અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનના આગમન બાદ પ્રથમ વખત અફઘાનિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની આબોહવા મંત્રણામાં ભાગ લેવા જઈ રહ્યું છે. અફઘાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શનિવારે એએફપીને જણાવ્યું હતું કે અઝરબૈજાનમાં આગામી યુએન ક્લાઈમેટ ચેન્જ સમિટમાં અફઘાન પ્રતિનિધિમંડળ ભાગ લેશે. તાલિબાન સરકાર સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાન માટે આ સમિટમાં ભાગ લેવાની પ્રથમ તક છે.
અફઘાનિસ્તાનને આબોહવા પરિવર્તન માટે સૌથી વધુ સંવેદનશીલ દેશોમાં છઠ્ઠું સ્થાન આપવામાં આવ્યું છે. જેના આધારે તાલિબાન અધિકારીઓએ સીઓપી સમિટમાં ભાગ લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે રાજકીય એકલતાના કારણે તેમને આંતરરાષ્ટ્રીય આબોહવા વાટાઘાટોમાંથી બાકાત રાખવા જાઈએ નહીં.
તમને જણાવી દઈએ કે અગાઉ અફઘાનિસ્તાને ઈજિપ્ત અને સંયુક્ત આરબ અમીરાતમાં ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો હતો અને હવે તેમને સીઓપી૨૯માં ભાગ લેવા માટે અઝરબૈજાન તરફથી આમંત્રણ મળ્યું છે.
આ સાથે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્ખીએ કહ્યું કે અઝરબૈજાનની રાજધાની બાકુમાં સોમવારથી શરૂ થનારી સમિટમાં અફઘાનિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ ભાગ લેશે. જા કે, અફઘાન પ્રતિનિધિમંડળ સમિટમાં કઈ ક્ષમતામાં ભાગ લેશે તે સ્પષ્ટ નથી પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે તેને નિરીક્ષકનો દરજ્જા મળી શકે છે.