રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે આજે કોંગ્રેસ સાથે વિધિવત છેડો ફાડી ભાજપ સાથે જાડાવાનું મન બનાવ્યુ છે. આ પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અંબરીશ ડેરને ૬ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, ડેર રાજીનામું આપે એ પહેલાં જ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાના થોડા સમયમાં જ અંબરીશ ડેરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ આજરોજ સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. રાજીનામું આપ્યા બાદ અંબરીશ ડેરે કહ્યું હતું કે રાજનીતિમાં આવ્યા બાદ હું પદ પાછળ દોડ્‌યો નથી. મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસનું રામ મંદિર પ્રત્યેના વલણનું છે. મેં કોઈ ડીલ કરી નથી.
મેં ૨૦૦૩માં જાહેર જીવનની શરૂઆત કરી હતી. અમરેલી જિલ્લામાં યુવા મોરચામાં ૨૦ વર્ષ કામ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં નિર્ભય રીતે વાત કરતો હતો. રામ મંદિર અને કલમ ૩૭૦ મુદ્દે વાત કરી હતી. દેશમાં તમામ રાજ્યમાં વિવિધતા છે, છતાં એકતા પણ મજબૂત છે. છેલ્લાં ૩ વર્ષથી પાટીલ મને આમંત્રણ આપતા હતા. હું જ્યાં જોડાયો છું ત્યાં મારા સંબંધ છે, કોંગ્રેસમાં મારા સંબધો રહેશે. રસ્તો અલગ હશે, પણ ધ્યેય મારો લોકોની સેવા કરવાનો છે. ભૂતકાળમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આડકતરી રીતે અનેકવાર અંબરીશ ડેરને આમંત્રણ આપી ચુકયા છે.