લાઠી તાબાના અકાળા ગામે એક પ્રૌઢને માતાજીના નામનો ડર બતાવીને ધૂતવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના પરિવારના સભ્યોનું અપહરણ કરી જવાની ધમકી આપી સાડા બાર લાખની માંગણી કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. જેને લઈ મૂળ બાબરાના દરેડ ગામના અને હાલ અકાળા રાણા દાદાના મંદિરે રહેતા ગોરધનભાઈ બચુભાઈ પોલરાએ ગઢડા તાલુકાના રસનાળ ગામના જીતુભાઈ મગનભાઈ પાંચાણી સામે ફરિયાદ નોંધાવી હતી. સવજીભાઇને ખંભાના ભાગેથી હાથ ખડી ગયો હતો. જેથી આ બાબતે સાણથલી મહાદેવના મંદિરે માનતા માની હતી. માનતાના નામે ગોરધનભાઈ તથા સવજીભાઈને આરોપીએ ફોન કરી માનતા કરી જાવ નહીતર તમારી તથા તમારા પરિવારની પાછળ માતાજી ભેળવી દઇશ અને તમારૂ ધનોત પનોત કાઢી નાખીશ તેવો ડર બતાવ્યો હતો. આ ઉપરાંત બંનેના પરિવારના સભ્યોને મોતનો ભય બતાવી ગોરધનભાઈ પાસેથી રૂપિયા ૧,૫૧,૦૦૦ બળજબરીથી કઢાવી લીધા હતા. ઉપરાંત બંનેના પરિવારના સભ્યોનું અપહરણ કરી જવાની ધમકી આપી રૂપિયા સાડા બાર લાખની બળજબરીપૂર્વક માંગણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.