દેવાના બોજ તળે દબાયેલી અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને તાજેતરમાં થોડી રાહત મળી હતી. કંપનીને હિન્દુજા ગ્રૂપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડીગ્સ તરફથી રૂપિયા ૯,૬૫૦ કરોડની બાયઆઉટ ઓફર મળી હતી. હિન્દુજા ગ્રુપની કંપનીએ સેબી, સીસીઆઈ, આઈઆરડીએઆઈ અને આરબીઆઈ પાસેથી મંજૂરી મેળવી છે.
હવે તે નાદારી અદાલત સાથેના સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે ૨૭ મેની સમયમર્યાદા પહેલા રૂપિયા ૭,૦૦૦ કરોડથી વધુની લોન મેળવવાની ઉતાવળમાં છે. એક રિપોર્ટ મુજબ આઇઆઇએચએલ ૭,૫૦૦ કરોડ રૂપિયાની લોન લેવા માંગે છે. જા કે, ઊંચા દરોની માંગને કારણે કંપની વિવિધ ક્રેડિટ ફંડ્સ સાથે પ્રાઇસિંગ પડકારોનો સામનો કરી રહી છે.
અહેવાલો સૂચવે છે કે બાર્કલેઝ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક જેવા ધિરાણકર્તાઓ ૨,૦૦૦ કરોડની લોન પર ૧૫.૫% કૂપન માંગે છે. હિન્દુજા ગ્રૂપની કંપની હાલમાં કૂપન્સમાં ઘટાડા માટે વાટાઘાટો કરવા અને સપ્તાહના અંત સુધીમાં સોદો ફાઇનલ કરવાની દોડમાં છે.આઇઆઇએચએલ ધિરાણકર્તાઓ સાથે સતત ચર્ચા કરીને વધુ સસ્તું લોન શોધી રહી છે તેમ મીડિયા રિપોર્ટ જણાવે છે. રિપોર્ટ અનુસાર ૩૬૦ વન પ્રાઇમ નામની નોન-બેંકિંગ ફાઇનાન્શીયલ કંપની ૧૫ ટકાથી વધુ વ્યાજ દરે ૨,૫૦૦ કરોડ રૂપિયા આપી રહી છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા જૂથની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલડીગ્સના રૂપિયા ૯,૬૫૦ કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી.
રિઝર્વ બેંકે કંપનીની કમાન સંભાળી હતી.નવેમ્બર ૨૦૨૧ માં, રિઝર્વ બેંકે અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપનીના બોર્ડ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ગવર્નન્સ સમસ્યાઓ અને ચુકવણી ડિફોલ્ટને કારણે કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બેંકે નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. આ પછી તેણે ફેબ્રુઆરી ૨૦૨૨માં કંપનીના એક્વીઝિશન માટે બિડ આમંત્રિત કર્યા હતા.