અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. બજોરમાં લોટની એક ગુણનો ભાવ રૂ. ૨૪૦૦ અને ચોખાની એક ગુણનો ભાવ રૂ. ભાવ રૂ. ૨૭૦૦ બોલાય છે. આ પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે કે દેશની પ્રજો ઉપર ભુખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. જુદા જુદા પ્રકારની દાળ અને ખાદ્ય તેલોના ભાવ પણ રોકેટ ગતિએ આસમાને પહોંચી ગયા છે.
અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રીના ભાવોને વધતાં જોઇને યુનાઇટેડ નેશન્સે પણ અફઘાનિસ્તાનમાં બહુ મોટા માનવીય સંકટની ચેતવણી આપી દીધી છે. કાબુલના એક દુકાનદાર સૈફુલ્લાએ કહ્યું હતું કે અનાજ અને જીવન જરૂરી અન્ય ચીજવસ્તુના વધતા ભાવ માટે અફઘાનિસ્તાનના રૂપિયા સામે અમેરિકન ડોલરનો વધતો ભાવ જવાબદાર છે.
સૈફુલ્લાએ ટોલો ન્યૂઝને કહ્યું હતું કે અમે તમામ માલ-સામાનની ખરીદી અમેરિકન ડોલરમાં કરીએ છીએ અને બાદમાં અફઘાનિસ્તાનના રૂપિયામાં તેનું વેચાણ કરીએ છીએ જેના કારણે જ અમે લોટની એક ગુણ રૂ. ૨૪૦૦માં અને ૧૬ લીટર ખાદ્ય તેલનો એડ ડબો રૂ. ૨૮૦૦માં અને ચોખાની એક ગુણ રૂ. ૨૭૦૦માં વેચીએ છીએ.
ખાદ્ય સામગ્રી અને અનાજના આસમાને પહોંચી ગયેલા ભાવના કારણે દેશનો સામાન્ય નાગરિક બે ટંકનું ભોજન પણ પ્રાપ્ત કરી શકતો નથી. કાબુલના શાહ આગાએ કહ્યું હતું કે તે દૈનિક મજૂરી કરીને રૂ. ૧૦૦ થી રૂ. ૧૫૦ સુધી કમાઇ શકે છે જેમાં એક ટંકનું ભોજન પણ કરવું મુશ્કેલ પડે છે.
જો કે તાલિબાન સરકારનું કૃષિ મંત્રાલય એવો દાવો કરે છે કે જે માલ-સામાન બહારના દેશોમાંથી આવે છે એ મોંઘો છે પરંતુ સ્વદેશી ડુંગરી રૂ. ૩૦ની ૭ કિલો મળે છે. ન્યૂયોર્ક ટાઇમ્સે પણ તાજેતરમાં પ્રસિદ્ધ કરેલા તેના એક અહેવાલમાં કહ્યું હતું કે દેશમાં તાલિબાનોનું શાસન આવ્યા બાદ દેશના લોકો ઉપર ભુખમરાનું સંકટ આવી ગયું છે.
રાહત કાર્યોમાં જોડાયેલી કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું કહેવું છે કે અફઘાનિસ્તાનના કાતિલ શિયાળામાં ભૂખમરાના કારણે જ સંખ્યાબંધ બાળકો મોતના મુખમાં ધકેલાઇ શકે છે. આ વર્ષે શિયાળામાં અફઘાનિસ્તાનના ૨.૨૮ કરોડ લોકો અર્થાત દેશની અડધી વસ્તીને ખાવા-પીવાની સામગ્રી માટે ઝઝૂમવું પડશે.