આજે ઈન્દ્રજીતનો ચહેરો જાઈને જ રાજેશ્વરી પારખી ગઈ હતી કે દેવરજી કોઈ મોટા મિશનમાં જાય છે. એમની આંખો, એમનો ચહેરો અને એમની બોડીલેંગ્વેજ ઘણુખરુ કહી જાય છે કે, આ કદાચ એમની ઘણા સમય પહેલાની ખ્વાહિશ છે અને એ ખ્વાહિશ પૂરી કરવાનું ઝનૂન આજે તેમના રોમે-રોમમાંથી ટપકી રહ્યુ છે.
ઈન્દ્રજીતે વરદી ચડાવી અને બહાર નીકળવાની તૈયારી કરતો હતો કે ત્યાં જ રાજેશ્વરી અંદર આવી અને ઈન્દ્રજીતની સામે ઉભી રહી. ઈન્દ્રજીત તેને તાકી રહ્યો કે એ હસીને બે ડગલા આગળ વધી અને ઈન્દ્રજીતને કહ્યું ઃ ‘માતાજીનો ફોટો ભીંત ઉપર લગાડયો છે, જુઓ… માતાજી તમારી તરફ તાકી રહ્યા છે. પગે લાગતાં જાઓ. માતાજી તમારી મનોકામના જરૂર પૂરી કરશે.”
‘‘ભાભી…’’ ઈન્દ્રજીત આશ્ચર્ય પામ્યોઃ ‘‘ તમે ય પણ જાદુગર છો….તમને કઈ રીતે ખબર પડી ગઈ કે?” ‘‘એ ખબર પડી જ જાય…’’ રાજેશ્વરીએ ઈન્દ્રજીતના ગાલે ટપલી મારી અને પછી તેનો હાથ હાથમાં લેતા કહ્યું ઃ ‘‘મારા મેરેજને પાંચ વર્ષ થઈ ગયા. પરણીને આ ઘરે આવી ત્યારે તમે કોલેજ કરતા હતા. તમારા ભાઈ તો સરહદ ઉપર જ હોય, એટલે મારા મોટા ભાગનો સમય તમારી સાથે પસાર થયો. અને એક ભાભીને માટે પોતાનો દિયર એ દોસ્ત, એક ભાઈ એક સુખ-દુઃખનો સાથીદાર અને એક વિસામો હોય છે. જાકે હું તો પરણીને આવ્યા પછી કયારેય દુઃખી થઈ જ નથી એટલુ માન સન્માન આ ઘરે પામી છું. પણ એકલી એકલી બોર થઈ જાતી હતી એ ચોક્કસ! એવા સંજાગોમાં મારી એકલતામાં ઘરની અંદર તમારી એન્ટ્રી થાય એટલુ હું ખુશ ખુશ થઈ જાતી અને પછીની ક્ષણો મે તમારી સાથે ગાળી. તમારી ભાભી બનીને, તમારી દોસ્ત બનીને કે તમારી બહેન બનીને! તમારી અંગત ઉલઝનો, સમસ્યા કે કોઈ પ્રોબ્લેમ તમે મારી સાથે જ શેર કરતા ને દેવરજી? પછી તમને હું પૂરેપૂરા ઓળખી ગઈ. એટલે તમારી પસંદ-ના પસંદ, ગમા-અણગમા, જાશ-ઝનૂન અને તમારી ખુશી કે વિષાદ… આ બધાથી હું પૂરેપૂરી પરિચિત થઈ ગઈ એટલે મને લાગ્યુ કે, આજ કોઈ મેગા મિશન પાર પાડવા જઈ રહ્યા છો. ખરુ ને?’
‘વાહ…ભાભી…વાહ…. કયા તારીફ કરુ આપકી?’’ ઈન્દ્રજીતે ખડખડાટ હસીને તાળીઓ પાડી કે, બીજા રૂમમાંથી અનિતા પણ દોડીને આવી અને હસી પડતા બોલી ઃ ‘વાહ….વાહ….આજ તો દેવર-ભાભી બન્ને ખુશ છે ને? શું કોઈ ગુડન્યૂઝ છે વળી?’’
‘‘તું ચાંપલી અત્યારે શું દોડી આવી અહીંયા?’’ રાજેશ્વરીએ અનિતાનો ગાલ ખેંચ્યો ઃ ‘‘અમારી દિયર ભાભીની વાતોમાં જાણે હવનમાં હાડકા નાખવા આવી? તું અને મારા દિયરજી વાતો કરતા હોય ત્યારે વચ્ચે હું ટપકું છું કયારેય?’’
-અનિતા શરમાઈને રૂમમાંથી ભાગી ગઈ. ઈન્દ્રજીત નાખુશ થઈ ગયોઃ ‘ભા…ભી…’’ અને પછી બોલ્યોઃ અમારી વચ્ચે એવુ કશુ જ નથી. તમે
નાહકનું બંધબેસતુ કરો છો. તે દિવસે પણ મોટાભાઈને મસ્તી મસ્તીમાં ન કહેવાનું કહેતા હતા. ભાભી……એ શરમાઈ જાય છે.’’
‘‘ઠીક, ચાલો બસ? આજથી બધુ જ બંધ. આજથી બોલે એ બીજા. તમારી વહાલુડી ભાભી તો નહી જ.’’ એમ કરી છણકો કરી રાજેશ્વરી પગ પછાડી ચાલતી થઈ. ઈન્દ્રજીત તેને રોકવા મથ્યો પણ રાજેશ્વરીએ છણકો કર્યોઃ “પ્લીઝ, ડોન્ટ ટચ મી. ડોન્ટ ટચ મી.” ઈન્દ્રજીત પાછળ પાછળ ગયો તો મા બેઠી બેઠી માળા કરતી હતી. ઈન્દ્રજીત એમને પગે લાગ્યો. સાથોસાથ રાજેશ્વરીને પણ પગે લાગ્યો. રાજેશ્વરીએ રીસમાં ને રીસમાં એક
જાસથી ધબ્બો માર્યો. એ ધબ્બો ઈન્દ્રજીતને સાચોસાચ ખૂબ વાગ્યો. એ પીઠ પંપાળતો ઉભો થયો. રાજેશ્વરી ખડખડાટ હસી પડી. માળા કરતાં કરતાં મા પણ હસી પડતા કહેઃ “આવી ભારેખમ ભોજાઈના હાથના માર ખાતા ખાતા મારો કૂણો માખણ દીકરો બેવડ વળી જશે હો.’’
‘‘ઈ કાંઈ કૂણા માખણ નથી. ગજવેલ જેવા છે.” રાજેશ્વરીએ હસીને કહ્યું. જવાબમાં ઈન્દ્રજીત પણ હસી પડયો ને ચાલતો થઈ ગયો.
રાત્રીના સાડા આઠ થવા આવ્યા હતા. ને ગબ્બન ઓફિસ કેમ્પસમાં આટલી બધી ખાખી વર્દીનો જમાવડો ભાળીને આશ્ચર્યચક્તિ થઈ ગયો. એણે શર્માને પૂછયુઃ ‘એલા, આજે આ બધુ છે શું?’’ ‘‘ કંઈ ખબર પડતી નથી.’’ શર્માએ જવાબ વાળ્યોઃ ‘‘કદાચ જાડેજા સાહેબને ખબર હોય તું એને જ પૂછી લે ને?’’
‘‘એલા શર્મા, હવે પછી એનુ નામ મારી પાસે ન લેતા’’ ‘‘કેમ? જાડેજા સાહેબ તો ગુડમેન છે. તારે વળી એમની સાથે શું દુશ્મની થઈ ગઈ?’’
‘ એ છાનો ડાંડ છે. શર્મા.’’ ગબ્બને કહ્યુંઃ ‘‘લાગે છે બહુ શાંત જળ. પણ તને ખબર છે ને? શાંત જળ બહુ ઉંડા હોય છે.’’ બોલતો બોલતો ઉભો થયો.‘‘બસ, જવુ છે?’’ શર્માએ પૂછયું.
‘‘એલા, નવ વાગવા આવ્યા એ તો ખબર છે ને? આ તો કેમ્પસમાં જ કવાર્ટર છે. નહીંતર તો ઓફિસ ટાઈમ પૂરો થયે ખેંચાવી મુકવાના હોય સમજયો?’’ -શર્મા કશુ બોલ્યો નહી એટલે ગબ્બન બહાર નીકળ્યો. પણ એના કવાર્ટર સુધી પહોંચતા વચ્ચેના થોડા ભાગમાં અંધારુ રહેતુ. આજે ગબ્બન જેવો એ બાજુ નીકળવા ગયો કે કોઈ બુકાની બાંધેલ માણસે એને પકડયો અને ગાડીમાં નાખ્યો. ગાડી ત્યાં જ અંધારામાં પડી હતી. ‘‘અરે, તું કોણ છે? કોણ છે?’’ગબ્બન બોલવા ગયો, એ જ ભેગી એક ફેંટ તેના મોઢા પર પડીઃ ‘તેરા બાપ! અવાજ તો તેને જાણીતો લાગ્યો. નજીકના સમયમાં જ આ અવાજ સંભાળ્યો હતો. બુકાનીબંધે કહ્યુઃ ‘જીવ વહાલો હોય તો પડયો રહેજે. નહીંતર અહીંયાને અહીંયા જ પતાવી દઈશ સમજયો!’ ‘‘પણ તું છે કોણ? એ તો કહે અને મને કયાં લઈ જાય છે!’
-પેલાએ બુકાની કાઢીઃ “ઓળખ્યો? હું રણમલ. માલિકનો બોડીગાર્ડ.” ‘‘રણમલ!” ગબ્બન છટપટવા લાગ્યો ઃ ‘‘ પણ મને શું કામ પકડયો?’’
‘‘ કેમ કે તે અને સકસેનાએ દગો કર્યો. એટલે તમારી બે ભેગા કોઈ ત્રીજાને ય તમે ગાડીમાં બેસાડીને લાવ્યા હતા. એટલે તને લેવા આવ્યો છું. સકસેનાને તો માલિકે સજા આપી દીધી છે, સમજયો? હવે તારો વારો છે… માલિક શું વલે કરશે? એ જાઈ લજે.” એમ કરતા એણે ગાડી ચાલુ કરી અને બહાર નીકળવા ગયો કે, દરવાજે જ એની ગાડી ફરતે હથિયારધારી વીસ કમાન્ડો ગોઠવાઈ ગયા.- એ સૌની આગળ જાડેજા હતો. દરવાજા પાસે આવી, કાચ ઉપર ટકટક કરી, કાચ નીચે ઉતારીને કહ્યું ઃ ‘‘રણમલ, બહાર નીકળ.’’ રણમલ બહાર નીકળ્યો એટલે જાડેજાએ ખચાક કરતુ બારણું ખેચ્યુ અને રણમલને બહાર કાઢી બે થપાટ કાન ઉપર ચડાવી દીધી (ક્રમશઃ)