અમરેલીમાં ખેડૂતો મામલે GST™ના અધિકારીઓ અને સાંસદ વચ્ચે તડાફડી થઇ હોવાની ઘટના સામે આવી છે. અમરેલી બાયપાસ પાસેથી પસાર થતાં ખેડૂતોના વાહનોને અટકાવીને GST™ના અધિકારીઓ ચેકિંગ કરીને ખોટી રીતે હેરાન કરતા હોવાની રજૂઆત કરાતાં સાંસદ ભરત સુતરિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓને જાહેરમાં તતડાવી નાંખ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને જીએસટી વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા, જેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો. જેને લઇને ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ફોન કરીને જીએસટીના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત મળતાં જ સાંસદ ભરત સુતરિયા તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.ઘટનાસ્થળે દોડી આવેલા સાંસદ ભરત સુતરિયા અધિકારીઓ પર રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે, તમે ભલે વેપારીઓનું ચેકિંગ કરો પણ ખેડૂતોને હેરાન ન કરશો.
ખેડૂતો ક્યારેય સાત-બારના ડોક્યુમેન્ટ સાથે લઇને નહીં ફરે. તમારે પકડવા હોય તો પકડી લેજા અને મારા નામની ફરિયાદ ફાડી નાંખજા. તમે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન ન કરતાં, તમે ગમે ત્યાં ખેડૂતોને ઉભા રાખીને હેરાન કરો છો એ ચલાવી નહીં લેવાય. આ બાદ મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો શીંગ લઈને જતા હતા ત્યારે જીએસટીના અધિકારીઓ ખેડૂતો પાસે સાત-બારના ઉતારા માંગતા હતા અને ખેડૂતોને હેરાન કરતા હતા એવી ફરિયાદ મને મળી હતી. ફરિયાદ મળતાં મારે જવું પડ્યું હતું. ત્યાં બીજા વેપારીઓનું ચેકિંગ ચાલતું હતું તેની સામે મને કોઈ વાંધો નથી, પણ ખેડૂતોને હેરાન કરે એ ક્યારે ન ચલાવી લેવાય.અમરેલીના સાંસદ ભરત સુતરિયા લાઠીના જરખિયા ગામના વતની અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરિયા ખેતી સાથે સંકળાયેલા છે. જેમને ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે. જેઓ ૧૯૯૧થી ભાજપના કાર્યકર છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી તાલુકા મહામંત્રી, ૨૦૧૦થી ૨૦૧૫ સુધી તાલુકા પંચાયત પ્રમુખ, વર્ષ ૨૦૧૯થી નગરપાલિકા પ્રભારી સહિત પાર્ટીમાં નાના મોટી શહેર અને તાલુકાની જવાબદારી નિભાવી ચૂક્યા છે. ભરત સુતરિયાએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જેનીબેન ઠુમરને હરાવીને મોટી લીડથી જીત મેળવી હતી.