અફઘાનિસ્તાનના દિગ્ગજ સ્પિનર રાશિદ ખાને ટી ૨૦ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તે હવે આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે ત્રિકોણીય શ્રેણીમાં યુએઈ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં, રાશિદ ખાને તેના ચાર ઓવરના સ્પેલમાં ૨૧ રન આપીને ૩ વિકેટ લીધી અને અફઘાનિસ્તાનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ મેચમાં અફઘાનિસ્તાને યુએઈને ૩૮ રનથી હરાવ્યું.

ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની વાત કરીએ તો, રાશિદ ખાન હવે ૧૬૫ વિકેટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે ૯૮ મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી. રાશિદે આ બાબતમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથીને પાછળ છોડી દીધો છે. સાઉથીએ ૧૨૬ મેચોમાં ૧૬૪ વિકેટ લીધી હતી. તે જ સમયે, તેના દેશના સાથી ખેલાડી ઇશ સોઢી ૧૨૬ મેચોમાં ૧૫૦ વિકેટ સાથે ત્રીજા નંબરે છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ૧૪૯ વિકેટ સાથે ચોથા નંબરે છે અને મુસ્તફિઝુર રહેમાન ૧૪૨ વિકેટ સાથે પાંચમા નંબરે છે.

ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

રાશિદ ખાનઃ ૧૬૫ વિકેટ (૯૮ મેચ)

ટિમ સાઉથીઃ ૧૬૪ વિકેટ (૧૨૬ મેચ)

ઈશ સોઢીઃ ૧૫૦ વિકેટ (૧૨૬ મેચ)

શાકિબ અલ હસનઃ ૧૪૯ વિકેટ (૧૨૯ મેચ)

મુસ્તફિઝુર રહેમાનઃ ૧૪૨ વિકેટ (૧૧૩ મેચ)

અફઘાનિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલી આ મેચની વાત કરીએ તો,યુએઈ એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા, અફઘાનિસ્તાને સેદીકુલ્લાહ અટલ અને ઇબ્રાહિમ ઝદરાનની અડધી સદીની ઇનિંગ્સને કારણે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૮૮ રન બનાવ્યા. ટીમ માટે ઇબ્રાહિમ ઝદરાને ૪૦ બોલમાં સૌથી વધુ ૬૩ રન બનાવ્યા અને સેદીકુલ્લાહ અટલએ ૪૦ બોલમાં ૫૩ રન બનાવ્યા.

૧૮૯ રનના લક્ષ્યાંકના જવાબમાં,યુએઈ ટીમ ૨૦ ઓવર સુધી બેટિંગ કર્યા પછી ૮ વિકેટ ગુમાવીને માત્ર ૧૫૦ રન જ બનાવી શકી. ટીમ માટે મુહમ્મદ વસીમે ૩૭ બોલમાં ૬૭ રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા. તેના સિવાય વિકેટકીપર બેટ્‌સમેન રાહુલ ચોપરાએ ૩૫ બોલમાં ૫૨ રન બનાવ્યા. યુએઈના ૭ બેટ્‌સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્્યા નહીં. આ ત્રિકોણીય શ્રેણીમાં અફઘાનિસ્તાનની આ પહેલી જીત છે.