અફઘાનિસ્તાન ફરી એકવાર ભૂકંપનો ભોગ બની રહ્યું છે. રવિવારે રાત્રે દેશના પર્વતીય વિસ્તારોમાં ૬.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, તેનું કેન્દ્ર જલાલાબાદ શહેરથી ૨૭ કિલોમીટર દૂર હતું. જલાલાબાદ, જે લગભગ બે લાખની વસ્તી ધરાવતું દેશનું પાંચમું સૌથી મોટું શહેર છે, ત્યાં આખી રાત ભૂકંપના આંચકાથી લોકો ગભરાયેલા રહ્યા.તાલિબાન સરકારના આંકડા મુજબ, અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૨૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ નુકસાન કુનાર પ્રાંતમાં થયું છે, જ્યાં ૬૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તાલિબાનના આંતરિક મંત્રાલયે ચેતવણી આપી છે કે આ આંકડો વધુ વધી શકે છે કારણ કે અસરગ્રસ્ત વિસ્તાર ખૂબ જ દૂરસ્થ અને મુશ્કેલ પર્વતીય વિસ્તાર છે.આ ભૂકંપ ફક્ત કુનાર અને નંગરહારમાં જ નહીં પરંતુ લગમાન પ્રાંતમાં પણ અનુભવાયો. ભૂકંપના આંચકા કાબુલ (૧૪૦ કિલોમીટર દૂર) સુધી પહોંચ્યા, જેના કારણે રાજધાનીના લોકો પણ ડરથી પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. કુનાર પ્રદેશ ખૂબ જ ગરીબ અને દુર્ગમ વિસ્તાર છે. ત્યાં આંતરરાષ્ટ્રીય મદદ પહોંચવામાં સમય લાગશે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ અધિકારીઓને ડર છે કે કાટમાળ નીચે વધુ લોકો દટાયેલા હોઈ શકે છે.સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર પ્રસારિત થયેલા વિડિઓ ફૂટેજમાં બચાવ કાર્યકરો ઘાયલોને સ્ટ્રેચર પર ધરાશાયી થયેલી ઇમારતોમાંથી હેલિકોપ્ટર સુધી લઈ જતા જાવા મળ્યા, જ્યારે ઘણા લોકો પોતાના હાથથી કાટમાળ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને ૮૦૦ થઈ ગયો છે. ૨,૫૦૦ લોકો ઘાયલ થયા છે. મોટાભાગના જાનહાનિ કુનાર પ્રાંતમાં થયા છે.પૂર્વીય અફઘાનિસ્તાન એક પર્વતીય વિસ્તાર છે. તે દૂરના વિસ્તારોમાં ફેલાયેલો છે. ભૂકંપને કારણે સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એક બચી ગયેલા વ્યક્તિએ કહ્યું કે તેણે પોતાની નજર સામે ઘરો તૂટી પડતાં અને લોકોને મદદ માટે ચીસો પાડતા જાયા. નુરગલના માજા દારા વિસ્તારમાં રહેતા સાદિકુલ્લાહે કહ્યું કે તે જારદાર વિસ્ફોટથી જાગી ગયો, જે મોટા વાવાઝોડા જેવો સંભળાયો. તે તેના બાળકો પાસે દોડી ગયો અને તેમાંથી ત્રણને બચાવવામાં સફળ રહ્યો. તે તેના પરિવારના બાકીના લોકોને બહાર કાઢવા પાછો ફરવાનો હતો ત્યારે રૂમ તેના પર તૂટી પડ્યો.સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે. કુનાર, નંગરહાર અને રાજધાની કાબુલથી તબીબી ટીમો આ વિસ્તારમાં દોડી ગઈ છે. ઝમાને જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાંથી હજુ સુધી જાનહાનિના અહેવાલ નથી. વધુ મૃત્યુ અને ઇજાઓ નોંધાયા હોવાથી આંકડો વધવાની ધારણા છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યુંઃ “જીવન બચાવવા માટે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે.”પડોશી દેશ પાકિસ્તાનની નજીક હોવાને કારણે અને બંને દેશો વચ્ચેનું મુખ્ય સરહદ ક્રોસિંગ હોવાને કારણે જલાલાબાદ એક ધમધમતું વ્યાપારી શહેર છે. મ્યુનિસિપાલિટી અનુસાર, તેની વસ્તી લગભગ ૩૦૦,૦૦૦ છે, પરંતુ તેનો મેટ્રોપોલિટન વિસ્તાર ઘણો મોટો હોવાનું માનવામાં આવે છે. તેની મોટાભાગની ઇમારતો ઓછી ઉંચાઈની છે, જે મોટાભાગે કોંક્રિટ અને ઈંટથી બનેલી છે. તેની બહારના ભાગમાં માટીની ઈંટો અને લાકડાથી બનેલા ઘરો છે. ઘણા ઘરો નબળી ગુણવત્તાના છે.નિષ્ણાતોના મતે, આનું પહેલું કારણ એ છે કે ભૂકંપ મધ્યરાત્રિએ આવ્યો હતો, જ્યારે મોટાભાગના લોકો પોતાના ઘરોમાં સૂતા હતા. બીજું કારણ આ પર્વતોમાં ઘરોની રચના છે. ત્યાંના ઘરો મુખ્યત્વે માટી અને પથ્થરોથી બનેલા છે, જે આવા ધ્રુજારીનો સામનો કરી શકતા નથી. છીછરા ભૂકંપને કારણે, ધરતી ધ્રુજારીની અસર વધુ તીવ્ર હતી. ઘણા ઘરો એક ક્ષણમાં કાટમાળમાં ફેરવાઈ ગયા, જેના કારણે લોકોને બહાર નીકળવાની તક મળી નહીં.યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે તેઓ આજે અફઘાનિસ્તાનમાં આવેલા પ્રચંડ ભૂકંપથી પ્રભાવિત લોકો સાથે સંપૂર્ણ એકતામાં ઉભા છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.અફઘાનિસ્તાન એક એવો દેશ છે જ્યાં વારંવાર ગંભીર ભૂકંપ આવે છે. ખાસ કરીને હિન્દુકુશ પર્વતીય પ્રદેશમાં, જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અથડાય છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ, ત્યાં ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તે પછી ઘણા જારદાર આફ્ટરશોક પણ અનુભવાયા. તાલિબાન સરકાર કહે છે કે તેમાં ઓછામાં ઓછા ૪,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, મૃત્યુઆંક  લગભગ ૧,૫૦૦ હતો. ૨૦૨૩ ના ભૂકંપને તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાનમાં સૌથી મોટી કુદરતી દુર્ઘટના માનવામાં આવે છે આ દરમિયાન, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનને મદદ કરવાનું વચન આપ્યું હતું અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનને ભારત તરફથી શક્્ય તમામ સહાયની ખાતરી આપી હતી. વિદેશ મંત્રીએ ‘એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આવેલ વિનાશક ભૂકંપ ખૂબ ચિંતાનો વિષય છે. અમે અફઘાનિસ્તાનના લોકો પ્રત્યે અમારો ટેકો અને એકતા વ્યક્ત કરીએ છીએ કારણ કે તેઓ આ કટોકટીનો સામનો કરી રહ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં સહાય પૂરી પાડશે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા.’પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ કર્યું હતું કે, ‘અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે અમારી સંવેદના અને પ્રાર્થના છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત અસરગ્રસ્ત લોકોને શક્્ય તેટલી માનવતાવાદી સહાય અને રાહત પૂરી પાડવા માટે તૈયાર છે.’