મગફળીઃ
આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું.
કપાસઃ
તમારા વિસ્તારમાં જે જાત સારું ઉત્પાદન આપતી હોય તે જાતનું બિયારણ ચોમાસા પહેલા મેળવી લેવું.
• કપાસનો પાક પૂરો થયા બાદ શેઢા-પાળા ઉપર રહેલ નિંદામણો તેમજ અન્ય બિનજરૂરી છોડનો નાશ કરવો. તેમજ પેરાથીયોન ભૂકી શેઢા-પાળા તેમજ જ્યાં ઢાલીયા કીટક બેસે છે ત્યાં છંટકાવ કરવો.
જુવારઃ
• ઉનાળુ ઘાસચારાની જુવારને દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.
શાકભાજીઃ
• ધરું ઉગ્યા પછી કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ ટકા (૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ) અથવા મેટારીઝીયમ-એમ.ઝેડ ૭૨ ટકા ડબલ્યુ.પી. (૧૦ લિટર પાણીમાં ૨૦ ગ્રામ) પ્રમાણે કોઈપણ એક દ્રાવણ એક ચોરસમીટર દીઠ ત્રણ લિટર પ્રમાણે ઝારાથી નીતારવાથી (ડ્રેન્ચિંગ) જમીનજન્ય ફૂગ સામે ધરુંવાડિયાને રક્ષણ મળે છે.
• મરચીમાં તંદુરસ્ત ધરું ઉછેરવા ધરૂવાડિયાની જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું.
• રીંગણી, મરચી, ટામેટી, કોબીઝ / ફ્લાવર, તમાકુ : ધરૂ મૃત્યુ / ધરૂનો કોહવારો માટે બીજને વાવતાં પહેલા થાયરમ ૭૫ ટકા એસ.ડી., કે મેટાલેકઝીલ-એમ.ઝેડ. ૭૨ ટકા ડબલ્યુ.પી. જેવી ફૂગનાશકનો એક કિ.ગ્રા. બીજદીઠ ૩ ગ્રામ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું.
બાગાયતઃ
• અપરિપક્વ દાડમનાં ફળ ફાટી જતાં અટકાવવા નિયમિત પિયત આપવું તથા થડેથી પીલા દૂર કરવા.
• કેળ પાકમાંથી રોપણીના એક મહિના બાદ ૫૦૦ મિ.લિ. ૦.૫% ટ્રાયકોડર્મા અને સ્યુડોમીનાસનું દ્રાવણ રેડવું.
• ખરી પડેલ કેરીના ફળો વીણી બહાર ખાડો કરી દાટી દેવા.
• ફળમાખીના નિયંત્રણ માટે ફળમાખી પિંજર હેક્ટર દીઠ ૧૦ મુકવા.
• આંબાના ઝાડ ઉપરથી સાંખે પડે પછી જ કેરી ઉતારવાની શરૂઆત કરવી.
• ચીકુમાં કળી કોરી ખાનાર ઇયળ માટે ૨૦ દિવસના અંતરે ડાયકલોરવોસ ૭૬ ઈસી ૫ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા (૪૪ ઈસી) ૧૦ મિ.લિ. અથવા લેમડાસાઈહેલોથ્રીન ૨.૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા કલોપાયરીફોસ ૫૦ ટકા + સાયપરમેથ્રીન ૫ ટકા (૫૫ ઈસી) ૧૦ મિ.લિ. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૦.૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જમીનના પૃથક્કરણના ફાયદા ઃ
૧) જમીનની ફળદ્રુપતાની કક્ષા જેવી કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વોનું પ્રમાણ જાણી શકાય છે.
૨) જમીનમાં રહેલ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જાણી તે પ્રમાણે પાક અને તેની જાતની પસંદગી કરી શકાય છે.
૩) જમીનનો અમ્લતા આંક (પી.એચ.) જાણી શકાય છે.
૪) જમીનની ભૌતિક સ્થિતિ જાણી તેને સુધારણાનાં ઉપાય કરી શકાય છે.
૫) જમીન પૃથક્કરણના આધારે પાક આયોજન કરી શકાય છે.
૬) ખાતરોનું સમતોલ પણું જાળવી શકાય છે.
૭) જમીનની ભાસ્મિકતાનું પ્રમાણ અને તેને સુધારવા માટે જીપ્સમનું પ્રમાણ જાણી શકાય છે.
૮) જમીનના જુદા-જુદા લભ્ય પોષક્ તત્વોની માત્રા જાણી શકાય છે.
૯) જમીનમાં સેન્દ્રિય કાર્બનનું મહત્વ જાણી શકાય છે.
૧૦) પાકને ખાતરોની જરૂરીયાત નકકી કરી કેટલા પ્રમાણમાં આપવા તે જાણી શકાય છે.
૧૧) જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહશક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મો જાણી શકાય છે.
૧૨) ઓછા ઉત્પાદનનું કારણ જાણી શકાય છે.
૧૩) જમીનનાં પૃથક્કરણનાં અવલોકન માત્રાથી જમીનની ઉત્પાદક્તાનો ખ્યાલ આવે છે.
૧૪) ખાતરની ભલામણ ઉપરાંત ખાતરની પસંદગી, ખાતર આપવાનો સમય અને રીત નકકી થઈ શકે છે એટલે પાક વાવેતર પહેલા જમીનની ચકાસણી કરાવી લેવી જોઈએ.
શેરડીઃ
• શેરડીની જુદા જુદા વેધકોનું જૈવિક નિયંત્રણ કરવા પરજીવી ટ્રાઈકોડર્માં મમરીનો ઉપયોગ કરવો. દરિયાઈ વિસ્તારમાં સામાન્ય રીતે ભૂગર્ભજળ હલકી ગુણવત્તાનું જોવા મળે છે અને મર્યાદિત પણ હોય છે. આથી આ મર્યાદિત અને હલકી ગુણવત્તાવાળા ભૂગર્ભજળનો ઉપયોગ માઈક્રોટ્યુબ ટપક પધ્ધતિ અપનાવીને પ્લાસ્ટિક કે સેન્દ્રીય આવરણ ( મલ્ચ) નો ઉપયોગ કરવો. શેરડીના ફૂદફૂદીયા (પાયરીલા)કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જેના પરિણામે પાન ઉપર ફુગની વૃધ્ધિ થાય છે. તે માટે ડાયમીથોએટ ૩૦ ઇસી ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. અથવા ફેની ટ્રથીઓન ૫૦ ઇસી ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. ભેળવી છંટકાવ કરવો.
ખાતરઃ
• ખેતી ખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જરૂરી છે.
• ખેતીમાં ઓછી ખર્ચાળ પદ્ધતિઓ જેવી કે ખેતરના સેન્દ્રિય કચરાનો ફેર ઉપયોગ કરવો, લીલો પડવાશ કરવો અને ઓછા ખર્ચવાળા બાયો ઈનપુટ જેવા કે જૈવિક ખાતર, અળસિયાનું ખાતર તેમજ સેન્દ્રિય કચરાને કોહવાવામાં મદદરૂપ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જેનાથી ૨૫ થી ૫૦ % સુધી ખેતી ખર્ચ ઘટે અને ૧૦ થી ૨૦ % જેટલો ઉત્પાદનમાં વધારો થાય છે.
• ખેતરમાં સૂક્ષ્મ તત્વો યુક્ત જૈવિક ખાતરોની વારંવાર બીજ માવજત અથવા છોડ પર છંટકાવ કરવાથી જમીનની તંદુરસ્તી જળવાય છે અને ખર્ચમાં ઘટાડો થાય છે.
• સલ્ફરની ખામીવાળી જમીનમાં હેકટર દીઠ ૨૦ થી ૪૦ કિલોગ્રામ સલ્ફર વાપરતાં તેલીબિયાં અને કઠોળના પાકની ઉપજ ૧૫ થી ૨૦ % વધુ થાય છે.
• ટપક પદ્ધતિ હેઠળ ફર્ટિગેશન ટાંકી દ્વારા પાણીમાં ઓગાળી શકે તેવા અથવા પ્રવાહી ખાતર આપવાથી ઉત્પાદન વધે છે અને રાસાયણિક ખાતરનો વપરાશ ખૂબ જ ઘટે છે.
• જમીનની સ્વાસ્થ્ય ચકાસણી આધારિત જરૂરી માત્રામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની તંદુરસ્તી જળવાય છે. મોંઘા રાસાયણિક ખાતર તથા તે ઉપરની સરકારી સબસિડીમાં બચત થાય છે.