અફઘાનિસ્તાનને લઈને હવે નવી જંગના મંડાણ થયા છે. નિમરોઝ પ્રાંતની સરહદે તાલિબાન અને ઈરાનના સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું છે. તાલિબાનનો દાવો છે કે આ ખૂની સંઘર્ષમાં ઓછામાં ઓછા નવ ઇરાની સૈનિકોના મોત થયા છે. તાલિબાનનું કહેવું છે કે ઈરાન તરફથી અફઘાનિસ્તાન-ઈરાન સરહદે તસ્કરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જે બાદ બંને તરફથી ઘર્ષણ શરૂ થઈ ગયો.
આ લડાઈ બે દિવસ સુધી ચાલી. સ્થાનિક તાલિબાની અધિકારીઓનો દાવો છે કે તાલિબાને ત્રણ ચેક પોસ્ટ પર કબ્જા કરી લીધો છે. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજોહિદે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે આ સંઘર્ષ સ્થાનિક સ્તરે એક ગેરસમજણના કારણે થયો. બંને પક્ષોની વાતચીત બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં છે.
તાલિબાનનો દાવો છે કે આ હિંસામાં ઓછામાં ઓછા નવ ઈરાની સૈનિકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. જ્યારે કે એક તાલિબાની લડાકૂ ઘાયલ થયો છે. જો કે ઈરાને તેના નવ સૈનિકોના મોત થયા હોવાની પુષ્ટી કરી નથી. તાલિબાને દાવો કર્યો કે આ સંઘર્ષની શરૂઆત ઈરાન તરફથી થઈ હતી.