તાજેતરમાં ‘લાલભાઈ ટાપ’ (લલ્લનટાપ) પર સૌરભ દ્વિવેદીએ જાવેદ અખ્તરનો એક ઇન્ટરવ્યૂ કર્યો. ઇન્ટરવ્યૂ કરવા માટે કોઈ બહાનાની આવશ્યકતા હોય છે. એટલે બહાનું કઢાયું કે જાવેદ અખ્તરનું પુસ્તક ‘સીપિયાં’ પ્રસિદ્ધ થયું છે તેના પર વાત કરીએ. આ પુસ્તકમાં દોહાનો સમાવેશ કરાયો છે.
આ ઇન્ટરવ્યૂ આૅપરેશન સિંદૂરમાં ભારતની અંદર બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાન માટે જાસૂસી કરનારાઓને પકડવામાં આવી રહ્યા છે તે પછી થયો છે. એટલે જાવેદ અખ્તરે પાકિસ્તાન વિરુદ્ધ વાત કરવાનો, થોડો હિન્દુઓ તરફી નેરેટિવ આપવાનો પ્રયાસ કર્યો. દા.ત. પાકિસ્તાન એ રીતે અપપ્રચાર કરે છે કે ભારતમાં મુસ્લિમોને હિન્દુઓ તરફથી બહુ ત્રાસ છે. બીજા કોઈ નહીં, શબાના આઝમીને જ મુંબઈમાં મકાન નથી મળતું. (અને આ વાત શબાના ખાતુને જ કરી હતી.)
જાવેદ અખ્તરે કહ્યું કે સિંધી કેમ મુસ્લિમને મકાન આપે? પાકિસ્તાનમાં તેમની ભારે જાહોજલાલી હતી. ઘર હતાં, દુકાનો હતી, પૈસા હતા, સંપત્તિ હતી. અને રાતોરાત તેમને કહી દેવાયું કે અહીંથી તમે ભાગી જાવ, નહીંતર મારી નાખીશું. અને પહેરેલે કપડે, ટ્રેનની છત પર, ટ્રેનની ભોંય પર, જે રીતે ભગાતું હતું તે રીતે તેઓ ભાગ્યા. શું તેમના મનમાં મુસ્લિમો પ્રત્યે રોષ ન હોય?
આથી હિન્દુવાદીઓને આ ક્લિપ બહુ ગમી અને તેઓ વાઇરલ કરવા લાગ્યા. જે રીતે કાંગ્રેસના ‘જમાઈ’ રાબર્ટ વાડ્રાએ સાવ ખોટું કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર બહુ અત્યાચાર થાય છે તેથી પહેલગામમાં મુસ્લિમ ત્રાસવાદીઓએ પર્યટકોનો ધર્મ પૂછીને, પેન્ટ ઉતારાવી જનનેન્દ્રિય તપાસી અને કલમા વાંચતા આવડે છે કે નહીં તે જોઈને હિન્દુઓની અને એક ખ્રિસ્તીની હત્યા કરી. આ વાત ખોટી છે. મહેમૂદ ગઝની વખતે કયા મુસ્લિમો પર અત્યાચાર હિન્દુઓએ કર્યો હતો? મોહમ્મદ ઘોરી વખતે કયા મુસ્લિમો પર અત્યાચાર હિન્દુઓએ કર્યો હતો? નરેન્દ્ર મોદી નહોતા બોલ્યા તોય તે વખતે સેક્યુલર મીડિયાએ જૂઠાણું ચલાવ્યું હતું કે ગોધરા કાંડ થાય તો તેના પગલે રમખાણો થાય જ. ન્યૂટનના નિયમ પ્રમાણે ઍક્શનનું રિએક્શન આવે જ. અને તે વખતે મોદીજીની ભારે ટીકા સેક્યુલરોએ કરી હતી. લેખોના લેખો લખાયા હતા. અને હવે આ સેક્યુલરો કહે છે કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે તેથી પહેલગામ આક્રમણ થયું.
એ જ રીતે જાવેદ અખ્તર કહે છે કે સિંધીઓના મનમાં હજુ પર ભારતના વિભાજનનો રોષ છે. તેથી મુસ્લિમોને મકાન નથી આપતાં. આ વાત પણ ખોટો નેરેટિવ ઊભો કરનારી છે જેને હિન્દુઓને જ ફગાવી દેવી જોઈએ. એનું કારણ છે કે ભારતમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ હિંસક નથી બન્યા. તેમને ભારે અન્યાય થયો. અસ્વીકાર થયો. તેમને પોતાને મકાનો નહોતાં મળતા. પરંતુ સિંધી સહિત આ હિન્દુઓ-શીખોએ પોતાની બુદ્ધિ અને બાવડાના જોરે પ્રગતિ કરી.
જાવેદમિંયા, તમારા ઉર્દૂવૂડમાં જ કેટલાય સિંધીઓ છે, તેના પર દૃષ્ટિ કરજો. અભિનેત્રી સાધના (શિવદાસાણી), બબિતા, રાજકુમાર હિરાણી, યશ જોહર અને તેમના (કુ)પુત્ર કરણ જોહર, રણવીરસિંહ, કિયારા અડવાણી, વિશાલ ડડલાણી, રમેશ સિપ્પી, આફતાબ શિવદાસાણી, અંજના સુખાણી, ગોવર્ધન અસરાની, દિલીપ તાહિલ, પ્રીતિ ઝાંગિયાણી, ટિપ્સવાળા રમેશ તૌરાણી, વાસુ ભગનાની, શત્રુÎનસિંહાનાં પત્ની પૂનમ. શું આ બધાંનાં મનમાં મુસ્લિમો પ્રત્યે દ્વેષ છે? ઉલટું રમેશ સિપ્પીની ‘શોલે’માં તો તમને પૂરી છૂટ અપાઈ હતી – ભગવાનના મંદિરમાં ભગવાનના નામે ફ્લર્ટિંગની અને મૌલાનાને જ ગામ માટે ત્યાગ કરતા બતાવવાની. એટલે પાકિસ્તાનથી ભાગીને આવેલા સિંધી હોય કે અન્ય હિન્દુ-શીખ, કે અહીં ૧૯૪૬માં ‘ડાયરેક્ટ ઍક્શન’ અને તે પછી પણ ૧૯૬૯, ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૩, ૨૦૦૨, ૨૦૦૩, ૨૦૦૮ એમ અનેક ‘ડાયરેક્ટ ઍક્શન’માં પોતાનાં સગાં ગુમાવનાર અને ભોગ બનનાર બીજા હિન્દુ-શીખોએ મુસ્લિમો પ્રત્યે દ્વેષ રાખ્યો નથી.
ઉલટું, કાશ્મીરથી લઈને કેરાળા, ભાવનગરથી ભરુચ બધેથી લૅન્ડ જિહાદ અને પછી દાદાગીરી જિહાદના લીધે હિન્દુઓને પોતાનાં રહેણાંક ખાલી કરી-કરીને બીજે રહેવા જતા રહેવાની ફરજ પડે છે. વિભાજન જેવી પીડા આજે પણ હિન્દુ વેઠી રહ્યો છે. છતાંય દ્વેષ નથી રાખતો. એક મુસ્લિમના અપકૃત્યની સજા બીજાને નથી આપતો. હા, શબાનાને મકાન નહીં મળ્યું હોય તેનાં અનેક બીજાં કારણો હોઈ શકે. અલગ ખાણીપીણીના કારણે ઘણી વાર ગુજરાતમાં બીજાં રાજ્યોમાંથી આવતા હિન્દુઓને પણ મકાન નથી મળતાં. હિન્દુ કુંવારા નોકરિયાત કે વિદ્યાર્થિનીઓને પણ ભાડે મકાન આપવાની સાસાયટી ના પાડે છે. એને તમે મઝહબનું નામ આપી દો તે ન ચાલે અને પછી પાછા આટલાં વર્ષે જ્યારે આૅપરેશન સિંદૂર પછી વાયુ મંડલ ગરમ લાગે છે ત્યારે સ્પષ્ટતા કરો કે અમે કંઈ રસ્તા પર નથી રહેતાં, તો તે ન ચાલે.
જાવેદમિંયાએ વીર સાવરકર પર વિપરીત દૃષ્ટિકોણથી લખાયેલા (અડવાણી યુગ પછી પોતાને હાંસિયામાં અનુભવતા પૂર્વ પ્રધાન, પત્રકાર અને લેખક) અરુણ શૌરીના પુસ્તક ‘ન્યૂ આઈકાનઃ સાવરકર ઍન્ડ ફૅક્ટ્સ’ની કે ‘મુસ્લિમ્સ અગેઇન્સ્ટ પાર્ટિશન’ (લેખક શમશુલ ઇસ્લામ) પુસ્તક પોતે વાંચે છે તેમ કહી તેનું માર્કેટિંગ કર્યું છે. તેમાં મોગલોની પણ વાહવાહ કરી છે. અકબર અને શાહજહાંની પ્રશંસા કરી છે.
અકબર પહેલાં ભારતમાં સેક્યુલરિઝમ જ નહોતું, તેમ જાવેદમિંયા કહે છે. બોલો ! વિશ્વની સૌથી જૂની મસ્જિદ કેરળમાં અકબરના જન્મના સાડા આઠસો વર્ષ પહેલાં બની હતી તે જાવેદમિંયા ભૂલી જાય છે. મુસ્લિમ આક્રાંતાઓના ત્રાસથી ઈરાનથી ભાગીને સંજાણ આવેલા પારસીઓને હિન્દુ રાજા જાદી રાણાએ આશ્રય આપ્યો હતો તે ઘટના અકબરના જન્મથી આઠ સદી જૂની હતી !
જાવેદમિંયા અકબરને મહાન ચિતરવા માટે ‘ટાઇમ્સ’માં ૨૦૧૧માં આવેલા લેખને ટાંકે છે જેમાં અકબર અને ગાંધીજીને મહાન રાજકીય આદર્શ તરીકે ગણાવાયા હતા ! જોકે જાવેદમિંયા તો પોતાના ઇન્ટરવ્યૂમાં શાસકોમાં અકબર અને ગાંધીજીનો સમાવેશ કરાયો હતો તેમ કહે છે, ત્યારે સૌરભ દ્વિવેદી સામું પૂછતા નથી કે ગાંધીજી શાસક હતા ખરા? સૌરભ દ્વિવેદી ક્રાસ ક્વેશ્ચન જમણેરી વિચારધારાવાળાને જ કરી શકે છે.
અકબરના અનેક અત્યાચારો છે, તેમાંથી તાનસેનની વાત કરીએ. હમણાં સાશિયલ મીડિયા પર બે ક્લિપ મળી. એક ક્લિપ સ્વ. ગઝલ ગાયક જગજીતસિંહની છે. જગજીતને પૂછવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાનની ગાયકીમાં શું ભેદ છે? જગજીતસિંહ સહેજ પણ વાર લગાડ્યા વગર કહે છે કે પાકિસ્તાનની (એટલે કે મુસ્લિમોની) કોઈ ગાયકી નથી. તેઓ અહીંથી જ ગયા છે. બીજી એક ક્લિપમાં સંગીતના જાણકાર કોઈ વક્તા કહે છે કે આ મિંયા તોડી રાગ તાનસેને બનાવ્યો હતો. તાનસેન મુસ્લિમ બની ગયા હતા. એટલે કે ત્યાંથી મુસ્લિમોમાં સંગીત આવ્યું. બાકી, ઇસ્લામમાં તો સંગીત પ્રતિબંધિત છે.
તાનસેનનું મૂળ નામ રામતનુ પાંડે. પિતા મકરંદ (કેટલીક જગ્યાએ મુકુંદ નામ પણ ઉલ્લેખિત છે) પાંડે સારા કવિ. નાનપણમાં સિંહ-વાઘ વગેરેનો સ્વર સારી રીતે કાઢી શકતા. આ જોઈ મધ્ય પ્રદેશ આવેલા- વૃંદાવનના, શ્રી કૃષ્ણના પરમ ભક્ત સ્વામી હરિદાસે તેમને પોતાના શિષ્ય બનાવવા મકરંદ પાંડે સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી. પિતાએ પ્રસન્નતાથી હા પાડી. તે પછી રામતનુ પાંડે મધ્ય પ્રદેશના ગ્વાલિયરના રાજા રામનિરંજનસિંહ અને બાદમાં રેવાના રાજા રામસિંહના દરબારમાં ગાયક બન્યા. તેમની ખ્યાતિ અકબરના કાને પહોંચી. અકબરે દાદાગીરીપૂર્વક રામતનુ એટલે કે તાનસેનને પોતાને આપી દેવા દબાણ કર્યું. રાજા રામસિંહની અકબર સામે બાથ ભીડવાની ક્ષમતા નહોતી. પણ પોતે તાનસેનને કહી પણ નહોતા શકતા. તાનસેન તેમની મૂંઝવણ પામી ગયા. કહ્યું કે “કંઈ વાંધો નહીં. હું જતો રહીશ.” તેમને મોકલવા રાજા રામસિંહે પાલખી મોકલી. વચ્ચે વિરામ માટે તાનસેન નીચે ઉતર્યા. જોયું તો રાજા પોતે પાલખીને ઊંચકીને આવી રહ્યા હતા. તેમણે સખેદ પૂછ્યું કે રાજા તમે કેમ કષ્ટ કરો છો? રાજા રોઈ પડ્યા, “મારા માટે હવે તમે મરી ગયા છો. તેથી હું તમારી અર્થીને કાંધો આપું છું.” તાનસેન પણ દુઃખી-દુઃખી થઈ ગયા.
અકબરની દીકરી મહેરુન્નિસા તાનસેનના પ્રેમમાં પડી હતી. તેણે પિતા સમક્ષ તાનસેનને પરણવાની ઇચ્છા વ્યક્ત કરી. આથી અકબરે તાનસેનને મુસ્લિમ બનવાની ફરજ પાડી.
તાનસેનના સંતાનો થયાં તેમના અડધાંના નામ હિન્દુ અને અડધાના નામ મુસ્લિમ હતા- સૂરતસેન, સરતસેન, તરંગખાન, બિલાલખાન અને સરસ્વતી. અને તાનસેને રાગ બનાવ્યો તે મિંયા કી તોડી. તાનસેને અનેક સમયે અકબરનું અભિમાન ઉતારેલું, જેમ કે સ્વામી હરિદાસનું ગાયન સાંભળવા માટે અકબરને સાદા વેશમાં તેઓ લઈ ગયા હતા, કારણકે સ્વામી હરિદાસ કંઈ અકબરના દરબારમાં આવીને ગાય નહીં અને અકબર અકબર તરીકે જાય તો પણ ગાય નહીં. તેમને સાંભળવા સામાન્ય માણસ બનીને જવું પડે. તે વખતે અને મીરાબાઈને શ્રી કૃષ્ણની ભક્તિમાં નાચતા જોવા ગયા હતા તે વખતે અકબરે તાનસેનને પૂછ્યું કે તમારા ગાયનમાં સ્વામી હરિદાસ કે મીરાબાઈ જેવી મધુરતા નથી. તાનસેને રોકડું પરખાવ્યું હતુંઃ ક્યાંથી હોય જહાંપનાહ ! એ લોકો ઈશ્વરને પ્રસન્ન કરવા ગાય છે, હું તમને.
મીરાબાઈ મંદિરમાં ગાઈ રહ્યાં પછી અકબર જે એક ઝવેરીના રૂપમાં ગયો હતો તેણે અમૂલ્ય હાર શ્રી કૃષ્ણને ચડાવવા માટે આપ્યો. પછી અકબર-તાનસેન તો ચૂપચાપ ચાલ્યા ગયા પરંતુ ઉદયપુર અને દિલ્લી સલ્તનત તો એકબીજાના વેરી હતા. જ્યારે આ વાત મહારાણાને ખબર પડી ત્યારે તેમણે મીરાબાઈને કહ્યું કે તમે આપણા વેરી મુસ્લિમ શાસકને તમારું મુખ બતાવ્યું? તમે પાપ કર્યું છે. તેના પ્રાયશ્ચિત રૂપે તમે જીવન ત્યાગી દેશો તો પણ ઓછું છે. આથી મીરાબાઈ નદીમાં જીવ આપી દેવા ભક્તો સાથે પહોંચ્યા. પરંતુ તેઓ ડૂબે તે પહેલાં શ્રી કૃષ્ણએ તેમને બચાવી લીધા. જાવેદમિંયા, તમારા પ્રિય અકબરના લીધે કોઈ સ્ત્રીને ડૂબી મરવું પડે તેવી સ્થિતિ થઈ હતી.
અકબર સ્ત્રીઓ માટે મીના બાઝાર યોજતો. એટલું જ નહીં, અકબર પોતાની મનગમતી સ્ત્રી માટે બુરખો પહેરી ત્યાં જતો. મહારાણા પ્રતાપના ભાઈ શક્તિસિંહ અકબર પક્ષે હતા. (આ
આભાર – નિહારીકા રવિયા હિન્દુઓનું મોટું દુર્ભાગ્ય) તેમની દીકરી હતાં કુંવરી કિરણદેવી રાઠોડ. એક વાર અકબર તેના ચમચાઓ સાથે બુરખા પહેરીને મીના બાઝારમાં ગયો. ત્યાં તેણે કિરણદેવી રાઠોડને જોયાં. અકબરની આંખમાં વાસના ઉમટી. અકબરે એકલા જઈ કિરણદેવીનો રસ્તો રોક્યો અને પોતાની શૈય્યાસંગિની (હમબિસ્તર, આપ સમજે!) બનવા કહ્યું. કિરણદેવીએ કહ્યું કે તેઓ તેમના જ સાથી પૃથ્વીરાજનાં પત્ની છે. પણ અકબર આગળ વધવા લાગ્યો. આ જોઈ કિરણદેવીએ પોતાનાં વસ્ત્રમાં છુપાવેલું ખંજર કાઢ્યું અને અકબરને ચત્તોપાટ પાડી દઈ તેની છાતી પર એ જ રીતે પગ મૂક્યો જેમ દુર્ગાએ મહિષાસુર પર મૂક્યો હતો. કિરણદેવીનું આ દુર્ગા સ્વરૂપ જોઈને અકબર ત્યાંથી ભાગી છૂટ્યો.
આ જ રીતે, અકબરના દરબારમાં તાનસેનના માનપાનથી ઈર્ષા પામેલા શૌકતમિંયા નામના દરબારીએ અકબરના કાન ભંભેર્યા કે દીપક રાગ જેવો કોઈ રાગ નથી. અકબરે તાનસેનને દીપક રાગ ગાવા કહ્યું. તાનસેને ના પાડી પરંતુ અકબરે તાનસેનની કોઈ વાત ન સાંભળી. તાનસેને રાગ ગાયો. દીપક ઝળહળી ઊઠ્યા. એટલી ગરમી થઈ ગઈ કે અકબર સહિત બધા પરસેવે રેબઝેબ થઈ ગયા. તાનસેન ખૂબ દાઝી ગયા. અસહ્ય પીડા ઉપડી.
અકબર સાથે ફરતા-ફરતા તાનસેન, વડનગર આવ્યા. ભારતમાં સંગીત તો સામાન્ય જનના કંઠમાં છે. વડનગરની તાના-રીરીના પિતાએ હા પાડી પછી હાટકેશ્વર મંદિરમાં બંને બહેનોએ મલ્હાર રાગ ગાયો. વાદળ ઘેરાયાં અને વરસાદ તૂટી પડ્યો. તાનસેનનો દાહ અને ફોડલાં બંને શાંત થયા. આ જોઈ અકબરે તેમને પણ પોતાના દરબારમાં લઈ આવવા આદેશ કર્યો. સૈનિકો આવ્યા પરંતુ બહેનો અકબરની લંપટતાને જાણતી હતી. તેઓ ગુપ્ત માર્ગે ભાગી છૂટી અને તેમણે જળસમાધિ લઈ લીધી. જાવેદમિંયા, આ હતા તમારા અકબર.
તાનસેનમાં જ્યારે અભિમાન આવી ગયું હતું અને તેણે ગાવાની મનાઈ કરાવી દીધી હતી. એક વાર ભજન ગાતા સાધુઓને ફાંસી અપાઈ. તેમની સાથે રહેલા એક બાળકને ફાંસી ન અપાઈ. આ બાળક એટલે ચાંપાનેરનો બ્રાહ્મણ બૈજનાથ મિશ્ર- બૈજે. એ દસ વર્ષનો બાળક સ્વામી હરિદાસના ધ્યાનમાં આવ્યો. તેમના કાને તેમના શિષ્ય તાનસેનના મદની વાત પહોંચી. તેમણે બીજા શિષ્યને તૈયાર કર્યો. દસ વર્ષ પછી બૈજુએ તાનસેનનો પડકાર ઝીલ્યો. હરણ પાછું આવ્યું અને માળા પાછી આપી. તે પછી બૈજુએ પથ્થર પીગળી જાય તેવો રાગ ગાઈ બતાવ્યો. તાનસેન આ પડકાર ન ઝીલી શક્યો. અકબર તાનસેનને દંડ દેવા તૈયાર થયો, પણ બૈજુએ ક્ષમા આપી દીધી. તેના પર ફિલ્મ ‘બૈજુ બાવરા’ બનાવનાર પણ ભાવનગરના પાલિતાણાના ગુજરાતી વિજય ભટ્ટ હતા.
આ છે ગુજરાત અને ગુજરાતીઓ. દિલ્લી સલ્તનતને હંફાવનાર.













































