ફાનસના પીળા અજવાળામાં ઘસઘસાટ સુતેલી રૂપાના ભીનેવાન પણ નમણાં મુખારવિંદને હરિદાસ એકીટશે તાકી રહ્યો હતો. બાજુબાજુમાં જાડાજાડ ઢાળેલા ખાટલામાં બન્નેના શરીર હવે સામસામે તો આવી ગયા હતા પણ એકબીજાના શ્વાસોશ્વાસ પણ એકબીજાના ગાલ ઉપર જાણે અથડાતા પણ હતા. રૂપા સાથે છેડાછેડી બાંધ્યા પછી આજે કદાચ પહેલીવાર જ હરિદાસ રૂપા સામે આ રીતે તાકી રહ્યો હતો. રૂપાના નમણાં મુખ ઉપર પરમ શાંતિ અને સુખની સુરખી છવાયેલી હતી. ફરતી ફરતી તેની નજર નીચે લસરી ગઇ.
મરનારી ગઇ પછી કદાચ કોઇ સ્ત્રને જોવાની દૃષ્ટિમાં ફેર પડયો હોય તો આજે કદાચ એ પહેલીવારનો ફેરફાર હતો બાકી તો મરનારી ગઇ પછી એનું મન, એની નજર, એનું શરીર, પૌરૂષી ઇચ્છાની નીસરણીનું પહેલું પગથિયું ય ઉતરી ચૂક્યા હતા. આજે કોણ જાણે કેમ ? તેની નજર લસરતી લસરતી રૂપાના હાંફતા ઉરોજના ઢોળાવ ઉપર સ્થિર થઇ ગઇ. ફૈબાના પાણીઢોળના બીજે દિવસે એ માંડવગઢ ઘરે આવવા નીકળી ગયા હતા. નિઃસંતાન ફૈબાનો ભત્રીજા પરમ દિવસે ફૈબાના અસ્થિ (ફૂલ) લઇને આવવાનો હતો પણ આટલા દિ’ની દોડાદોડી અને ફૈબાના વિજાગથી મન પણ થાકી ગયું હતું. આળું મન અને થાકેલું તન… શરીરનો ભાર, કાયા સહન ન કરી શકી અને આજ દિ’ આથમ્યા સુધીમાં તો ધીમે ધીમે ભરાતી જતી કળતરે હવે ‘તાવ’ નું સ્વરૂપ લઇ લીધું હતું. સાંજેકના લૂસલૂસ બે કોળિયા તો માંડ વાળુ કર્યું હતું. રૂપાએ એમ તો પૂછયું પણ હતું અને કહ્યું પણ હતું કે ‘ પેટ ભરીને ખાવ તો ખરા, આમ લૂસપૂસ અડધો રોટલો ખાઇને શું ઊભા થઇ ગયા ?” પણ પોતાને ભૂખ નથી એવો જવાબ આપીને સામે રહેલ વાડીપડામાં ચાલ્યો ગયો હતો. આમ તો વલ્લભને કહીને જ ગયો હતો પણ તોય આ બાર બાર દિ’ થી ધણિ ધોરી વગરની, દીકરી જેવી પોતાની વાડી જાઇને જીવ ઠર્યો હતો. પણ તાવના ઉંકરાટા એવા તો શરૂ થયા કે એને પાછું ફરવું પડયું.
ઘસઘસાટ સૂતેલી રૂપાની ઉંઘમાં કોણ જાણે કેમ વિક્ષેપ થયો, “કે એ ભર ઉંઘમાંથી અચાનક જાગી ગઇ, આંખો ફટાક કરતી ખૂલી ગઇ તો હરિદાસ તેને તાકી રહ્યો હતો. રૂપાને એ નજરમાં આજે ફેરફાર લાગ્યો. ચાર નજર જાણે એવી રીતે ભેગી થઇ જાણે એમાંથી બે નજર સ્ત્રની હોય, બે નજર પુરૂષની હોય ! એકાએક હરિદાસના ગરમ ગરમ શ્વાસોશ્વાસ રૂપાના ગાલને અડ્યા. અવશપણે તેની હથેળી હરિદાસના કપાળ ઉપર મૂકાઇ, તો હરિદાસનું કપાળ ધાણી ફૂટે એટલું ધખતું હતું.
“ અરે, તમારૂં શરીર આટલું બધું તપે છે કેમ ?” છાતી આડેથી સરી ગયેલી ઓઢણીને ઢાંકી દેતા એ સડપ કરતી’કને બેઠી થઇ ગઇ: “તમને તો ખૂબ જ તાવ છે.” “હા” હરિદાસનો મંદ જવાબ આવ્યો: “ ભગત, માથું ચસકા મારે છે. આખું પંડ્ય દુઃખે છે. તાવ પણ એટલો જ ભર્યો છે.”
“તમેય તે ભગત…ખરા છો.” રૂપા ઊભી થઇ ગઇ અને પડખે આવીને બેઠી અને કપાળ ઉપર હથેળી મૂકી દેતા કહ્યું ઃ “ અરે, મને જગાડાય નહીં ? જુઓ તો ખરા કેટલો બધો તાવ ભર્યો છે ?”
“હા, પણ તમારી નિંદર બગાડીને ?” હરિદાસ ફિક્કું સ્મિત કરતા કહે: “આટલા દિ’ના થાકોડા પછી માંડ માંડ સુવા મળ્યું હોય તમને…” અને પછી એક મીટ સીધે સીધી જ રૂપાની આંખમાં માંડતા બોલ્યો: “હું ઇ જ જાતો’તો… તમે કેટલા બધા થાકી ગયા હશો કે આટલા દિવસે તમને માંડ શાંતિથી સૂતા જાયા બાકી ફૈબાને ત્યાં તો કામના હડદોલામાં તમને પૂરતો પોરો મળતો હશે કે કેમ ? ઇ ય વિચારતો હતો.”
“ભગત, બાઇ માણસને કામનો કયારેય કંટાળો કે થાક ના લાગે. એ થાકે વરવા વેણથી, એ થાકે કડવાવખ જીવતરથી, એ બળે અપમાનથી, ધણિના વહેમથી, શંકાથી, વહેમથી અને સાવ ખોટા ખરાબ આળથી એટલે તમે મુંઝાવમાં સમજ્યા ? રૂપા લંભાઇ: “લાવો પહેલા માથું દાબી દઉ અને પછી પોતા મૂકું નહિંતર આ તાવ મગજમાં ચડી જાય.”
માથું દાબતાં દાબતાં કયારેક ઓઢણાંનો છેડો છુટી જતો અને રૂપાના શરીરનો હિલ્લોળ, હરિદાસના ગાલને સ્પર્શી જતો પણ હથેળીમાં જાદુ હતું… ટેરવા દર્દશામક હતા.. પંદર-વીસ મિનિટને અંતરે માથું મોળું પડી ગયું.
“કેમ લાગે છે ? માથું મોળું પડયું ભગત ? ” રૂપાએ હેતાળ સ્વરે પૂછયું, જવાબમાં રાહત અનુભવતો હરિદાસ હસ્યો: “તમારા ટેરવાં જ છે ને કાંઇ ? કાંઇ ઘટે નહી ભગત” “માથું તપે તો છે જ… હું ગોળામાંથી પાણી લઇ આવુ ને પોતા મૂકુ. એટલે તાવેય ઉતરી જાય”
“ના…ના… એ તો એની મેળે ઉતરી જાશે,
એવી કાહટી નથી કરવી ભગત….”
“ગાંડા થિયા છો ? ” રૂપાએ મીઠો છણકો કર્યો: “બે દિ’ પછી આપણે હરદુવાર ફૈબાના ફૂલ પધરાવવા જવાનું છે. ઇ ખબર છે ને ? વિરાજીભઇ કાલે સાંજે આવ્યા માનો અને હજી તમારે તાવમાં ને તાવમાં સૂતું જ રહેવું છે ? હવે તો તાવ ભગાડયે જ છૂટકો.” કરતી તપેલીમાં મીઠાવાળું પાણી ભરીને આવી અને જૂના નેપકીનના બે પોતા વારાફરતી મૂકવા માંડી. અડધી કે કલાકની સારવાર પછી હરિદાસના કપાળ ઉપર એણે હથેળી મૂકી તો તાવ ઉતરી ગયો હતો. કપાળ ટાઢું પડી ગયું હતું એણે ભીનાં થઇ ગયેલા હરિદાસના વાળને સુલઝાવ્યા. ભીનાં થઇ ગયેલા વાળને પડખે પડેલા નેપકીનથી લૂછ્યા.
“એક કરતા બીજું થશે.” બોલતા બોલતા એ હસી પડી ઃ “ તાવ જાશે અને શરદી થાશે. એની કરતા તમારા વાળ ભીનાં થઇ ગયા છે એ લૂછી દઉ..”
એમ કરતા એ લંભાઇ અને એ હરિદાસના ચહેરા ઉપર ઝૂકી ગઇ, હરિદાસની આંખો આમ પણ દર્દથી રાહત થતા માથાના દુઃખાવામાં રાહત થઇ ગઇ હોવાથી ઘેરાતી જતી હતી. શરીર ટાઢું થઇ ચૂકયું હતું. એમાં, રૂપા એના મોઢા ઉપર લંભાઇ તો રૂપાના કસદાર વળાંકોનો તેને સ્પર્શ થયો. આટલા સમયથી તરસ્યુ શરીર ભલે નિર્વિકાર હતું પણ વહાલનું તરસ્યું હતું, એટલે એનો હાથ રૂપાના કેડના વળાંક ઉપર અવશપણે મૂકાયો. ભીનાં વાળ કોરા કરતી રૂપા એક ક્ષણ અટકી ગઇ. એ હરિદાસની અર્ધખુલ્લી આંખોને તાકી રહી. હરિદાસનો ખૂબ ઉંડેથી પણ જાણે યુગોથી તરસ્યો હોય એવો અવાજ આવ્યો ઃ “ભગત…” “હા…” રૂપાએ મીઠું સ્મિત કરીને પોતાં અને પેલો નેપકીન નીચે જવા દીધા અને ધીમે’ક રહીને હરિદાસની અડોઅડ સરી. હરિદાસને રૂપાના શરીરનો ગરમાવો ઘેરી વળ્યો. રાત હળુ હળુ સરતી રહી. સવારમાં પહેલી આંખ હરિદાસની ખૂલી ગઇ તો પોતે રૂપાની સોડમાં સૂતો હતો. એ ફડાક કરતો ઊભો થઇ ગયો અને કોઇ પાપ કર્યાના ભાવથી રૂપાને તાકી રહ્યો. રૂપાની આંખ પણ ખૂલી જ ગઇ હતી. એ હરિદાસની આંખોને તાકી રહી. એની આંખના ભાવ કળી ગઇ. પછી હરિદાસને આશ્વસ્ત કરતા મીઠું મીઠું હસીને બોલી ઃ “તમે કોઇ પાપ નથી કર્યુ.. તમારૂં શરીર ખાલીને ખાલી પડખું ઝંખતુ હતું. રાત આખી મેં ફક્ત તમને પડખાંની હુંફ આપી છે ભગત…”“અરે પણ મારાથી… મને ખબર ન રહી…રાતે – ”
“પુરૂષ છો તમે અને મારા ધણિ છો. રાતે તમારૂં શરીર કેટલું ધખતું હતું ખબર છે ? હું તમારી ધણિયાણી છું. મેં મારો ધરમ બજાવ્યો છે ભગત, આપણે કોઇ ભોગ નથી ભોગવ્યા. જવાબમાં હરિદાસ પ્રેમભીના નેત્રે રૂપા સામે તાકી રહ્યો અને પછી ખાટલે બેઠો. અધૂકડી બેઠેલી રૂપાના ખોળામાં માથું મૂક્યું. રૂપા, પતિના આ મનોભાવને તાગી રહી. અનાયાસ તેના ટેરવાં હરિદાસના ઝૂલ્ફામાં ફરવા લાગ્યા, ત્યાં જ ઝાંપલી ઉઘડવાનો અવાજ આવ્યો (ક્રમશઃ)