બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગત રાત્રિએ અને આજે સવારે બનેલી બે અલગ-અલગ દુર્ઘટનામાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. એક ઘટના અંબાજી-દાંતા માર્ગ પર ત્રિશૂળિયા ઘાટમાં બની હતી, જ્યારે બીજી ઘટના દાંતા-પાલનપુર હાઈવે પર સર્જાઈ હતી.ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં બનાસકાંઠા અને સુરત ચાર અલગ-અલગ રેડ એક્સીડન્ટ થયા છે, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પર બે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, જયારે દાંતામાં પિક-અપ વાનની ટક્કરથી એક વ્યક્તિનું મોત થઈ ગયું. જ્યારે સુરતના માંગરોળમાં બે ટેમ્પો એકબીજા સાથે અથડાતાં એક ડ્રાઇવર ફસાઈ ગયો હતો.બનાસકાંઠા જિલ્લામાં ત્રણ એક્સીડન્ટ થયા, જેમાં ગઈ રાત્રે અને આજે સવારે બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોત થયા છે. જયારે અંબાજી-દાંતા માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પર આજે સવારે એક પછી એક બે એક્સીડન્ટ થયા. પહેલી ઘટનામાં લોખંડના સળિયા ભરેલું ટ્રેલર પલટી જતા ટ્રેલર ચાલક લોખંડના સળિયા વચ્ચે ફસાઈ ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું. અંબાજી ફાયરબ્રિગેડની ટીમને મૃતદેહને બહાર કાઢવા માટે ચાર કલાક લાગ્યા. માહિતી પ્રમાણે, ટ્રેલરમાં સવાર અન્ય એક ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો.ગઈકાલે રાત્રે દાંતા-પાલનપુર નેશનલ હાઈવે પર પુનજપુર પેટ્રોલપંપ પાસે એક પિક-અપ વાનની ટક્કરથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી. દાંતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી પ્રમાણે, મૃતક રાજસ્થાનના જાયદરાનો રહેવાસી હતો.સુરતના માંગરોળ તાલુકામાં કોસંબા નજીક નેશનલ હાઈવે ૪૮ પર એક આઇસર ટેમ્પોનું સ્ટીયરિંગ લોક થઈ જતાં ત્યાં જ ઉભું રહી ગયું અને પાછળથી પૂરઝડપે આવી રહેલો અન્ય એક આઇસર ટેમ્પો તેની સાથે ધડાકાભેર અથડાયો. આ ગંભીર અકસ્માતની ઘટના પી.પી. સવાણી યુનિવર્સિટી પાસે ઘટી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં અથડાયેલા ટેમ્પોના ડ્રાઇવરને પગમાં ગંભીર ઇજાઓ થઈ છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિકોએ ક્રેન બોલાવીને ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢ્યો અને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.