પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભૂતપૂર્વ ટીમના ખેલાડી મોહમ્મદ હાફીઝના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. હાફિઝે કહ્યું હતું કે ૧૯૯૦ ના દાયકાના ક્રિકેટરોએ ખેલાડીઓની આગામી પેઢી માટે કોઈ વારસો છોડી નથી. હાફિઝે આ નિવેદન આઇસીસી ચેમ્પીયન્સ ટ્રોફી દરમિયાન આપ્યું હતું જ્યાં પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી.
ચેમ્પીયન્સ ટ્રોફીમાં મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તે પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ. પહેલી જ મેચમાં તેઓ ન્યુઝીલેન્ડ સામે ૬૦ રનથી હારી ગયા હતા. આ પછી ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું. તે જ સમયે, બાંગ્લાદેશ સામે રમાયેલી ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ કરવામાં આવી હતી. આ રીતે ટીમ આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી શકી નહીં.
હાફિઝે કહ્યું હતું કે, હું ૧૯૯૦ ના દાયકાના ખેલાડીઓનો મોટો ચાહક છું, પરંતુ જ્યારે આપણે વારસાની વાત કરીએ છીએ, ત્યારે તેઓએ કોઈ આઇસીસી ટ્રોફી જીતી નથી. આ લોકો ૧૯૯૬, ૧૯૯૯ અને ૨૦૦૩ના વર્લ્ડ કપનો ભાગ હતા અને અમે દર વખતે હાર્યા. અમે ૧૯૯૯માં ફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં ખરાબ રીતે હારી ગયા હતા.
અખ્તરે તે સમયે આ ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) મેચ દરમિયાન તેણે હાફીઝ પર વળતો પ્રહાર કર્યો હતો. અખ્તરે કહ્યું, એક સમય હતો જ્યારે વસીમ અકરમ અને વકાર યુનિસે અમને મેચ અને શ્રેણી જીતાડ્યા હતા. મારી સામે આ બંનેએ ઓછામાં ઓછી ૬૦ મેચ જીતી. મને ૯૦ ના દાયકાના છોકરાઓએ આપેલું નિવેદન યાદ આવ્યું. તે વ્યક્તિ (હાફિઝ) કહી રહ્યો છે કે અકરમ અને યુનિસ સાહેબ, તમે કોઈ વારસો છોડ્યો નથી. તો કોણે વારસો છોડી દીધો? તમારી પાસે છે?
પાકિસ્તાન ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ સારી ચાલી રહી નથી અને બાબર આઝમ, રિઝવાન, શાહીન આફ્રિદી અને નસીમ શાહ જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ હોવા છતાં, ટીમ મોટી ટુર્નામેન્ટમાં અસરકારક પ્રદર્શન કરી શકતી નથી. ચેમ્પીયન્સ ટ્રોફી પહેલા, ગયા વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઇઝમાં રમાયેલા ટી ૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ પણ વધી શકી ન હતી. આ ઉપરાંત, તે ૨૦૨૩ ના વનડે વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં પણ પહોંચી શકી ન હતી.














































