બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખનો જન્મ મુંબઈમાં એક રાજકીય પરિવારમાં થયો હતો. તેમના પિતા ઘણા વર્ષો સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમ છતાં રીતેશે રાજકારણ છોડીને બોલિવૂડનો રસ્તો પસંદ કર્યો, જેમાં તે સફળ પણ રહ્યો. રિતેશનો જન્મ ૧૭ નવેમ્બર ૧૯૭૮ના રોજ થયો હતો. આ વર્ષે રિતેશ તેનો ૪૩મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિતેશ દેશમુખે વર્ષ ૨૦૦૦માં ફિલ્મ તુઝે મેરી કસમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. રિતેશે ઘરના રાજકીય વાતાવરણથી દૂર ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. શરૂઆતના દિવસોમાં રિતેશને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. રિતેશ પોતાના દમ પર નામ કમાયો પરંતુ શરૂઆતના દિવસોમાં બધા તેને મુખ્યમંત્રીનો પુત્ર હોવાને કારણે ટ્રોલ કરતા હતા. બધાને લાગતું હતું કે રિતેશનું ફિલ્મી કરિયર લાંબુ નહીં ચાલે. જોકે, આ બધી બાબતોનો રિતેશે ક્યારેય કોઈ જવાબ આપ્યો નથી. તેણે પોતાના કામથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. રીતેશે ફિલ્મી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે, અને ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. રિતેશ દેશમુખે પોતાની દમદાર એક્ટિંગના દમ પર ઘણા મોટા એવોર્ડ પણ જીત્યા છે. રિતેશને ઈન્ડસ્ટ્રીનો ફેમિલી મેન પણ કહેવામાં આવે છે. રિતેશ દેશમુખે લગભગ ૧૮ વર્ષ પહેલા ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રિતેશની સાથે જેનેલિયા ડિસોઝા લીડ રોલમાં હતી. રિતેશ અને જેનેલિયાનો પ્રેમ આ ફિલ્મના સેટ પર જ ખીલ્યો હતો. બંનેએ લગભગ ૯ વર્ષ સુધી એકબીજોને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા. વર્ષ ૨૦૧૨માં રિતેશ અને જેનેલિયાના લગ્ન થયા હતા. હવે તેમને બે બાળકો રિયાન અને રાહિલ પણ છે. રિતેશ દેશમુખની મુખ્ય ફિલ્મોની વાત કરીએ તો, તેમાં તુઝે મેરી કસમ, મસ્તી, બર્દાશ્ત, ક્યા કૂલ હૈ હમ, બ્લફમાસ્ટર, માલામાલ વીકલી, કેશ, હે બેબી, ધમાલ, હાઉસફુલ, ડબલ ધમાલ, હાઉસફુલ ૨, હમશકલ્સ, એક વિલન, હાઉસફુલ ૩, બેન્જા, બેંક ચોર, ટોટલ ધમાલ અને મરજોવાનનો સમાવેશ થાય છે.