મુળ મોટા મુંજીયાસરના વતની અને સુરત રહેતાં અશ્વિનભાઇ ગઢીયા અને તેમના પરિવારજનો સુરતથી જુની હળીયાદ ગામે લૌકીક કામ માટે જઇ રહ્યાં હતાં ત્યારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં સુરતના ગઢીયા પરિવારના પતિ-પત્ની અને પુત્ર, માતા, બહેન-બનેવી સહિત ૬ લોકોનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતા જ્યારે એક નાની બાળકીને ઇજા પહોંચતાં તેને સારવાર માટે રાજકોટ
ખસેડાઈ છે.
જાણવા મળતી માહિતી મુજબ કાર રાજકોટથી ગોંડલ તરફ આવી રહી હતી. ત્યારે બિલિયાળા અને ભોજપરા વચ્ચે અચાનક કારનું ટાયર ફાટતા કાર ફંગોળાઈને ડિવાઈડર ટપી ગઈ હતી અને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને સામેથી આવતી એસટી બસ સાથે અથડાઈ હતી. ઘટનાને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને લોકોનાં ટોળેટોળાં ઊમટી પડયાં હતાં. કારની ઉપરનો આખો ભાગ જ ઊખડી ગયો હતો. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

 

બગસરાના મોટા મુંજીયાસર ગામના વતની હોવાનું ખુલ્યું
બગસરાના મોટા મુંજીયાસર ગામના વતની ગોવિંદભાઈ ગઢીયા આશરે ૮ વર્ષ પહેલા ધંધાર્થે સુરત સ્થાયી થયા હતા. ગઢીયા પરિવાર સુરતથી જુની હળીયાદ લૌકિક ક્રિયા માટે આવવા નિકળ્યો હતો. પરંતુ ગોંડલ પાસે અકસ્માત સર્જાતા પાંચના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જયારે ૧ર વર્ષિય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મૃતક અશ્વિનભાઇના પરિવારમાંથી દીકરી સુરત હોવાથી તે એકમાત્ર બચી જવા પામી છે.

મૃતકના નામની યાદી
૧. શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા
૨. અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા
૩. સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
૪. ધર્મિલ અશ્વિનભાઇ ગઢીયા
૫. પ્રફુલભાઇ બાંભરોલીયા
૬. ભાનુબેન બાંભરોલીયા

 

મૃતકોના અંતિમ સંસ્કાર મોટા મુંજીયાસર ગામે કરાશે
મૃતક પરિવાર મૂળ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામનો વતની હોવાથી તેમના અંતિમ સંસ્કાર મોટા મુંજીયાસર ગામમાં જ કરાશે. અકસ્માતની જાણ થતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
આભાર – નિહારીકા રવિયા