તમિલનાડુની ચેન્નાઈ મહિલા કોર્ટે અન્ના યુનિવર્સિટી બળાત્કાર કેસમાં આરોપી એ. જ્ઞાનશેખરનને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે તેના પર ૯૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે આજીવન કેદ દરમિયાન દોષિતને ઓછામાં ઓછા ૩૦ વર્ષ જેલમાં વિતાવવા પડશે.
આ પહેલા ૨૮ મેના રોજ મહિલા કોર્ટે આરોપી જ્ઞાનશેખરનને દોષિત ઠેરવ્યો હતો. મહિલા કોર્ટના ન્યાયાધીશ રાજલક્ષ્મીએ કહ્યું હતું કે જ્ઞાનશેખરન સામેના તમામ આરોપો સાબિત થયા છે. આ ઘટના ગયા વર્ષે ૨૩ ડિસેમ્બરે રાત્રે ૮ વાગ્યે બની હતી, જ્યારે કોટ્ટુરના રહેવાસી જ્ઞાનશેખરન કથિત રીતે યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસી ગયો હતો અને એકાંત વિસ્તારમાં વિદ્યાર્થી પર જાતીય હુમલો કર્યો હતો. તેણે વિદ્યાર્થીના પુરુષ મિત્ર પર પણ હુમલો કર્યો હતો. જ્ઞાનશેખરન કેમ્પસ નજીક બિરયાનીની દુકાન ચલાવતો હતો.
ચેન્નાઈની અન્ના યુનિવર્સિટીમાં ૨૩ ડિસેમ્બરે એક એનજીનિયરિંગ વિદ્યાર્થી પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વિદ્યાર્થીએ પોતે પોલીસને ફરિયાદ કરી હતી. શરૂઆતમાં, પોલીસે કેસને હળવાશથી લીધો હતો અને કોઈ કાર્યવાહી કરી ન હતી. સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી. ૩૭ વર્ષીય આરોપી યુનિવર્સિટી કેમ્પસ પાસે બિરયાની વેચે છે. આ ઘટનાએ આખા ચેન્નાઈને હચમચાવી નાખ્યું. તમિલનાડુનું રાજકારણ ગરમાવા લાગ્યું.
યુનિવર્સિટી કેમ્પસમાં એન્જીનિયરિંગ વિદ્યાર્થીના જાતીય શોષણના મામલાએ પણ રાજકીય વળાંક લીધો. તમિલનાડુ ભાજપ પ્રમુખ કે અન્નામલાઈ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીનું જાતીય શોષણ કરવાનો આરોપી જ્ઞાનશેખરન શાસક ડીએમકે સાથે સંકળાયેલો છે. ભાજપના નેતાએ ડીએમકે નેતા અને સીએમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન સાથે આરોપીનો ફોટો પણ શેર કર્યો હતો.
તમિલનાડુના વિપક્ષી પક્ષ એઆઈએડીએમકેએ પણ અન્ના યુનિવર્સિટી ઘટના પર ડીએમકેની ટીકા કરી હતી. ભૂતપૂર્વ સીએમ અને એઆઈએડીએમકે નેતા ઇ પલાનીસ્વામીએ કહ્યું હતું કે તમિલનાડુના લોકો આ પરિસ્થિતિને ક્યાં સુધી સહન કરશે? શું તમિલનાડુમાં કોઈ કાયદો છે કે જો તમે શાસક પક્ષના સભ્ય છો, તો ગુનો કરવા બદલ તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે?










































