ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનના એક દિવસ બાદ જ પાકિસ્તાને સખત વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાને ન કેવળ સંયુક્ત નિવેદનના કેટલાક અંશો પર નારાજગી વ્યક્ત કરી, પરંતુ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુતક્કીની ભારત મુલાકાત દરમિયાન આપેલા નિવેદનો પર પણ તીખી પ્રતિક્રિયા આપી છે.પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કશ્મીરને ભારતનો હિસ્સો ગણાવવો એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આના પર પાકિસ્તાને પોતાની ગંભીર આપત્તિઓ ભારત અને અફઘાનિસ્તાન બંનેને ઔપચારિક રીતે જણાવી છે. પાકિસ્તાને આ વાંધો વધારાના વિદેશ સચિવ (પશ્ચિમ એશિયા અને અફઘાનિસ્તાન)ને પણ આપ્યો છે. ૧૦ આક્ટોબરે જાહેર કરાયેલા ભારત-અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદનમાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમણે ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની સખત નિંદા કરી હતી. બંને દેશોએ આતંકવાદની દરેક પ્રકારની કાર્યવાહીની નિંદા કરી અને ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસ વધારવાની આવશ્યકતા પર ભાર મૂક્યો.સંયુક્ત નિવેદન ઉપરાંત, પાકિસ્તાને અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુતક્કીના તે નિવેદન પર પણ વાંધો ઉઠાવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદ પાકિસ્તાનની આંતરિક સમસ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેણે અફઘાનિસ્તાનને પહેલાથી જ આ જાણકારી આપી હતી કે ઘણા આતંકી સંગઠનો અફઘાન જમીન પરથી પાકિસ્તાન પર હુમલા કરી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન પર જવાબદારી નાખવાથી અફઘાન વચગાળાની સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જવાબદારી અફઘાનિસ્તાનની છે.ઉલ્લેખનીય છે કે, ભારત પ્રવાસથી ઠીક પહેલા મુતક્કીએ અફઘાનિસ્તાનમાં થયેલા ધમાકાઓ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે  કહ્યું હતું, “અમે પાકિસ્તાનની આ કાર્યવાહીને ખોટી માનીએ છીએ. સમસ્યાઓ આ રીતે હલ થતી નથી. અમે વાતચીતનો દરવાજા ખુલ્લો રાખ્યો છે. અફઘાનિસ્તાનમાં ૪૦ વર્ષ બાદ શાંતિ અને વિકાસ પાછો ફર્યો છે.”પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ વિવાદની વચ્ચે એ પણ કહ્યું કે ગેરકાયદે અફઘાન નાગરિકોને દેશમાં રહેવા દેવામાં આવી શકે નહીં. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વિદેશી નાગરિકોની હાજરીને નિયંત્રિત કરવી એ પાકિસ્તાનનો અધિકાર છે. તાલિબાનના ૨૦૨૧માં સત્તામાં આવ્યા બાદ આ પહેલીવાર હતું જ્યારે અફઘાન વિદેશ મંત્રી ભારત આવ્યા. શુક્રવારે નવી દિલ્હીમાં તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન મુતક્કીએ ભરોસો આપ્યો કે અફઘાનિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ થવા દેશે નહીં.મુતક્કીએ કહ્યું, “મને દિલ્હી આવીને ખુશી થઈ. આ મુલાકાત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સમજ અને સહયોગને વધારશે. બંને દેશોએ પોતાના સંબંધો અને સંવાદને વધુ મજબૂત કરવા જાઈએ. અમે કોઈ પણ સમૂહને અમારી જમીનનો ખોટો ઉપયોગ કરવા દઈશું નહીં.”