અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર મુત્તકી છ દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. શનિવારે તેમણે દેવબંદની મુલાકાત લીધી હતી. આજે તેઓ આગ્રામાં તાજમહેલની મુલાકાત લેવાના હતા. હવે, તેમની મુલાકાત રદ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર મુત્તાકીની રવિવારે યોજાનારી આગ્રાની મુલાકાત રદ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન રવિવારે તાજમહેલની મુલાકાત લેવાના હતા, પરંતુ અણધાર્યા સંજાગોને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી છે.તેમણે જણાવ્યું હતું કે નિર્ધારિત સમયપત્રક મુજબ, મુત્તાકી રવિવારે સવારે ૧૧ વાગ્યે તાજમહેલ પહોંચવાના હતા. તાજમહેલની મુલાકાતમાં એક કલાક વિતાવ્યા પછી, તેમણે આગ્રામાં લંચ લેવાનું અને પછી દિલ્હી પાછા ફરવાનું હતું.આગ્રામાં તાજમહેલની મુલાકાત રદ કરવાનું કારણ જાણી શકાયું નથી. જિલ્લા વહીવટીતંત્રના પ્રોટોકોલ વિભાગે મુત્તાકીના આગ્રા કાર્યક્રમ રદ કરવાની પુષ્ટિ કરી છે.અફઘાન વિદેશ પ્રધાન મુત્તાકી શનિવારે સહારનપુરના દેવબંદમાં દારુલ ઉલૂમ મદરેસામાં પહોંચ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુત્તાકી ગુરુવારે છ દિવસની મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. ભૂતપૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીને પદભ્રષ્ટ કર્યા અને તાલિબાને સત્તા સંભાળી તેના ચાર વર્ષ પછી તાલિબાન સરકારના નેતા દ્વારા ભારતની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. ભારતે હજુ સુધી તાલિબાનને માન્યતા આપી નથી.મુત્તાકી તેમના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હીથી સડક માર્ગે દક્ષિણ એશિયાના સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક મદરેસામાંના એક દેવબંદ પહોંચ્યા. દારુલ ઉલૂમ દેવબંદ ખાતે અફઘાન વિદેશ મંત્રીનું સ્વાગત દારુલ ઉલૂમ દેવબંદના મોહતમિમ (ચાન્સેલર) અબુલ કાસિમ નોમાની, જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની અને દારુલ ઉલૂમના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.મુત્તાકીના આગમન પહેલા દેવબંદમાં ગુપ્તચર એજન્સીઓ, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અફઘાન વિદેશ મંત્રીની ભારત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અફઘાનિસ્તાન બંનેના પાકિસ્તાન સાથે સરહદ પાર આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર તણાવપૂર્ણ સંબંધો છે.