અફઘાનિસ્તાનના સમાચાર જ સમાપ્ત થયા છે, અફઘાનિસ્તાનની દારુણ સ્થિતિ યથાવત છે. ભારતમાં પણ તેને લઈને બહુ ચર્ચા થઇ છે. અહીંથી પણ આડેધડ નિવેદનો આવી રહ્યા છે. શાયર મુન્નવર રાણાએ અયોગ્ય વાતો કરી.મુન્નવર રાણાનું છટકી ગયું છે. અલ્લાહ તેને માનસિક સંતુલન બક્ષે. વર્ષો પહેલા એક ફોટો જોયો હતો. એમાં ચાર દિવસની હોસ્પિટલના બિછાને ઘોડિયામાં સુતી હતી. તેના એક પગમાં ગોઠણે પાટો બાંધ્યો હતો. કારણ કે ગોઠણ નીચેથી તેનો પગ ડોક્ટરોએ કાપવો પડેલો. કેમ? લેન્ડ માઈન ફૂટી હતી અને લોખંડની કરચો એ માસુમ બાળકીના પગમાં ઘુસી ગઈ હતી. પગ કાપવા સિવાય મિલીટરી ડોક્ટરો પાસે કોઈ રસ્તો હતો નહિ. ફરીથી દોહરાવું છું- ફક્ત ચાર દિવસની હથેળીમાં સમાઈ જાય એવડી છોકરીની આ હાલત હતી.

 

હવે બીજું દ્રશ્ય જોઈએ. અફઘાનિસ્તાનમાં નમાજના સમયે કોઈ મસ્જીદની મુલાકાત લીધી છે? ઓફ કોર્સ, આપણે ત્યાં ન હોઈએ એટલે ખબર ન હોય. પણ જો નમાજના સમયે મસ્જીદના દરવાજે રહેવાનું થાય તો શું દેખાય? કતારબંધ વ્હીલચેર! વ્હીલચેરની લાઈનો હોય. હજારો નહિ પણ લાખો અફઘાનો પંગુ છે, અપંગ છે, પગ વિનાના છે. હજારો અફઘાનો એવા હશે જેને બંને પગ નથી. કેમ? અફઘાનિસ્તાનમાં ઠેર ઠેર જમીનમાં દાટેલી સુરંગો છે. દાયકાઓ કે અમુક વર્ષો પહેલા એ સુરંગ બિછાવી હોય અને પછી તેને નિષ્ક્રિય કરવાનું રહી ગયું હોય. પછી કોઈ નિર્દોષ કે દોષિત અફઘાનનો પગ તેની ઉપર પડે એટલે સુરંગ ધડાકાભેર ફાટે. ચારમાંથી એક કેસમાં પ્રાણ જાય, બાકીના ત્રણ કેસમાં શરીરને કાયમી નુકસાન પહોચે.

 

આવી સુરંગો સૌથી વધુ બાળકોનો ભોગ લે. કારણ કે અફઘાનિસ્તાનની સંસ્કૃતિ પાકિસ્તાન કરતા ખાસ જુદી નથી. ત્યાં પણ પતંગો ચગે (એટલે તો ત્યાંથી ‘ધ કાઈટ રનર’ જેવી અદભુત વાર્તા આપણને મળે!), ત્યાં પણ શેરીઓમાં ક્રિકેટ રમતું હોય, ત્યાં પણ ફૂટબોલ ટીમ છે, વોલીબોલના શોખીન યુવાનો છે. મેદાન સમજીને રમવા ગયેલા છોકરાઓનો પગ લેન્ડ માઈન ઉપર પડે અને ધડામ! વ્હીલચેર ન મળવાના લીધે હજારો બાળકો ચોવીસ કલાક પથારીમાં કાઢતા. એક બાજુ ઇસ્લામિક દેશ ગણાતું યુ.એ.ઈ. છે જ્યાં દુબઈ અને અબુધાબી એવા અલ્ટ્રા મોર્ડન શહેરો છે. એવું કહેવાય છે કે દુનિયામાં જેટલી પણ ક્રેઇન છે તેની વીસ ટકા ક્રેઇન દુબઈમાં છે. વર્ટીકલ વિકાસનો અંદાજો મેળવી શકાય. તો સામે છેડે એવું કહેવાય છે કે અફઘાનિસ્તાનમાં વસ્તીના રેશિયો મુજબ જગતની વીસ ટકા કરતા વધુ વ્હીલચેર છે, ટેકણલાકડી કે કાખઘોડી અલગ. હજુ અફઘાનિસ્તાનને લાખો વ્હીલચેરની જરૂર છે. (તાલીબાનોના માટે તેનો પોતાનો ધર્મ વિદેશી બનાવટની વ્હીલચેર વાપરવા દેશે?)

 

અફઘાનિસ્તાનને આઝાદી ભલે ૧૯૧૯ માં મળી હોય કે તાલીબાનની સ્થાપના ભલે ૧૯૯૪ માં થઇ હોય. આવી બધી પ્રાથમિક વિગતો તો આપણે વોટ્સએપમાં કે વીકીપીડીયામાં કે કોઈ નવરા ઝનૂની મિત્રની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી મેળવી લીધી હશે. ન કહેવાતી વાત એ છે અને એ વાત જાણ્યા પછી વસ્તુશાસ્ત્ર કે જ્યોતિષ કે અલૌકિક બાબતો ઉપર થોડો વિશ્વાસ કરવાનું મન થઇ જાય એવી વાત છે કે અફઘાનિસ્તાનના નસીબ જ આવા છે. છેલ્લા દસ-વીસ વર્ષથી નહિ, છેલ્લા સો-બસ્સો વર્ષોથી નહિ, છેલ્લા એક હજાર વર્ષોથી અફઘાનિસ્તાનના લલાટે લોહીયાળ યુદ્ધો અને ખૂનામરકી જ લખાયેલી છે. એલેકઝાન્ડર ધ ગ્રેટથી લઇને આજ સુધી વિદેશી હુમલાખોરો અને સ્વદેશી દુશ્મનોએ અફઘાનીસ્તાની ધરતીને લોહીથી સીંચે રાખી છે. તો પણ ના તો તલવાર, ના તો ઘોડા, ના તો તોપગોળા, ના તો ક્લ્શનીકોવ રાઈફલ, ના તો લેન્ડ માઈન કે ના તો બોમ્બ- અફઘાનિસ્તાન માટે સૌથી ખતરનાક હથિયાર કોઈ પુરવાર થયું હોય તો એ છે ધર્મ પ્રત્યેનું આંખ-કાન-નાક અને બુદ્ધિ વિનાનું ઝનુન. કહેવાતા ધર્મના અને તેના ખોટા અર્થઘટનના રક્ષણના નામે અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા જમાનાઓથી માણસોની કત્લેઆમ થઇ છે, જિંદગી દોજખ બની છે અને આખા દેશને નર્કાગારમાં ફેરવી નાખવામાં આવ્યું છે. અધૂરામાં પૂરું, હવે તાલીબાન સત્તા ઉપર છે. વાંદરા, શિયાળ, કોમેડો ડ્રેગન, ઝેરીલા કોબ્રાનું મિશ્રણ. બુદ્ધિ વિનાનાના ઝનૂની અને હાડોહાડ જુઠ્ઠા એવા તાલીબાનો. ઈતિહાસમાં નોંધાયેલા અમુક આંતકવાદીઓ પણ આટલા જંગલી ન હતા, તાલીબાનો એવા પુરવાર થઇ રહ્યા છે.

 

પહાડી મૂલક. ગેરીલા વોરફેર. અમેરીકાએ અબજો ડોલરો ખર્ચ્યા. હજારો અમેરીકનોની જિંદગી ખતમ થઇ ગઈ. રશિયાએ પણ અફઘાનિસ્તાનને હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. પેટ્રોલીયમનું ઉત્પાદન કરતા ઓપેક દેશો. તેને લીધે વૈશ્વિક રાજકારણમાં કટ્ટર મુસ્લિમવાદ પ્રવેશે. તેની પાછળ પાછળ આવે ફતવાઓ, શરિયતના કાયદાઓ, જનૂન અને જડતા. બંધિયારવાદ. આતંકવાદ. નાઈન/ઈલેવન. કેટલીયે કોન્સપાયરેસી. મહાસત્તાઓ સ્વાર્થી લાલસુઓ. આ બાજુ કટ્ટરવાદીઓ. ગુફાઓમાં ખભે બંદુક લટકાવીને મહિનાઓ સુધી નાહ્યા વિના રખડે રાખે. અંધકારયુગ. એમાં પ્રકાશનું એક કિરણ પણ સહન થાય નહિ. સ્ત્રીઓ સોફ્ટ ટાર્ગેટ. સ્ત્રીઓ ઉપર અમાનુષી અત્યાચાર. બાળકોનું બ્રેઈનવોશિંગ. પશ્ચિમી સંસ્કૃતિને ભાંડવાનો દોષારોપણ ભર્યો સ્વભાવ.

 

હવે શું થશે? તાલીબાન ફિક્સમાં છે. અફઘાનિસ્તાનની સંસદમાં બંદુકો સાથે ફોટો પડાવે છે. અમેરીકન વસ્તુઓનો બહિષ્કાર કરતા એ દંભીઓ આઈસક્રીમ ખાય છે અને રશિયન બનાવટની બંદુકો વાપરે છે. તાલીબાનને આતંકવાદ ફેલાવવામાં અલ-કાયદા જેવા ઘણા સંગઠનોએ મદદ કરી છે. એટલે હવે એ ત્રાસવાદી સંગઠનોને નારાજ નહિ કરી શકાય. જડતા અને કટ્ટરવાદ ફેલાવવો જ પડશે. સ્ત્રીઓને સાંકળ બાંધીને રાખવી પડશે. એવું કરશે તો બાકીની દુનિયા સંબંધ નહિ રાખે. તો ખાશે શું? અફઘાની મેવો? ફ્રસ્ટ્રેશનમાં આવીને પાકિસ્તાનમાં કે બીજે ક્યાંક બોમ્બધડાકા કરશે. આતંકવાદીઓ છમકલા કરશે. કોઈ એક દેશની વધુ પડતી સળી કરી તો એ દેશ થોડા જ દિવસોમાં તાલીબાની સરકાર અને એના પીંજરા જેવા દેશને ખેદાનમેદાન કરી નાખશે.

 

સવાલ એ છે કે તાલીબાનનો ધર્મ જે હોય તે, પણ કોઈ પણ ધર્મ પાછળ આટલું જનુન જો બરબાદીઓ લાવતો હોય તો કોઈ પણ ધર્મને પકડી રાખવાનો ફાયદો શું? ધર્મ આપણા માટે છે કે આપણે ધર્મ માટે છીએ?