરકાર પર તીવ્ર હુમલાઓ શરૂ કર્યા છે, અને જનતામાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.