આજ દિવસ સુધી ઘણા અવનવા પરિવારો સાથે મે પ્રત્યક્ષ ચર્ચા કરી છે. ઘણા વિષયને કેન્દ્રમાં લઈને અનેક પરિવારના પ્રશ્નો અને તેમના દુઃખના કારણો ઉપર મેં નજર કરી ત્યારે વાસ્તવિકતા નજરે તારી કે, દુનિયાના તમામ દુઃખ એ માત્ર જ્ઞાનના અભાવના કારણે છે. અથવા તો જ્ઞાનની ગેરસમજણના કારણે છે. કારણ કે દુઃખ એટલે શું? દુઃખની વ્યાખ્યા આપણે લોકોને પૂછીએ તો તેના જવાબનું કેન્દ્ર હશે કે ; જે સ્થિતિ તેમને પસંદ છે તે તેમને પ્રાપ્ત ના થાય એટલે દુઃખ. પરંતુ દુઃખ અને સુખની ખરી વ્યાખ્યા તો આપણા વેદો અને શાસ્ત્રોમાં જ મળે. વિશ્વની કોઈ પણ બાબત તમે ચકાસો. હજારો મહાન વ્યક્તિના જીવન ચરિત્રનો અભ્યાસ કરો. આ સર્વેમાં એક જ સત્ય બહાર આવશે અને તે સત્ય એટલે ; ‘અંત એ જ શરૂઆત’. કોઈપણ સ્થિતિ તમે જુઓ તેનો અંત નિશ્ચિત છે. અને જેનો અંત છે તેની ફરીવાર શરૂઆત પણ નિશ્ચિત જ છે. આ એક ચક્ર છે. જે યુગો-યુગોથી ચાલતુ આવે છે અને યુગો-યુગો સુધી ચાલતાં રહેવાનું છે.
આપણને ખોટા ભ્રમમાં રાખવામાં આવે છે અને આપણે તે ભ્રમમાંથી બહાર નીકળવા માટે પ્રયાસ પણ કરતા નથી. કોઈ તમારું સારું સંબોધન કરે તો, તે માણસ સારો છે. અને કોઈ માણસ તમારું ટીકાયુક્ત સંબોધન કરે તો, તે માણસ ખરાબ છે. આ જ વ્યાખ્યા દુનિયાના માણસોમાં છે. પરંતુ વાસ્તવિકતા આ નથી. હા…, ચોક્કસ, ઘણીવાર ખોટા વ્યક્તિ તમારી ખોટી ટિપ્પણી કરે જ છે. પરંતુ તે વ્યક્તિમાં પણ કંઈક સારા ગુણ હોય છે.
સૂર્ય સવારે ઉદય પામે છે અને ચંદ્ર રાત્રે પ્રકાશિત થાય છે. આ ‘અંત એ જ શરૂઆત’ તો છે.સૂર્યનું ધરતી ઉપર ઉદય થવું અને ચંદ્રનું રાત્રે પ્રકાશિત થવું આ વિરોધાભાસ નથી પણ સત્ય છે. જે નિરંતર ચાલુ જ રહેવાનું છે. આપણે એક એવા સમાજમાં ઘડાઈ રહ્યા છીએ કે જ્યાં આપણી પીઠ પર શાબાશી આપવા કરતા પાછળથી કાવતરા કરનાર વધુ મળે છે. પરંતુ આ જ એક પરીક્ષા છે, કે જેમાં તમે ઉત્તીર્ણ થાવ એટલે તરત જ સફળ લોકોની હરોળમાં તમારું સ્થાન નિશ્ચિત રહે છે.
પરંતુ આપણે જાણવા છતાં એક કાર્ય કરવામાં આપણી જાતને અટકાવી રહ્યા છીએ. અને એ કાર્ય છે સંબંધોનું. કોઈ અંગત વ્યક્તિ સાથેના જીવનમાં સબંધને પુર્ણવિરામ આપી દઈએ છીએ. ચાલો આ બાબત પર થોડો વિચાર કરી વાસ્તવિકતા જાણીએ. ક્યા કારણોસર આપણો તે અંગત વ્યક્તિ સાથે સંબંધ પૂર્ણ થયો?ચોક્કસ જવાબ પ્રાપ્ત થશે કે, જે-તે વ્યક્તિએ એવું કાર્ય કર્યું જે તમારી માંગણી કે માનસિકતાને પસંદ નહિ હોય. અથવા તો તે વ્યક્તિએ તમારી સાથે છળ કર્યું હશે, કે પછી એવું કાર્ય કર્યું હશે જે ખરેખર ખોટું જ છે. અને કદાચ એવું પણ બની શકે કે તે આવું કાર્ય વારંવાર કરતા આવતા હોય. પરંતુ પ્રશ્ન માત્ર આટલો જ નથી.
આ વાત તો માત્ર સંબંધોની હતી. હવે તમે શાંત મનથી ઘડી-બેઘડી માટે વિચારો. તમારા જીવનની પ્રગતિ અને અધોગતિ વિશે વિચારો. સફળતા અને નિષ્ફળતા વિશે વિચારો. તમે તમારા જ જીવનનું એક લિસ્ટ તૈયાર કરો. જેમાં તમારા જીવનના સમગ્ર પ્રશ્નો અને તે પ્રશ્ન સાથે તમારું મંતવ્ય આ સર્વેને એક કાગળ ઉપર તૈયાર કરો. જીવનમાં નિષ્ફળતા શા માટે પ્રાપ્ત થઈ? અને સફળતા શા માટે પ્રાપ્ત થઇ?
તમે જેને જીવનમાં હદથી પણ વધુ ચાહો છો કે, ચાહતા હતા. આ સર્વે સાથેની ઘટના કે જેથી તમારા જીવનમાં સંબંધને પૂર્ણવિરામ આવ્યું, તે તમામમાં તમે વિચારો. તમે તમારા માતા પિતાને ખરા દિલથી ચાહો છો… તો શા માટે લગ્ન બાદ તમારે તેનાથી અલગ રહેવું પડે છે? તમારી બહેન કે ભાઈ, તમારા પતી કે પત્ની સાથે પણ સંબંધોમાં પૂર્ણ વિરામ જેવા કિસ્સાઓ જોવા મળે છે. આનું મુખ્ય કારણ શું છે? ખરેખર આ જાણવું અને સમજવું અત્યંત જરૂરી છે. ચાલો તમારા જીવનના આવા દરેક પ્રશ્નનોના ઉત્તર આપણે શોધીએ. આ તમામ પ્રશ્નોના ઉત્તર આપને આવતા અંકમાં ચોક્કસ મળશે. તે સમય દરમિયાન તમે તમારા જીવનની અમુક ઘટનાઓ ઉપર થોડો તર્ક કરો. ચાલો આવતા અંકમાં જવાબ વાંચીને આપણા જીવનની નવી શરૂઆત કરીશું. વંદે માતરમ.