“અંત એ જ શરૂઆત ભાગ – ૧” માં આપણે જીવનના ઘણા વાસ્તવિક પ્રશ્નો અંગે સમજવાની કોશિશ કરી. તો ચાલો આપણે આજે તમામ પ્રશ્નોના જવાબ સરળ અને સૈદ્ધાંતિક રીતે સમજીને જીવનને સરળ બનાવીએ.
મોટાભાગના લોકો પ્રથમ વાર નિષ્ફળતા મેળવે છે અને તે પ્રથમ નિષ્ફળતાને જ પોતાના જીવનની અંતિમ નિષ્ફળતા સમજીને પ્રગતિ રોકી રાખે છે. વાસ્તવિકતા શું છે? આજ દિવસ સુધી આપણને આવું જ શીખવવામાં આવ્યું છે કે ; નિષ્ફળતા અને સફળતા એ વિરોધાભાસ છે. સૂર્ય- ચંદ્ર, અગ્નિ અને જળ, સુખ અને દુઃખ આ બધું જ વિરોધાભાસ છે. અમીરી અને ગરીબી પણ વિરોધાભાસ છે. આટલું જ નહીં પરંતુ જન્મ અને મૃત્યુ પણ વિરોધાભાસ છે. રાત્રિ અને દિવસને પણ વિરોધાભાસ તરીકે જ આપણને સમજાવવામાં આવ્યું છે. સારું અને ખરાબ આ બધું જ વિરોધાભાસ છે. આપણને આજ દિવસ સુધી આવા ખોટા વિરોધાભાસના ભ્રમમાં રાખવામાં આવ્યા છે. જેના કારણે જ આજે આપણે સર્વે બુદ્ધિશાળી અને મહેનતુ હોવા છતાં પણ આપણો દેશ અમુક અંશે ગરીબીની રેખા નીચે આવતો દેશ તરીકે ઓળખાય છે. આજ દિવસ સુધી આ વિરોધાભાસ પાછળના સત્યથી વંચીત રાખી આપણને વાસ્તવિકતા જાણવા જ નથી દેવામાં આવી. હવે એ વાત તો સ્વાભાવિક છે કે ; જે સ્થિતિની વાસ્તવિકતા વિશે જ આપણને જાણકારી ના હોય અને ખોટા ભ્રમમાં જ આપણે વંટોળે ચડતા હોય તો આપણી ઊર્જા ખોટા રસ્તે વ્યર્થ જવાની જ છે. અને આપણે આપણી જાતનો વિકાસ નથી કરી શકવાના. આપણે આપણી જાત વિશે પૂર્ણ શ્રેષ્ઠતા નથી અનુભવી શકવાના. જેના કારણે આપણે કંઈક અલગ કરવાની શક્તિને વિસરી જઈએ છીએ. જે ખરેખર દુઃખદાઈ ઘટના છે.
જ્યાં નિષ્ફ્‌ળતા પુર્ણ થાય ત્યાં સફળતાની શરૂઆત થાય,જયારે સુર્યાસ્ત થાય ત્યારે ચંદ્ર ઉદય થાય. જ્યારે સુખનો સમય પૂર્ણ થાય ત્યારે દુઃખનું આગમન થાય અને ફરીવાર દુઃખ પૂર્ણ થાય ત્યારે સુખનું આગમન થાય આ એક  નિયમિત ચાલતું ચક્ર છે. વિરોધાભાસ નથી આ બધું જ એકબીજાને પૂરક છે જ્યારે જન્મ થાય ત્યારે મૃત્યુ પણ નિશ્ચિત હોય છે. જેનું સર્જન થાય છે તેનું વિસર્જન પણ થવાનું છે. અને જેનો વિનાશ થાય તેનું ફરીવાર સર્જન થવાનું જ છે. જ્યારે ભયાનક ગરીબી પૂર્ણ થાય ત્યારે અમીરીની શરૂઆત થાય છે. જ્યારે ઘોર અંધકાર રાત પૂર્ણ થાય ત્યારે પ્રફુલ્લિત સવારની શરૂઆત થાય છે. આ બધું જ એકબીજા ઉપર નિર્ભર છે. આમાં કોઈ જ વિરોધાભાસ નથી. પરંતુ પૂરક સ્થિતિ છે. જુઓ ઉદય જ ના થાય તો અસ્ત કઈ રીતે થઈ શકે છે? અહીં સુખ જ સુખ હોય તો દુઃખનું અસ્તિત્વ ક્યાં રહે? અને દુઃખ હોય તો જ સુખની કિંમત થાય. નિષ્ફળતા જ સફળતાની કિંમત કરાવે છે. આ દુનિયામાં પ્રેમ જ પ્રેમ હોય તો પ્રેમ કોને કહી શકાય…? માટે નફરતનું હોવું એ પણ ખૂબ જ અગત્યનું છે. ટૂંકમાં નફરત જ પ્રેમની કિંમત કરાવી શકે છે. આમ પ્રેમ અને નફરત એ બધા એક બીજાના વિરોધી નહી પરંતુ એક બીજાના પૂરક છે. જેથી બંનેનું અસ્તિત્વ ટકી રહેલું છે. દુનિયામાં બધા જ અમીર હોય તો અમીર કોને કહી શકાય? માટે ગરીબી જ અમીરની કિંમત કરાવે છે. આ બધું જ એક નિત્ય ચાલતું નિયમિત્ત ચક્ર છે. જેનો સ્વીકાર કરવો જ પડે છે.
આવી જ રીતે આપણા દરેક પ્રશ્ન એ પ્રશ્ન નહીં પરંતુ કંઈક ઘટેલી નાની ઘટના જ છે. આત્મવિશ્વાસ સાથે સ્વીકારી લઈએ તો દુનિયામાં કોઈ વ્યક્તિ સબંધ કે સ્થિતિ એવી નથી કે જેને તમે ફરીવાર પ્રાપ્ત ન કરી શકો. અને પ્રયત્ન કરશો તો ફરીવાર નવી શરૂઆત થશે જ બસ પ્રયત્ન ચાલુ રહેવા જોઈએ. દરેક વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણવિરામ લગાવાય છે. પરંતુ એ પૂર્ણ વિરામ બાદ ફરીથી નવા વાકયની શરૂઆત થાય છે. જ્યારે અલ્પવિરામ બાદ અધુરૂ વાક્ય ફરી વેગમાં ચાલે છે. માટે પૂર્ણવિરામનું મહત્વ અલ્પવિરામ કરતા વધારે છે અને લાભદાયી પણ છે.
ચાલો આજે આપણે સૌ નક્કી કરીએ કે જ્યારે કોઈ પણ સ્થિતિમાં અંત આવે ત્યારે ડર રાખ્યા વગર તે જ સ્થિતિની નવી શરૂઆત કરીશું. અને તે શક્ય છે જ, કારણકે ‘અંત એ જ તો શરૂઆત છે’. કોઈ પણ સ્થતિ હોય જેનો અંત આવ્યો હોય, તે પછી સંબંધ હોય, વ્યવસાય હોય, પારિવારિક પ્રશ્ન હોય, મિત્રતા હોય, સ્નેહીજનો હોય કે પછી જીવનના લક્ષય જીતવા માટેના પ્રયાસો હોય. કોઈપણ બાબતમાં અંત આવે ત્યારે ફરીવાર નવી શરૂઆત કરીને જ ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરવાની સમજદારી કેળવવી.
ચાલો સૌ સાથે મળીને આજ સુધી ઘટેલી તમામ ખરાબ કે ખોટી ઘટનાઓને ભૂલીને એક નવી શરૂઆત કરીએ અને ભારતને વિશ્વગુરુ બનાવીએ.વંદે માતરમ્‌.