મગફળીઃ ખેતરમાં જીવાતનાં ઈંડા મુકતા પુખ્ત ઢાલિયા કિટકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પાળા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦ દરમ્યાન હલાવી તેના પરના પુખ્ત ઢાલિયા કિટકોને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરવો, તેમજ પ્રકાશ પિંજર ગોઠવી તેમાં એકઠા થયેલા ઢાલીયા કિટકોનો નાશ કરવો. બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧પ વે.પા. પ કિ.ગ્રા. પ્રતિ હેકટર વાવેતર પહેલા જમીનમાં એરંડીના ખોળ સાથે (૩૦૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર) જમીનમાં આપવું. ત્યાર બાદ ઉગાવાના ૩૦ દિવસે પાણી સાથે જમીનમાં આપવાથી ધૈણનું સારૂ નિયંત્રણ થાય છે. ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ ર૦ ઈસી રપ થી ૩૦ મિ.લિ. દવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી પંપની નોઝલ કાઢી મૂળ પાસે જમીનમાં ઉતરે તે રીતે આપવું. ઉભા પાકમાં ઘૈણનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ર૦ ઈસી અથવા કવીનાલફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે રપ થી ૩૦ મિ.લિ. દવા પ્રતિ ૧૦ લિટર પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે.
• ઘૈણનો ઉપદ્રવ વધારે હોય ત્યારે બજારમાં મળતા દાણાદાર જંતુનાશક કલોરપાયરીફોસ ૪જી ૧૦ -૧ર કિ.ગ્રા. પ્રતિ હેકટર દિવેલી અથવા દેશી ખાતર સાથે મિશ્ર કરી મગફળીના થડ પાસે પડે તે રીતે આપવું.
• બિયારણને પટ્ટ આપીને જ વાવેતર કરવું.
• કઠોળ વર્ગનાં પાકનું વાવેતર કરવું જોઈએ કારણકે છોડની મૂળ ગંડીકાઓમાં રાઈઝોબીયમ બેકટેરિયાને લઈ હવાનો નાઈટ્રોજન ખેંચી તેને સ્થિર કરી પોતાનો વિકાસ કરે છે અને વધારાનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી જમીન ફળદ્રુપ બને છે.
• ખાસ કરીને બીજ માવજત આપતી વખતે પ્રથમ ફુગનાશક ત્યારબાદ જંતુનાશક અને છેલ્લે રાઈઝો બેકટેરિયા એટલે કે જૈવિક ખાતરનો પટ આપવો.
• કોઈપણ સારૂ ઉત્પાદન મેળવવા માટે વાવેતર કરેલ વિસ્તારમાં પૂરતા અને સમપ્રમાણ છોડની સંખ્યા જાળવવી જોઈએ. એટલા માટે બીજનું સ્ફૂરણ થયા બાદ જયાં ખાલા પડેલ હોય ત્યાં ૧૦ દિવસમાં દાણા ચોપીને વાવેતર કરવું.(ક્રમશઃ)