સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તહેવારો ઉજવતો કોઈ દેશ હોય તો તે આપનો ગૌરવશાળી ભારત દેશ છે. આપણા દેશમાં ધાર્મિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક વૈવિધ્ય એટલું બધુ છે કે આપણા દેશના વિવિધ રાજ્યોમાં અનેક જાતિઓ પોત પોતાના ઉત્સવો શ્રધ્ધાપૂર્વક આનંદ-ઉલ્લાસથી ઉજવે છે.

આ બધા તહેવારોમાં દિવાળીના દિવસોના તહેવારોનું એક વિશેષ મહત્વ છે જે સમગ્ર ભારતમાં નવી આશા, નવી ચેતના, નવા અરમાન, નવા ઉમંગ સાથે ઉજવાય છે. દિવાળીનું પર્વ એ પાંચ દિવસ ના પાંચ પર્વની શૃંખલા છે. આ પર્વો એટલે ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નુતન વર્ષ અને ભાઇબીજ. દ્દિવાળી નું પર્વ મુખ્યરૃપે પ્રકાશ પર્વ તરીકે ઉજવાય છે.

દિવાળીના દિવસે શ્રી રામચંદ્રજી રાવણ નો નાશ કરી અયોધ્યામાં પધાર્યા હતા અને. સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવામાં આવ્યા હતા. આ દિવસે મહાદુષ્ટ અસુર ભૌમાસુરનો શ્રી કૃષ્ણએ વધ કરી પૃથ્વીને ભયથી મુક્ત કરી હતી. આત્માની પરમાત્મા સુધીની યાત્રાની સ્મૃતિ અપાવતો ભગવાન મહાવીરનો નિર્વાણદિન એટલે દિવાળી.. આના અનુસંધાનમાં દિવાળીમાં ઘરોની સફાઈ કરી, શણગારી, ઘેર ઘેર દીવા પ્રગટાવામાં આવે છે. દિવાળીના દિવસોમાં વિશેષ દેવીઓની પુજા, આરાધનાનું વિશેષ મહત્વ છે. ધનતેરસને દિવસે લક્ષ્મીપૂજન, કાળીચૌદશને દિવસે મહાકાલીનું પૂજન તેમજ દિવાળીના દિવસે માં-શારદાનું પૂજન કરવામાં આવે છે. વૈશ્યો માટે સમગ્ર વર્ષનું સરવૈયું કાઢવાનો તેમજ નવા વર્ષના ચોપડાના પૂજનનો દિવસ એટલે દિવાળી.

આપણે સૌ દિવાળીના દિવસોમાં ઘરમાં દીવાઓ પ્રગટાવીને રોશની કરીએ છીએ, રોજ રોજ નવી રંગોળી બનાવી છીએ, નવા નવા કપડાં પહેરીએ છીએ, સારા સારા ભાવતા ભોજન આરોગીએ છીએ, ફટાકડા ફોડી હદયનો આનંદ-ઉલ્લાસ વ્યક્ત કરીએ છીએ. પરંતુ ભારતવર્ષના દરેક પર્વમાં આનંદ ઉલ્લાસની સાથે સાથે આત્મોન્નતિનો કોઈ ચોક્કસ આધ્યાત્મિક સંદેશ પણ સમાયેલો છે. જે સંદેશ આજે વિસરાતો જાય છે. દિપાવલીના પાંચે દિવસ ની ઉજવણીમાં ઘણું વૈવિધ્ય સમાયેલું છે સાથે સાથે દરેક દિવસના પર્વ પાછળ એક ગૂઢ આધ્યાત્મિક રહસ્ય પણ છુપાયેલું છે.

પાંચ દિવસના આ પર્વની શૃંખલાની શરૃઆત ધનતેરસથી થાય છે જે દિવસે ખાસ, સુખ સંપત્તિની પ્રાપ્તિ અર્થે ધનની દેવી લક્ષ્મીનું આહવાહન કરી વિશેષ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. ભલે આપણે આ કરીએ પરંતુ આપણે એ પણ સમજી લેવું જાઈએ કે સાચા સુખ, શાંતિ અને સમૃદ્ધિની જનની પવિત્રતા તેમજ આપણા સતકર્મો છે. વ્યક્તિ જ્યારે વિષય વિકારોથી મુક્ત થઈ પોતાના જીવનમાં પવિત્રતાને અપનાવે છે તેમજ સતકર્મોનું ભાથું ભરે છે ત્યારે સ્વતઃ સુખ-સમૃદ્ધિ તેના ચરણોમાં આવે છે. એટલે આ દિવસે ખરેખરતો આપણે જીવનમાં પવિત્રતાને અપનાવવાનો તેમજ સત્કર્મો કરવાનો સંકલ્પ કરીને સુખ-સંપદાનો આપણો જન્મસિધ્ધ અધિકાર પ્રાપ્ત કરી લેવો જાઈએ.

બીજા દિવસ પડે છે કાળી ચૌદસનો જે દિવસે, આસુરી તત્વોનો તેમજ આસુરી વૃત્તિવાળા અસુરોનો વિનાશ કરનારી, કાલિકા દેવીનું આહવાહન કરી તેની વિશેષ આરાધના કરવામાં આવે છે. ભલે આપણે પુજા કરીએ પરંતુ સાચા અર્થમાં સાચી કાળી ચૌદસ ત્યારે જ મનાવી ગણાય જ્યારે આપણે ખુદ સર્વશક્તિમાન પરમાત્મા શિવ સાથે સંબંધ જાડી, અનેક શક્તિઓથી સંપન્ન બની, સ્વયં શિવશક્તિ કાલિકા સ્વરૃપ ધારણ કરી આપણાંમાં રહેલા વિકારોને, આસુરી વૃત્તિઓને, આપણી કમી કમજારીઓને, દોષોને, અવગુણોને, બૂરાઈઓને દૂર કરવાનો પુરો પ્રયાસ કરીએ.

ત્યાર પછીનો દિવસ એટલે દિવાળી અર્થાત પ્રકાશનું પર્વ. આ દિવસે ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવે છે, જ્ઞાનની દેવી શારદાનું પૂજન તેમજ ચોપડા પૂજન કરવામાં આવે છે, મેવા મીઠાઇ આરોગીએ છીએ, ફટાકડા ફોડી આનંદ લુટીએ છીએ, મંદિરોમાં જઈ દેવ દર્શન કરીએ છીએ. આ બધુ આપણે ભલે કરીએ, પરંતુ વાસ્તવમાં દીપોત્સવ એટલે આપણે સ્થૂળ દીપકની સાથે સાથે આપણી આત્માના દીપકને પણ પ્રજ્વલિત કરીએ અને અજ્ઞાન રૃપી ગાઢ અંધકારમાંથી, સ્વયં પરમાત્મા શિવે આપેલા જ્ઞાન પ્રકાશથી, સ્વયંને ઉજાગર કરીએ. વર્તમાન સમયે વધું જરૃરત છે અંદરના આત્માના દીપકને પ્રગટવી આત્મખોજ કરવાની, આત્મપરિવર્તન કરી આત્મોન્નતિ કરવાની. શારદા પૂજાન તેમજ ચોપડા પૂજનની સાથે સાથે, આજે જ્યારે ચારે તરફ રાગ-દ્વેષ, વેર-ઝેર, ઈર્ષા, તેમજ વિકારોનું પ્રભુત્વ પ્રવર્તે છે ત્યારે આ દિવસે આપણે આપણાં પોતાના જીવનના હિસાબ-કિતાબને પણ જાઈ લેવો જાઈએ