આજે બે સ્ત્રીઓની વાતચીત કાને પડી. એક સ્ત્રી કહેતી હતી…. “મારી દીકરી તો ના પાડતી હતી, પણ મેં તો સાયન્સમાં જ એડમીશન લેવડાવ્યું.. હું ભણતી હતી ત્યારે સાયન્સ ભણવાનું મારૂં સપનું હતું, પણ ન કરી શકી, હવે મારી દીકરી મારફતે પૂરૂં કરીશ.”
    બીજી વાત સાંભળવા મળી… “મારે ખૂબ ભણવું હતું, પી.એચ.ડી. કરવું હતું, પ્રોફેસર બનવું હતું, પણ લગ્ન થઇ ગયા પછી ભણવાનું ન થયું. હવે મારી દીકરીને પ્રોફેસર બનાવીશ, તેને ટીચીંગમાં રસ નથી, પણ મારૂ સપનું પૂરૂ કરવું છે, તેને પ્રોફેસર બનાવીશ જ..”
    એક ભાઇને મ્યુઝીકનો બહુ શોખ.. સંગીત શીખવા માંગતા હતા.. પણ બાપદાદાના ધંધાના કારણે તેમના પિતાએ ધંધામાં જોતરી દીધા અને સંગીતનો શોખ અધૂરો રહી ગયો. હવે તે ભાઇ પોતાના મોટા થતા દીકરા માટે મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઇ આવ્યા. તેમના દીકરાને મ્યુઝિકમાં રસ નથી તો પણ રોજ સવારે તે પરાણે દીકરાને સંગીત સાધનામાં જોતરી દે છે, અને ખુશ થાય છે કે મારૂં સપનું મારો દીકરો પૂરૂં કરે છે. પણ સમજતા નથી કે દીકરાના સપનાનું શું ??
    ‘સપના…’  શબ્દ જ એટલો સરસ છે કે આપણા ચહેરા પર મુશ્કાન આવી જ જાય. ‘સપના’ એટલે વાસ્તવમાં જે નથી મળ્યુ એ મેળવવાનું સ્થળ.., ‘સપના’ એટલે જે દિલમાં ઉગે છે તે પૂરૂં કરવાની ક્રિયા, ‘સપના’ એટલે ભવિષ્યની યોજના, આપણી આવતીકાલને ઘડવાની ક્રિયા. હવે પછીના વર્ષો માટે જીવનની રૂપરેખા ઘડતું ચિત્ર.., ‘સપના’ એટલે બંધ આંખે કે જાગતી આંખે કરેલા વિચારો અને પછી તે પૂરા કરવા થતા પ્રયત્નો… સપના બઘા જ જોવે છે  સપનાની દુનિયા મેઘધનુષી રંગોથી સજાયેલી છે  કદાચ આપણી ક્ષમતામાં નથી કે આપણા નસીબમાં નથી તે પણ મેળવવાનો વિચાર એટલે જ સપના… સપના જોવાનો હકક બઘાને છે જ.. સપના જીવનબળ પૂરૂં પાડે છે. ઘણીવાર આંખમાં અંજાયેલું એક સપનું જીવનની રાહ બદલી નાખે છે. જેને સપના ન હોય તે કદાચ માણસની વ્યાખ્યામાં ફિટ ન બેસે. આપણી પાસે ધડકતું દિલ છે, છલોછલ લાગણી છે, તો સપના પણ હોય જ.. સપના અવશ્ય જોવા જોઇએ, પણ તે પૂરે થશે એવી શરત ન રાખો.. અને કદાચ આપણાથી પૂરા ન થાય તો તે સપનાનો ભાર આપણા સંતાનો પર ન નાખો.
     આગળ વધતા વધતા પાછળ જોવું પણ જરૂરી છે. હમેંશા આગળ જ જોતા રહીએ તો કયારેય સંતોષનો ઓડકાર ન આવે. જીવનમાં કયાંક અલ્પવિરામ જરૂરી છે. સપના પૂરા થતાં કયારેક વર્ષો નીકળી જાય છે, તો કયારેક કલ્પનામાં પણ ન આવે એટલી ઝડપથી પૂરા થઇ જાય છે. આવું બને ત્યારે પૂરા થયેલા સપનાની ખુશી માણવાની સાથે સાથે તાત્કાલિક નવા સપનાનું ધડતર થઇ જાય છે. આપણે સપનામાં રાચતા હોઇએ છીએ. અવનવા સપના આપણા માનસપટ પર રચાતા રહે છે.અને પછી આપણે સપનાઓના સંગ્રાહક બની જઇએ છીએ. નવા – જુના સપનાનું આખું આલ્બમ રચાય જાય છે, જેમાં ભરચક સપનાઓ હોય છે. અને આગળ જતા આ એકત્રિત કરેલા સપનાઓનો વજનદાર વારસો સંતાનોને આપતા હોઇએ છીએ. કેટલાક સંતાનોને વારસામાં માતા-પિતાના એટલા બઘા સપના મળ્યા હોય છે કે તેઓ પોતે સપના જોવાનું વિચારતા જ નથી. માતા-પિતાના સપના પૂરા કરવામાં જ તેમની જિંદગી વીતી જાય છે. પોતે શું કરવું? શું બનવું ? તે વિચારતા જ નથી. બાળકો વતી બઘા જ નિર્ણયો લેવાની માતા-પિતાને એટલી હદે ટેવ પડી ગઇ હોય છે કે બાળકોની ક્ષમતા તરફ ધ્યાન જ નથી આપતા. દરેક માબાપ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા જ ઇચ્છે છે. તેમની ઇચ્છા શું છે તે વિચારતા જ નથી. દરેક માતા-પિતાએ એક કોમન વિચાર અપનાવી લીઘો હોય છે કે દીકરી એટલે સારો વર અને દીકરો એટલે સારી નોકરી. બસ અંતે બઘા માતા-પિતા પોતાના સંતાનોને પોતાના જેવા બનાવી દે છે  આ આપણને લાગેલો એક ભયંકર રોગ છે. વડદાદા-દાદા તરફથી આવતી પરંપરા અને સપનાનું પ્રત્યારોપણ સંતાનોમાં કરીએ છીએ. લાખો બાળકો માતા-પિતાના સપના પૂરા કરવાના પ્રવાહમાં તણાય જાય છે.
        માતા-પિતા બનવાની પ્રથમ શરત છે કે સંતાનોને સારી કેળવણી આપવી, તેમનો યોગ્ય રીતે ઉછેર કરવો, તેમને જીવન જીવવાની સ્વતંત્રતા આપવી. પણ આપણે એવું કરતા નથી. બાળકોને આપણી મહત્વકાંક્ષા-ઇચ્છા-અધૂરા સપના પૂરા કરવાનું સાધન સમજી લઇએ છીએ. એ ભૂલી જઇએ છીએ કે બાળકોની પોતાની પણ કોઇ ઇચ્છા હોય શકે, તેમની ક્ષમતાની પણ મર્યાદા હોય શકે.
      બાળકોને રસ ન પડે છતાં ઊંચકીને ફરવું પડે તેવા સપનાનો ભાર લાગે છે. અને ભાર વધતો જાય પછી ભારો બને છે. જેટલું વજન વધારે એટલી ગતિ ઓછી. દુનિયામાં પાછળ રહી જનારા લોકો તરફ કયારેક ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તેમાં ઉછીનાસપનાનું વજન હોય છે. માતે-પિતાએ આપેલા સપના ઉછીના જ કહેવાય ને !! કયારેક તો તેમાં આખી જિંદગી વીતી જાય છે. હા.. કયારેક એવું બને કે માતા-પિતા અને સંતાનોનું સપનું એક જ હોય… તો આવા સમયે સપના પૂરા કરવાનું કામ આનંદની ધારા જેવું બની જાય છે.
    સંતાનોના સાવ જુદા અને સ્વતંત્ર સપનાઓમાં સાથ આપવો એ સાધારણ માતા-પિતાનું કામ નથી. કારણકે બાળકોના ઉછેર સાથે જ એક ચોકકસ મર્યાદા કે ભવિષ્યની યોજનાઓ તેની આસપાસ રચી દીઘી હોય છે. અને એ દિવાલની બહાર જવા બાળક ઇચ્છે તો આખું ઘર ધ્રૃજી ઊઠે છે. આપણે એક અજાણ્યા ભવિષ્ય માટે બાળકને ધડતા હોઇએ છીએ. આપણે રચેલા ભવિષ્યમાં બાળકને ફિટ કરવાનો પ્રયત્ન કરતા હોઇએ છીએ. ઇંગ્લીશ મીડિયમ, સી.બી.એસ.સી., અવનવા કલાસીસ… વગેરે વગેરે.. બાળકમાં પથ્થર ઊપાડવાની તાકાત હોય તો તેને પહાડ પર જવા દેવો યોગ્ય છે, પણ રેતીમાં પણ સાચવીને ચાલતો હોય તો તેને બહાર મોકલવો યોગ્ય નથી. બાળકની ક્ષમતા માત્ર એક ગ્રામ સપનું ઊપાડવાની હોય ત્યારે વધારાનું દરેક સપનું તેના પર એક અત્યાચાર છે. અને આપણે તો બાળકની પીઠ પર મણ-મણના સપનાઓનો ભાર નાખીએ છીએ. અને બાળકનું જીવન ભાર ઉંચકવામાં જ પૂરૂં થાય છે.
   તમે તમારા બાળકોના માલિક નથી, બાળકો એ દુનિયાના માલિક છે કે જયાં આપણે રહીએ છીએ. બાળકોને જીવવા દો, તેમને ખીલવા દો તેમને સલાહ આપો, મદદ કરો, તેમની ઇચ્છા-સપના પૂરા કરવા સાથ આપો, પણ તમારા સપના તેના પર થોપી ન દો.  તેનાથી તે ગુંગળાય જશે, તમારા સપનાના ભારથી તે દબાઇ ન જાય તે જોવાની ફરજ તમારી છે..