પ્રવર્તમાન સમયમાં ખેતરની જરૂરિયાતને ધ્યાનમાં લીધા સિવાય આપવામાં આવતા પિયત, ખાતર, જંતુનાશક, નિંદામણ વગેરેની એકસરખી કૃષિ ઉત્પાદન સામગ્રી આપવાના કારણે પરિબળની ઉત્પાદકતા ઘટી રહી છે. વધુમાં પર્યાવરણને નોંધપાત્ર નુકસાન થયું છે. પ્રિસિઝન ફાર્મિંગનો મુખ્ય ઉત્પાદક સામગ્રી (પાણી-ખાતર-કીટનાશક વગેરે)ના ઉપયોગમાં ઘટાડો કરી વધુ ઉત્પાદન મેળવવાનું છે. પ્રિસિઝન, ફાર્મિંગમાં સ્થાનિક પર્યાવરણનો ચોકસાઈપૂર્વક ક્યાસ કાઢવા કોમ્પ્યુટર, ગ્લોબલ પ્રોઝીશનિંગ સિસ્ટમ (જીપીએસ) અને રિમોટ સેન્સિંગ ડીવાઈસનો ઉપયોગ કરી એ નક્કી કરવામાં આવે છે કે, સ્થાનિક સમસ્યા અને કુદરતમાં પાકને મહત્તમ કાર્યક્ષમતાએ ઉગાડવો. આ ખેત પદ્ધતિ દ્વારા ચોક્કસ માહિતી ખેડૂતોને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે.
પ્રિસિઝન ફાર્મિંગ વિકાસ માપની તાંત્રિકતામાં નવીન સમાવેશ સુધારો કરી ક્ષેત્રવ્યવસ્થાપનને તે એક નવીન ઓળખ આપે છે, જેમાં કોમ્પ્યુટિંગ સાથે ઈલેક્ટ્રોનિકનો સમન્વય કરવામાં આવે છે. પ્રિસિઝન ફાર્મિંગ સામાન્ય રીતે પ્રિસ્ક્રિપ્શન ફાર્મિંગ, સાઈટ સ્પેસિફિક ફાર્મિંગ, બદલાતા દરે તાંત્રિકતા, સ્માર્ટ ફાર્મિંગ, સ્થાનિકના- ચોક્કસ ક્ષેત્રિય વ્યવસ્થા અને સ્પેશિયલી વેરીએબલર ફાર્મિંગ એમ વિવિધ નામે ઓળખાય છે.
પ્રિસિઝન ફાર્મિંગના હેતુઓ:
(૧) ઉત્પાદન કાર્યક્ષમતા વધારવી (૨)પેદાશની ગુણવત્તા સુધારવી (૩) સાધન સામગ્રીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ (૪) પ્રાકૃતિક સંસાધનોનું ડીગ્રેડેશન ઘટાડવું (૫) ઊર્જા બચાવ / સંરક્ષણ (૬) જમીન અને પાણીનું સંરક્ષણ
પ્રિસિઝન ફાર્મિંગના મૂળભૂત ઘટકો:
(૧) વિવિધતાને સમજવી અને માપન (૨) ખેતરમાં ચોક્કસ સ્થાનિક વિવિધતાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેને જરૂરી ઈનપુટ્સ સામગ્રીનું વ્યવસ્થાપન (૩) સ્થાનિક ચોક્કસ પદ્ધતિની કાર્યક્ષમતા કાર્યદક્ષતાનું માપન.
પ્રિસિઝન ફાર્મિંગના ગુરૂચાવીરૂપ ત્રણ તત્વોઃ
(૧) માહિતી: પાકની વાવણીથી કાપણી સુધીની દરેક અવસ્થા પ્રમાણે સમયસર અને ચોક્કસ માહિતીની આવશ્યકતા છે.
(૨) તાંત્રિકતા: વર્તમાન-નવીન તાંત્રિકતા જેવી કે સંગણક (કોમ્પ્યુટર) જે આંકડાની ગોઠવણી અને વ્યવસ્થાપન માટે વધુ અસરકારક છે.
(૩) વ્યવસ્થા: ઉપલબ્ધ માહિતી અને તાંત્રિકતાનો સમન્વય કરવો.
પ્રિસિઝન ફાર્મિંગ માટે તાંત્રિકતા:
(૧) કોમ્પ્યુટર: પ્રિસિઝન ફાર્મિંગ માટે ખાસ જરૂરી અને ઉપયોગી કોમ્પ્યુટર છે જેના દ્વારા અસંખ્ય આંકડાકીય માહિતીનું ખૂબ જ ઓછા સમયમાં પૃથક્કરણ કરી જરૂરી દિશાસૂચન કરવામાં મદદરૂપ થાય છે.
(૨) ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ): આ તાંત્રિકતા વડે કૃષિ ઉત્પાદનમાં પાકની વિવિધ અવસ્થાઓએ પૃથ્વીની સ્થિતિની માહિતી મેળવી શકાય છે જેનાથી પ્રિસિઝન ફાર્મિંગમાં કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન મળે છે.
(૩) જીયોગ્રાફીક ઈન્ફોર્મેશન સિસ્ટમ (જીઆઈએસ): તે સુવ્યવસ્થિત રીતે સંગણક (કોમ્યુટર) હાર્ડવેર, સોફ્ટવેર અને જમીનના ભૌગોલિક આંકડાને એકત્રિત કરી માહિતીનું
પૃથક્કરણ કરી ભૌતિક રીતે નકશો બનાવી શકે છે.
(૪) સેન્સર: સેન્સર વડે ભૌતિક ઈમપલ્સ જેવા કે ઊર્જા, પ્રકાશ, ધ્વનિ – લોહચુંબકીય, ગતિ અને દબાણનો પ્રતિભાવ આપે છે. સેન્સર પ્રિસિઝન ફાર્મિંગમાં ઉપયોગી છે કારણ કે આ પદ્ધતિ દ્વારા આંકડા એકત્રિત કરી સંકલન કરવું અને પૃથક્કરણ કરી યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.
એપ્લિકેશન કંટ્રોલ:
સ્વયંસંચાલિત પદ્ધતિનો આ એક ભાગ છે. એપ્લિકેશન કંટ્રોલ વડે મળેલ માહિતીનો ઉપયોગ પ્રિસિઝન ફાર્મિંગના હેતુને સિદ્ધ કરવા માટે ઉત્પાદન સામગ્રી યોગ્ય સમયે, યોગ્ય જથ્થામાં અને ખેતરમાં યોગ્ય સ્થાને સારી રીતે આપવામાં કરવામાં આવે છે.
પ્રિસિઝન ફાર્મિંગ પદ્ધતિ:
ચોક્સાઈપૂર્વક વાવેતર / ધરૂની રોપણી બાળરોપ (ધરૂ) પાકના પ્રસ્થાપનમાં અગત્યનું પરિબળ છે જે છોડની સંખ્યા, જૂસ્સો અને ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. પ્રિસિઝન ફાર્મિંગમાં બીજને ચોક્કસ ઊંડાઈએ અને દરે આપી શકાય છે. સામાન્ય રીતે આપણા દેશમાં હાથ વડે બીજનું વાવેતર કરવામાં આવે છે પરંતુ ઓછા ખર્ચે વાવેતર માટેના ઓજાર વડે બીજના ઓછા પ્રમાણથી પણ છોડની યોગ્યતમ સંખ્યા મેળવવામાં સફળતા મળે છે.
ચોકસાઈપૂર્વક પોષકતત્વો આપવા:
ખાતર આપવામાં પ્રિસિઝન ફાર્મિંગમાં ખાતરની પસંદગી, જથ્થાનું મૂલ્યાંકન અને આપવાની તાંત્રિકતા ઉપયોગી છે. અસંતુલિત ખાતર વ્યવસ્થા તથા વધુ પડતા નાઈટ્રોજન તત્વના ઉપયોગથી અન્ય સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ થાય છે અને નાઈટ્રોજનનો નિતારથી વ્યય થાય છે. આ માટે કેટલાક ઉપકરણો જેવા કે ખાતર આપવા માટે વાવણિયો- ખેતઓજાર, પોષકતત્વો આપવાનું નક્કી કરવા માટે લીફ કલર ચાટ્ર્સ અને ક્લોરોફિલ મીટરનો પ્રિસિઝન ફાર્મિંગમાં ઉપયોગ કરવાથી યોગ્ય સમયે યોગ્ય જથ્થામાં પોષક વ્યવસ્થા કરી શકાય છે.
પિયતમાં પ્રિસિઝન:
દિવસે દિવસે કૃષિ માટે પિયત પાણીની અછત જોવા મળે છે. પ્રવર્તમાન સમયમાં ખેડૂતોને પિયત આપવાનો સમય જમીનમાં ભેજના પ્રમાણના આધારે નક્કી કરી પિયત કરતા હોય છે જેથી વધુ પડતા પિયતથી પાણીનો વ્યય થતો હોય છે. કોમ્પ્યુટર આધારિત સેન્સર ખેતરની જમીનમાં રહેલ ભેજનું પ્રમાણ ચોક્સાઈથી નક્કી કરે છે અને તેના આધારે પાણીનો જથ્થો અને આપવાનો સમય નિર્દેશ કરે છે. ફુવારા અને ટપક પિયત પદ્ધતિથી પ્રિસિઝન ફાર્મિંગ માટે સાચી દિશામાં પિયતનું વ્યવસ્થાપન કરી શકાય છે.
રોગ-જીવાત નિયંત્રણમાં ચોકસાઈ:
વધતા જતા કૃષિ રસાયણો (જંતુનાશકો)નો
કૃષિ ઉત્પાદનમાં ઉપયોગ પર્યાવરણ માટે જોખમી છે. વધુ પડતી જંતુનાશક દવાઓના ઉપયોગથી જીવાતોમાં પ્રતિકારકતા ઊભી થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જી.પી.એસ. અને જી.આઈ. એસ. વડે પ્રાદેશિક લેવલે રોગ જીવાતનું મોનેટરિંગ કરી યોગ્ય જંતુનાશક દવા યોગ્ય સમયે અને જથ્થામાં આપવામાં આવે છે. જેથી જંતુનાશક દવાનો વ્યય ઘટાડી તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી અસરકારક જીવાતનું નિયંત્રણ પ્રિસિઝન ફાર્મિંગમાં શક્ય બને છે.
પ્રિસિઝન ફાર્મિંગની સમસ્યાઓ:
(ક) શરૂઆતમાં વધુ રોકાણ: પ્રિસિઝન ફાર્મિંગનો અમલ કરવા માટે સાચા અર્થમાં જોઈએ તો તેના માટે જરૂરી ઉપકરણો કિંમતમાં મોંઘા હોવાથી ખેડૂતે શરૂઆતમાં પૈસાનું વધુ રોકાણ કરવું પડે છે.
(ખ) તજજ્ઞતાની જરૂરિયાત: પ્રિસિઝન ફાર્મિંગ ફક્ત યાંત્રિક યા તાંત્રિકતા પર આધારિત નથી. તે જ્ઞાન અને ખેતર પરના મહદ એન્ટરપ્રાઈઝને વધારે અનુસરે છે.
(ગ) હાઈટેક નેચર: પ્રિસિઝન ફાર્મિંગ અદ્યતન તાંત્રિકતા ઉપર આધારિત છે. ખેત ઓજારો વિવિધ તાંત્રિકતાથી સુસજ્જ હોવા જરૂરી છે. ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ દ્વારા ખેતરમાં વિવિધતાના આધારે ઉત્પાદક સામગ્રી આપવાનો દર સ્વયંસંચાલિત રીતે નિયંત્રિત થાય છે.
(ઘ) નાના ખેતરો: આપણા દેશમાં નાના અને સિમાંત ખેડૂતો હોવાના કારણે જમીનના ટુકડા હોવાથી પ્રિસિઝન ફાર્મિંગ અમલમાં મુકવું પ્રાયોગિક પ્રત્યક્ષ રીતે અનુકૂળ નથી.
ઉપરોક્ત મર્યાદા હોવા છતાં એમ ધારી લેવું યોગ્ય નથી કે પ્રિસિઝન ફાર્મિંગ સમગ્ર રીતે અનુકૂળ નથી. આ પાક વ્યવસ્થાનો એક કોન્સેપ્ટ છે. પ્રિસિઝન ફાર્મિંગ એ ફક્ત અદ્યતન ઉપકરણોનો ઉપયોગ નથી તેનાથી વધુ તાંત્રિક માહિતી મેળવી તેના પ્રત્યક્ષ ઉપયોગને અનુસરે છે. સંકોચાતી ખેતીલાયક જમીન અને વધતી જતી વસ્તી (૧૨૧ કરોડ) નું દબાણ સાથે કદમ મેળવવા માટે એકમ વિસ્તારની ઉત્પાદકતા વધારવી અને ટકાવી રાખવી ખૂબ જ આવશ્યક છે સાથે સાથે પર્યાવરણ ઉપર થતું નુકસાન (માઠી અસર) ઘટાડવું જરૂરી છે. પ્રિસિઝિન ફાર્મિંગની સફળતાનો આધાર અંશતઃ સંકલિત વ્યવસ્થામાં તાંત્રિકતા એકત્રિત કરી તેનો ઉપયોગ વિવિધ પાક પદ્ધતિ પર કરવો.











































