ફેસબુકના મુખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગ અને ૪૯ અન્ય વિરુદ્ધ કન્નૌઝની એક સ્થાનિક કોર્ટના આદેશ પર કેસ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે તપાસ દરમિયાન ઝુકરબર્ગનું નામ હટાવી દીધું. જ્યારે ફેસબુક પેજના વ્યવસ્થાપક(એડમિન)ની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

પોલીસ પ્રભારી નારાયણ બાજપેયીએ આ અંગે જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયિક મજિસ્ટ્રેટ ધર્મવીર સિંહે સોમવારે પોલીસને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ સરાહતી ગામ નિવાસી અમિત કુમારની ફરિયાદ પર ઢઢિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

કોર્ટ સમક્ષ પોતાની અરજીમાં અમિત કુમારે કહ્યું હતું કે, ફેસબુક પર બુઆ-બબુઆ નામથી એકપેજ છે, જેમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની છબી ખરાબ કરવાની કોશિશ થઈ રહી છે. થોડા દિવસ પહેલા અખિલેશ પર એક કાર્ટૂન બનાવીને પોસ્ટ કરવામાં આવી હતી. બુઆ-બબુઆનો નારો ત્યારે ફેલાવ્યો હતો, જ્યારે માયાવતી અને અખિલેશે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું.

અમિત કુમારે જણાવ્યું છે કે, આ મામલે ૨૫ મેના રોજ એક રજીસ્ટ્રર્ડ પોસ્ટના માધ્યમથી પોલીસ અધિક્ષકને અરજી મોકલવામાં આવી હતી. પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જે બાદ તેમણે કોર્ટના શરણ ગયા અને કેસ નોંધવાનો આગ્રહ કર્યો. અખિલેશ બાદ તેમની પત્ની ડિમ્પલ યાદવ ૨૦૧૨ અને ૨૦૧૪માં કન્નૌઝથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના સુબ્રત પાઠક અહીંથી વિજયી બન્યા હતા.