સેનામાં ભરતીની નવી યોજના અગ્નિપથને પડકારતી બીજી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં અગ્નિપથ યોજના બંધ કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કેન્દ્રનો પક્ષ પણ સાંભળવો જોઈએ.
અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ વચ્ચે હવે આ મામલો સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો છે. આ કેસમાં ત્રણ વકીલો દ્વારા ત્રણ પિટિશન દાખલ કરવામાં આવી છે. પ્રથમ બે અરજીઓ એડવોકેટ વિશાલ તિવારી અને એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી હતી.
એડવોકેટ હર્ષ અજય સિંહે પણ અરજી આપી હતી અને સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. એડવોકેટ હર્ષે તેમની રિટ પિટિશનમાં જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના હેઠળ ૪ વર્ષ માટે સેનામાં યુવાનોની ભરતી કરવામાં આવે છે, ત્યારબાદ માત્ર ૨૫ ટકા અગ્નિવીરોને જ કાયમી કરવામાં આવશે. તેમણે દલીલ કરી છે કે જ્યારે અગ્નિવીર તેની યુવાનીમાં ચાર વર્ષની મુદત પૂરી કરશે ત્યારે તે સ્વ-શિસ્ત જોળવી રાખવા માટે ન તો વ્યવસાયિક રીતે કે વ્યક્તિગત રીતે પૂરતો પરિપક્વ હશે. આવી સ્થિતિમાં પ્રશિક્ષિત અગ્નિવીરો ભટકી જવાની ઘણી સંભાવનાઓ છે.
આ પહેલા એડવોકેટ મનોહર લાલ શર્માએ અગ્નિપથ યોજનાને પડકારતી તેમની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે સરકારે સંસદની પરવાનગી વિના સૈન્ય ભરતીની દાયકાઓ જૂની નીતિમાં ફેરફાર કર્યો છે, જે બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે. પીટીઆઈ અનુસાર, તેમણે કહ્યું છે કે અધિકારીઓ માટે સેનામાં કાયમી કમિશન છે અને તેઓ ૬૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ શકે છે.
જે લોકો શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) હેઠળ સેનામાં જોડાય છે તેમની પાસે ૧૦/૧૪ વર્ષ સુધી સેવા આપવાનો વિકલ્પ હોય છે. તેનાથી વિપરિત, હવે સરકાર યુવાનોને કોન્ટ્રાક્ટ પર રાખવા માટે અગ્નિપથ યોજના લઈને આવી છે. આ યોજના બાદ યુવાનોને તેમનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ૧૪ જૂનના આદેશ અને નોટિફિકેશનને ગેરબંધારણીય જોહેર કરવામાં આવે.
અગાઉ ૧૮ જૂને એડવોકેટ વિશાલ તિવારીએ અગ્નિપથ હિંસા કેસની એસઆઇટી તપાસની વિનંતી કરતી જોહેર હિતની અરજી દાખલ કરી હતી.અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવતા, તેમણે તેની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ માંગ કરી હતી. અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક પછી એક અરજી દાખલ કરવા પર કેન્દ્ર સરકાર વતી ચેતવણી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલા સરકારનો પક્ષ સાંભળવો જોઈએ. આ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં ક્યારે સુનાવણી માટે આવે છે તે જોવાનું રહેશે.