(1)કોઈ બહુ જમે તેને ભુખડી બારશ જ કેમ કહેતા હશે?

ભૂમિ પંડ્યા (રાજુલા)

આવો માણસ દિવસના બાર કલાક જમ્યા કરે એ બધાએ જોયું હોય એટલે. બાય ધ વે, તમારે એવું મન પર ન લેવું.

(2)મારા મિત્રને બેતાલીસ વરસ થયા છે. હવે એને પરણાવીએ તો બાલવિવાહ કહેવાય?

શબીર વેદ (બાબરા)

બાલ બાલ (માંડ માંડ) વિવાહ કહેવાય.

(3)કયો સબંધ ઉત્તમ કહેવાય? દિલનો કે લોહીનો?

ચાંદની એસ. હિરપરા (તરઘરી)

તમે જવાબ આપવામાં  ધર્મસંકટ થાય એવો સવાલ કર્યો. કોઈ સાથે વાંધો નથી પડયોને?!

(4) અડદિયો ખાવા થી શું ફાયદો થાય?

કટારીયા આશા એચ. (કીડી)

ખાવા કરતા ખવડાવવાથી વધારે ફાયદો થાય. કોઈપણ વાચક વિના સંકોચ મને  અડદિયા મોકલી શકે છે.

(5) મને ક્રિકેટમાં બહુ રસ છે. શું બનું, બોલર, બેટર કે વિકેટકીપર?

અરજણભાઈ રબારી (ભાવનગર)

પ્રેક્ષક!

(6) ડૉકટરો સફેદ કોટ શા માટે પહેરે છે?

ડાહ્યાભાઈ ઝ. આદ્ગોજા (લીલિયા મોટા)

વકીલ જેવા ન લાગે એ માટે!

(7)ગાંડાનાં ગામ શુંકામ હોતા નથી?

પરમાર સુભાષ ઘનશ્યામભાઈ (મોટાલીલીયા)

ગાંડા એક જગ્યાએ સ્થિર થાય તો ગામ બનેને? છતાં તમને બહુ ઈચ્છા હોય તો બસો પાંચસો ગાંડાઓની લેખિત સંમતિ લઈ આવો તો એક નાનકડું ગામ બનાવી દઈએ.

(8)કાળકોટડી સાંભળ્યું છે  એનો અર્થ પણ સમજ્યા પણ તમારા ગામ ગળકોટડીનો અર્થ ન સમજાયો. કૃપા કરી સમજાવો.

પંકજ ચૌહાણ (વીરનગર)

કાળકોટડીથી બિલકુલ વિપરીત !

(9) તમારે ત્યાં ચૂંટણી કેવી રહી?

વૈશાલી જી. નળિયાદરા (ઉંટવડ)

તમે તો  એમ પૂછો છો કે હું જાણે દુરદુર આફ્રિકાના જંગલોમાં રહેતો હોઉં !

(10) સાવ ઓછા પાના હોય પણ એમાં ભરપૂર મૂલ્ય હોય એવી કોઈ બુકનું નામ આપશો?

જય દવે (ભાવનગર)

અંબાણીની બેંક પાસબુક..!

(11)બહાદુર પુરુષના હાથ તલવાર જેવા હોય તો બહાદુર સ્ત્રીના હાથ?

મનદીપ ભુવા (ગળકોટડી)

બહાદુર સ્ત્રી પાસે તપાસ કરવા કેમ જવું?!

(12) કૂતરાની પૂંછડી વાંકી શા માટે?

ગોરધનભાઈ પસ્તીવાળા (તળાજા)

કૂતરાંને વાંધો નથી તો તમને શું વાંધો છે?

(13) કલાકારો ગાતી વખતે મોઢું ત્રાસુબાંગુ કેમ કરતા હશે.?

જ્યોતિ રાજ્યગુરુ (અમદાવાદ)

માઈક કંપની માઈક ત્રાસુંબાંગુ બનાવે તો કલાકારને ન કરવું પડે.

(14) આ કડકડતી ઠંડીમાં તમે ગરમ પાણીથી નાવ કે ઠંડા પાણીથી?

દર્શન રામાણી ( ગારિયાધાર)

નાઉ તોને?

(15)સરપંચની કાયા ઉપર માથું તો એક જ દેખાય છેં, તો બાકીના ચાર માથાં એ ક્યાં રાખતાં હશેં?

કનુભાઈ લિંબાસિયા  ‘કનવર’  (ચિત્તલ)

એક ઘેર, એક પંચાયત કચેરીએ, એક ગામમાં વિકાસકાર્યો પર, એક તાલુકા જિલ્લામાં રજૂઆતો કરવા માટે અને એક ભેગુંને ભેગું.. થઈ ગયાને પાંચ?!