લાઠી તાલુકાના પાડરશીંગા ગામમા અનેરા ઉત્સાહ સાથે ઢોલ અને ડીજેના તાલ સાથે રાસની રમઝટ બોલી હતી. અહી કોઇ લગ્ન પ્રસંગ કે ધાર્મિક ઉત્સવ ન હતો પરંતુ એક સમાધિનો કાર્યક્રમ હતો. અને આ સમાધિ પણ કોઇ માણસ કે જીવની નહી પરંતુ એક કારની સમાધિ હતી. પાડરશીંગા ગામના ખેડૂત સંજયભાઇ પોલરાએ વર્ષ ૨૦૧૩-૧૪માં એક કાર ખરીદી હતી. તેઓ ગામમાં મકાન અને સીમમાં ખેતીની જમીન ધરાવે છે. અને બાદમાં ધંધાર્થે સુરત પણ ગયા હતા. તેઓ માને છે કે આ કાર તેમના માટે લક્કી છે અને તેના આવ્યા બાદ આર્થિક સમૃધ્ધિ પણ આવી અને પ્રતિષ્ઠા પણ વધી. આ કાર જુની હોય તેને વેચી નાખવાની કે ભંગારમાં આપી દેવાના બદલે શાસ્ત્રોકત વિધિ સાથે સમાધિ આપવાનો તેમણે નિર્ણય કર્યો હતો. આ માટે તેમણે આસપાસના સંતો મહંતોને નોતરૂ પણ મોકલ્યુ હતું અને પોતાના સગા સંબંધીઓને પણ બોલાવ્યા હતા. કાર માલિક સંજયભાઇ પોલરાએ જણાવ્યું હતું કે હું છેલ્લા દસ વર્ષથી આ કાર ચલાવુ છું. કાર આવ્યા બાદ મારી પ્રગતિ થઇ છે એટલે મારે કોઇને આપવી ન હતી. આ સમગ્ર સમાધિ કાર્યક્રમ પાછળ મે ચાર લાખનો ખર્ચ કર્યો છે. સંજયભાઇ પોલરાએ ગામ આખાના લોકોને પણ આ પ્રસંગે યોજેલા જમણવારમાં આમંત્રિત કર્યા હતા. મહેમાનો અને ગામ લોકો મળી ૧૫૦૦ લોકોનો તેમણે જમણવાર કર્યો હતો. સંજયભાઈ પોલરાએ પોતાની વહાલી કારની કાયમી યાદગીરી રહે તે માટે વાડીમાં કારને જે સ્થળે સમાધિ આપવામાં આવી છે તે સ્થળે તેના પર વૃક્ષ વાવવાનો પણ નિર્ણય કર્યો છે.