ગુમ થયેલા ટેરિટોરિયલ આર્મી (ટીએ)ના સૈનિક હિલાલ અહેમદ ભટનો મૃતદેહ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં આવેલા ઉત્રસુ જંગલમાંથી મળી આવ્યો છે. પોલીસ અને સેના દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આજે સવારે આ લાશ મળી આવી હતી. જ્યાં હિલાલ અહેમદ ભટનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ગુમ થયેલા જવાનની માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
અગાઉ, ચિનાર કોર્પ્સે એક પોસ્ટમાં કહ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ૮ ઓક્ટોબરે કાજવાન જંગલ વિસ્તારમાં સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું. આખી રાત ઓપરેશન ચાલુ રહ્યું, કારણ કે એક ટેરિટોરિયલ આર્મીનો સૈનિક ગુમ થયો હતો. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ જંગલમાં ગુમ થયેલા સૈનિકની શોધખોળ ચાલુ રાખી હતી. તેમની સઘન તપાસ કરવામાં આવી હતી અને સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
જો કે જવાનના મોતના કારણની તપાસ ચાલુ છે. જવાન કેવી રીતે ગુમ થયો અને તેના મૃત્યુ પાછળ કયા સંજાગો હતા તે જાણવા માટે પોલીસે આ કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. સૈનિકના મોતના સમાચારથી સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર બંને સૈનિકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
સુરક્ષા દળના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ એક દુઃખદ ઘટના છે અને અમે જવાનના પરિવાર સાથે ઉભા છીએ. અમારી પ્રાથમિકતા આ બાબતની સંપૂર્ણ તપાસ કરવાની છે જેથી આ ઘટના વિશે સાચી માહિતી મળી શકે. હિલાલ અહેમદ ભટના યોગદાન અને બલિદાનને યાદ કરીને સ્થાનિક સમુદાયે તેમની બહાદુરીને સલામ કરી છે. સૈનિકની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.