પ્રયાગરાજઃ એન્જીનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં આરોપી નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારના અન્ય સભ્યોએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મળતી માહિતી મુજબ અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળા અનુરાગ સિંઘાનિયા અને સસરા સુશીલ સિંઘાનિયાએ ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.
આ આગોતરા જામીન અરજી અલ્હાબાદ હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર મંગળવારે અથવા બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. અરજીમાં આરોપીઓને ધરપકડમાંથી રાહત આપવાની માંગ કરવામાં આવી છે.
આ પહેલા ૧૩ ડિસેમ્બરે કર્ણાટકની બેંગલુરુ પોલીસે અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાના જૌનપુર સ્થિત ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી. નોટિસમાં લખવામાં આવ્યું છે કે તથ્યો અને સંજાગો જાણવા માટે તમારી પૂછપરછ કરવાની જરૂર છે. તમને ૩ દિવસમાં બેંગલુરુ ખાતે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવે છે. તે જ સમયે, બેંગલુરુ પોલીસે પણ જૌનપુર કોર્ટમાં જઈને કેસ સાથે સંબંધિત માહિતી મેળવી હતી. ઘટના બાદ અતુલ સુભાષના સાસરિયાઓ ક્યાંક ભાગી ગયા છે. તે રાત્રે ઘરેથી ભાગી ગયો તે સમયનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં નિકિતાની માતા અને ભાઈ બાઇક પર ભાગતા જાવા મળી રહ્યા છે. અતુલના પરિવારજનોએ નિકિતા અને તેના પરિવાર વિરુદ્ધ બેંગલુરુમાં આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ અતુલે આત્મહત્યા કરી લીધી હતી અને સુસાઈડ નોટમાં તેણે પોતાની પત્ની અને તેના પરિવાર પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક ન્યાયાધીશે કેસ પતાવવા માટે લાંચ માંગી હતી. આ બાબતે નિકિતાના પરિવારજનોએ કહ્યું હતું કે તેઓને અતુલના મૃત્યુનો અફસોસ છે પરંતુ જે થયું તેના માટે તેઓ જવાબદાર નથી. અમે ટૂંક સમયમાં તમામ પુરાવાઓ સાથે આગળ આવીશું. અમે કંઈ ખોટું કર્યું નથી.