દવાખાનેથી ઘરે પહોંચીને રાજેશ્વરીબાએ ફરી વખત એક થપાટ રવિનાનાં ગાલે ચોડી દીધી હતી અને પુછયુ હતું:સાચુ બોલ, આ બધું છે શું ? ”
“હું એમને ખૂબ જ પ્રેમ કરૂ છું. હું અર્જુન સરને મનોમન વરી ચૂકી છું અને મેં મનોમન એમને જ મેં મારા પતિ માની લીધા છે…” રવિનાને રડતા રડતા કહ્યું: “અને તો જ મેં એમને મારા તન-મનનું સમર્પણ કર્યુ હોય ને ? તમે પૂછી જુઓ સાહેબને….” રવિના આંસુ લૂછતા બોલી: “તમે સાચનું પારખું હજીય કરશો બા ? સાહેબે પણ સ્વીકાર્યું છે… તમને તો ખબર જ છે ને ?”
“સાચના પારખાં” કરવાની વાત આવી એટલે રાજેશ્વરીબા પાછાં પડી ગયા. તોય એટલું તો કહયું જ કે: “રવિના, આવો દગો હું સહન નહીં કરી શકું હવે તું તારો રસ્તો કરી લેજે. તારા મામી તને જયાં પરણાવવા માંગતા હોય ત્યાં, તને પરણાવે કે ઘરમાં રાખે પણ આ તો દૂધ પાઇને સાપ ઉછેર્યા મેં !”
રવિના પ્રથમ તો સાંભળી રહી. રાજેશ્વરીબાના આક્રોશમાં નરમાઇ આવી ગઇ એ પણ તેના શેતાની મગજથી અજાણ્યું ન રહ્યુ. પણ ઘરેથી પોતાને કાઢવા માટે હવે ખૂદ રાજેશ્વરીબા જ ઊભાં થયા છે એ આજે જાણ્યા પછી વળતી ક્ષણે પ્રતિઘાત આપતા તણખી : “બા, હવે આ ઘર મારૂં છે. મેં મારા તન-મનનું સમર્પણ તમારા દીકરાને કરી દીધું છે. હવે મારા મામાને ને મારે શું છે ? મેં મારી કાચી કુંવારી જિંદગી તો તમારા દીકરાને નામે લખી દીધી છે. તમે સ્ત્રી છો. જાણો છો કે સ્ત્રી માટે તેનું શિયળ જ તેનું સર્વસ્વ હોય છે અને હવે એમ કહું કે, તમારા દીકરાએ મારૂં શિયળ લૂંટયુ છે ? ! ”
“રવિના…” રાજેશ્વરીબાનો અવાજ ફાટી ગયો: “ તું શું બકે છે એ ખબર છે ? અરે, મારા દીકરાનો વાંક કાઢતા પહેલા તારો દોષ જો તું ! આવી રીતે તો કેટલાયે છોકરાઓને તારી જાળમાં લપેટી લીધા હશે તે ! અરે, હું જ મુરખી કે તારી વાતોમાં આવી ગઇ. અને મારા દીકરાના ભોળપણનો લાભ લઇને તે જ ફસાવ્યો. ”
“ફસાવ્યા મેં નથી બા ! ફસાવી તો મને છે.. અને હવે હું સમાજમાં શું મોઢું બતાવું ? તમારા દીકરાના કાળા કરતૂત અજાણ્યાં રહ્યા નથી. આખા ગામમાં ખબર પડી ગઇ છે કે એમણે….” ચકરડુ ઊંધી દિશામાં ફેરવતા રવિનાએ રાજેશ્વરીબાના ચહેરા સામે જાયું. રાજેશ્વરીબાના ચહેરા ઉપર ચિંતાની લકીરો ઉપસી આવી. એટલે તક જોઇને એણે ઘોડો દબ્યો: “પણ અર્જુન સરને નફરત નથી કરતી. હું તમને પણ મારી સગી મા જ માનુ છું. કારણ કે મેં અર્જુન સરને મનોમન પતિ માન્યા છે. હું એમને મારા જીવ કરતા પણ વધુ ચાહુ છું બા! મને તમે હવે દીકરાની વહુ ગણીને સ્વીકારી લો.”
“રવિના, અત્યાર સુધી તને હું એમ જ માનતી હતી. તેં એમ જ કહ્યું હોત તો અર્જુનનો જવાબ સાંભળવાની પણ જરૂર પડેત નહીં પણ તે લેબોરેટરી વાળાને પણ ? … બોલ, આવું શું કામ કર્યું ? ” “ મેં કશું જ કર્યું નથી. કસમ બસ ?” રવિનાએ ગળે હાથ મૂક્યો ઃ “ મારે દોડવું હતું ને ઢાળ મળી ગયો બસ ? ”
“આ સરાસર જૂઠ છે. ” રાજેશ્વરીબાએ કહ્યું: “ હવે મને તારી ઉપર જરાપણ વિશ્વાસ નથી. તે જ એને ફોડી નાખ્યો છે ને ?” “એ બધાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી બહુ જ જલદી થઇ જશે.” કોલેજથી આવી, બારણા આડે સંતાઇને રવિના અને રાજેશ્વરીબા વચ્ચેનો સંવાદ સાંભળી રહેલી અનિતાએ અંદર આવીને કહ્યું: “મને જીમ્મી કહેતો હતો કે કંઇક તો રહસ્ય છે જ… પણ હવે એ ચિંતા છોડ મા બહુ ટુંકા ગાળામાં બધું જ છતું થઇ જશે..”
અને રવિનાને અનિતાની વાતથી હૃદયમાં થડકો લાગ્યો હતો એ બીજે જ દિવસે લેબોરેટરીવાળા પાસે ચોરીછૂપીથી પહોંચી ગઇ હતી.
—-
“સાચું બોલ હજી,…” ઇન્સ. અજયે એક જ ફેંટ લેબોરેટરીવાળાને ઝીંકી હતી: “ જે હોય એ ફટાફટ… નહીંતર પછી કાંચીડો ચડાવવો પડશે…” જવાબમાં લેબોરેટરીવાળો બકવા મંડયો: “ આમાં ડોકટર સાહેબનો કોઇ દોષ નથી. પણ, એ છોકરીએ પોતે જ પ્રેગનન્સીના ખોટા રિપોર્ટ બનાવવાનું કહ્યું હતું.”
“અને તે ખોટા રિપોર્ટ બનાવી નાખ્યા ? ” અજયે બીજી ફેંટ તેમાં ચહેરા ઉપર ઝીંકી: “ બદલામાં તેણે શું આપ્યું ? ”
“આ વીંટી…” તેણે ખિસ્સામાંથી એક વીંટી કાઢીને આપી. અજયે વીંટીને ગોળ ગોળ ફેરવી. તેણે ઘરે આવીને આ વીંટી અનિતાને, રાજેશ્વરીબાને અને અર્જુનને બતાવી: “શું આ વીંટી રવિનાની છે ?” અનિતા વીંટી ઓળખી ગઇ. રવિના આવી ત્યારે આ વીટી પહેરી હતી પરંતુ એ વીંટી આંગળીમાંથી કયારે નીકળી ગઇ એ ખબર રહી નહોતી. ઇન્સ. અજય એકાંતમાં રાજેશ્વરીબા પાસે બેઠો. રવિનાએ જે જવાબ આપ્યા હતા એ અજયને કહયા. મૂળ, તો આ બલા હવે અર્જુનને વળગી હતી અને અર્જુન પેલો વીડિયો વાયરલ ન થઇ જાય એ માટે દબાયેલો હતો જો વીડિયો વાયરલ થઇ જાય તો….સમાજમાં બદનામ થઇ જાય એ સ્વાભાવિક હતું. પણ માત્ર આ એક જ કારણસર આ બલાને પંપાળવી પડે એ અજયને મંજૂર નહોતું. કૈંક એવું ય હતું. જેને લીધે આ બધો પ્રિ-પ્લાન અગાઉથી બનાવ્યો હતો પણ રવિનાની પાછળ છે કોણ એ જાણવું ઇન્સ. અજયને માટે અઘરૂં હતું. શું પેલા વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર અને રવિના વચ્ચે કોઇ કનેકશન હતું ? એણે જીમ્મીને રવિનાના ફોનની અંદર રહેલું સીમકાર્ડ ગમે તેમ કરીને હસ્તગત કરી લેવા કહેલું. અને એ એક સીમકાર્ડ, એકાંતનો લાભ લઇને અનિતાએ લઇ લીધેલું પણ જીમ્મીનાં મમ્મીની ભૂલથી એ સીમકાર્ડ ગુમ કે ગેરવલ્લે થયેલું હતું. જીમ્મીએ એ બાબતનો પારાવાર અફસોસ કર્યો હતો પણ ઘણી શોધખોળ કરવા છતાં ય એ સીમકાર્ડ મળ્યું નહોતું.
—-
રાત હતી. ઇન્સ. અજય સઘળી બિનાના અંકોડા એક – બીજાની સાથે મેચ કરવાની મથામણ કરતો હતો પણ કશું પ્રાપ્ત થતું નહોતું. આજે બીજા ત્રીજા દિવસ હતો અને ફોન ઉપર થતી વાતચીત અને ઇન્સ્ટ્રકશનને ફોલો કરતો જીમ્મી રેલવે ટ્રેક ઉપર આવનજાવન કરી રહ્યો હતો. આજની રાત… તેને થયું કે સજાનગઢથી ત્રણેક કિ.મી. દૂર એક કિલ્લો આવેલો છે. પણ એ કિલ્લા સુધી જવું કેમ ? ટ્રેન ત્યાં સાંજે છ વાગે પસાર થતી હતી અને સતત ત્રણ દિવસની વોચ, અર્જુન સરની વાત અને જુબાની અને અર્જુનની જુબાની સાથે સજાનગઢ રેલવે સ્ટેશન માસ્ટરે આપેલી માહિતીને એક માળામાં ગૂંથતા એક ટ્રેન રોજ રાત્રે દોઢ વાગ્યે બરાબર અહીંથી પસાર થતી હતી અને જે રીતે દોઢ વાગ્યે બરાબર અહીંથી પસાર થતી હતી અને જે રીતે આંખે પાટા બાંધીને અર્જુન સરને લાવતાં જતા એ સમય પણ એકંદરે મેચીંગ થતો હતો એટલે જો એકવાર કિલ્લો જોવાઇ જાય, તો કલ્યૂ મળી જાય. બાકી જો એકવાર સીમકાર્ડ મળી ગયું, તો તો પછી આખી બાજી ખુલ્લી થઇ જાય પણ આખરે એ સીમકાર્ડ શોધવું ક્યાં ? તેણે એ સીમકાર્ડને છાપાના કટકામાં પડીકી વાળીને ટેબલ ઉપર મૂક્યુ હતું અને કોઇ ક્ષણે એ ટેબલની નીચે પડી ગયું હોવું જોઇએ અને ટેબલની નીચે તો વાસી છાપાની પસ્તી પડી રહેતી હતી, જે મમ્મીએ પસ્તીવાળાને આપી દીધી હતી. કાશ ! એ પસ્તીવાળાને ત્યાં પસ્તી મળી ગઇ હોત. પણ પસ્તીવાળાએ કહ્યું હતું કે, સોરી દોસ્ત ! પસ્તી તો બધી આઝમગઢ મોકલી દીધી છે. હવે ત્યાંથી સીધી જ પેપર મીલમાં પહોંચી ગઇ હોય, રામ જાણે !
એક અફસોસ જીમ્મીના હૈયાને ઘેરી વળ્યો. તેણે બસ એમ જ અનિતાને મેસેજ કર્યો ઃ “હાય ! હાઉ આર યુ ? કેમ છે ?” જવાબમાં અનિતાએ લેબ. વાળા સાથે રવિનાએ આદરેલ રમત અને ઇન્સ્પેકટરની મુલાકાત અને લેબ. વાળા વિષેનો રિપોર્ટ વોટસએપ મેસેજથી જ આપી દીધો. નીચે લખ્યું: “ મીસ યુ ડીયર, તું કયારે આવે છે ? અને હા, પેલુ સીમકાર્ડ ?”
“સોરી જાનુ…” અફસોસ ઇમોજિસ સાથે વળતાં રીપ્લાય આપતા જીમ્મીએ કહ્યું: “આજ રાત સજાનગઢ રેલવે સ્ટેશન ! હા, સ્ટેશન સાવ સૂમસામ છે. હું છું, સ્ટેશન માસ્ટર છે અને બે ત્રણ સાંધાવાળા છે. પણ હું એકલો નથી. મારી સાથમાં તારી યાદ છે.” “લવ યુ જીમ્મી…” વળતા રીપ્લાયમાં એક સામટા “હાર્ટશેપ” આવ્યા અને જીમ્મી પણ વળતા “લવ યુ ટુ જીમ્મી” કરીને બાંકડા ઉપર આડો પડયો.
પહાડી ઇલાકો હતો. રાત જલતી સિગારેટની જેમ ચૂપચાપ સળગતી હતી. ક્ષણોની રાખ ધીમે ધીમે ખરતી જતી હતી. સ્ટેશન માસ્ટરે જીમ્મીને કહ્યું: “યંગ બોય, અંદર આવતો રહે. અત્યારે એકલું બહાર સૂઇ રહેવું હિતાવહ નથી. તું પણ મારા દીકરા જેમ કોઇનો લાડકવાયો છો. આ ઇલાકો ખૂનામરકી અને હેવી ક્રાઇમ રેટ વાળો ઇલાકો છે. અત્યારે સાંધાવાળો અને સિગ્નલવાળો પણ જંપીને બેઠા હશે. તું અંદર આવતો રહે…”
“પણ સર, મારે કિલ્લો…”
“હા પણ એ તો સવારે જ જવાશે ને ? અહીંથી બે કિ.મી. દૂર છે. આ રાત જા, બિકાળવીં અને શેતાની છે. ભૂતાવળ નાચતી જણાશે. આ રાતની ખૂંખારતા જેમ રાત વીતતી જશે તેમ તેમ વધુને વધુ તેજ બનતી જશે… એટલે પ્લીઝ… તું…” અને સ્ટેશન
માસ્ટરની લાગણીભરી સમજાવટથી થેલો લઇને સ્ટેશન માસ્ટરની ચેમ્બરમાં આવી ગયો. અને એ બાંકડા ઉપર લંબાવી દીધું. અને કયારે આંખ મીંચાઈ ગઇ એ જ ખબર ન રહી. એ તો અચાનક શોર થવા લાગ્યો કે આંખ ખૂલી ગઇ. એણે જોયું તો રૂમની બહાર ઊભો ઊભો એક આદમી સ્ટેશન માસ્ટર સાથે બહસ કરી રહ્યો હતો.
તેણે માથે કંબલ ઓઢયો હતો. તેનો ચહેરો બહારના પીળા અજવાળામાં ઓઝલવાયો દેખાયો, તો ચહેરો કંઇક જાણીતો લાગ્યો. જીમ્મી ઊભો થઇને ટિકિટબારી સુધી આવ્યો તો માસ્ટરજી સાથે પેલો હજીય બહસ કરી રહ્યો હતો. એક ઝલક !… અને જીમ્મીના મગજ ઉપર વીજળી ખાબકી: ‘અરે, આ તો પેલો…. (ક્રમશઃ)