ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથેની મારપીટના મામલાને લઈને અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા સહિત અન્યને નોટિસ જારી કરી છે. અંશુ પ્રકાશે દિલ્હીની એક અદાલતમાં આ બાબતની અપીલ દાખલ કરી હતી.
જેમાં તેમણે કેજરીવાલ અને સિસોદિયા સહિત મામલાના તમામ ૯ આરોપીને નિર્દોષ છોડવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેના પછી જ સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત અન્ય ૯ આરોપીઓને જવાબ આપવાનું કહ્યું છે. હવે આ મામલાની સુનાવણી ૨૩ નવેમ્બરે થશે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન અંશુ પ્રકાશ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ સલાહકાર સિદ્ધાર્થ લૂથરા અને સલાહકાર કુમાર વૈભવે જજને કહ્યું કે, મજિસ્ટ્રેટ અદાલતે પોતાના ઓગસ્ટના આદેશમાં કેજરીવાલ અને અન્યને આરોપમુક્ત કરવામાં ભૂલ કરી છે. અંશુ પ્રકાશે, ખાન અને કેજરીવાલ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૫૦૬ (ગુનાહીત ધાકધમકી) સહિતના આરોપ મૂકવાનો પણ અનુરોધ કર્યો છે.
એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સચિન ગુપ્તાએ ૨૦૧૮માં તત્કાલીન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારામારી સાથે જાડાયેલા મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યોને બુધવારે આરોપ મુક્ત જાહેર કર્યા હતા. આપના બે ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલ વિરુદ્ધ આરોપ નક્કી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બંનેને ઉચ્ચ ન્યાયલયમાં જામીન મળી ચૂક્યા છે.
અંશુ પ્રકાશ સાથે મારપીટના કેસમાં ૧૩ લોકો આરોપી હતા, જેમાં માત્ર ૨ ધારાસભ્યો વિરુદ્ધ અદાલતે આરોપ નક્કી કર્યા હતા. જેમાં આપ એમએલએ પ્રકાશ જરવાલ અને અમાનતુલ્લાહ ખાન સામેલ છે.